મુંબઈ - નાણાપ્રધાન પ્રણવ મુખર્જીએ આજે મુંબઈમાં આવક વેરા ખાતાના અધિકારીઓ સાથે બંધ બારણે મીટિંગ કરી હતી. દેશની આર્થિક રાજધાની મહાનગરમાં કર ચોરીના વધતા કિસ્સાને ધ્યાનમાં લઈ નાણા પ્રધાનની આ મહત્ત્વની મીટિંગ યોજાઈ હતી.
આઈટી ડિપાર્ટંમેન્ટનું મુંબઈ એકમ અત્યારે આઈપીએલ કેસ, પૂના સ્થિત હસન અલી ખાનના રોકાણ અને દેશની પ્રમુખ ક્રિકેટ સંસ્થા બીસીસીઆઈના કરચોરી સંબંધી ઉચ્ચ મૂલ્યના કેસોમાં તપાસ કરી રહ્યું હોઈ આ મિટિંગ મહત્ત્વની મનાય છે. મુંબઈની એક દિવસની મુલાકાતે આવેલા મુખર્જીએ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે આવક વેરા ખાતાના ટોચના અધિકારીઓ સાથે તપાસ એકમના અન્ય રેન્કના ઓફિસરો સાથે પણ મીટિંગ યોજી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ નાણાંપ્રધાને કરચોરી બંધ કરાવવા નાણા પ્રધાને અધિકારીઓને કરચોરી કેસોમાં કડક હાથે તપાસ થાય એની ખાતરી કરવા જણાવ્યું હતું. ભારતમાં સૌથી વધુ કર એકત્રીકરણ મુંબઈ પ્રદેશમાંથી કુલ પ્રત્યક્ષ વેરા એકત્રીકરણના ૩૬ ટકા થાય છે. સૂત્રોએ વધુ કહ્યું હતું કે, મીટિંગમાં ટોચના અધિકારીઓ સાથે તપાસ યુનીટોના જુનીયર અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો હતો, જેથી આસીસ્ટન્ટ અને એડીશનલ કમિશનરો પણ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. નાણા મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષીસ (સીબીડીટી)ના દિલ્હીના વરિષ્ઠ અધિકારીઓ પણ મુંબઈમાં મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.