મુંબઈ - દેશના ઝવેરી બજારોમાં આજે ઐતિહાસિક તેજીનું મોજું આગળ ધપતાં સોના-ચાંદીના ભાવો અગાઉની ટોચને પાર કરી નવી રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા. મુંબઈમાં ચાંદીના કિલોના ભાવો આજે ૯૯૯ના રૃ.૫૪૫ ઉછળી રૃ.૩૧૦૦૦ની સપાટી પાર કરી રૃ.૩૧૩૦૦ની નવી ટોચે પહોંચ્યા હતા. સોનાના ૧૦ ગ્રામના ભાવો ૯૯.૫૦ના રૃ.૧૯૫ વધી રૃ.૧૯૧૪૦ની નવી ટોચે પહોંચ્યા હતા.
આ અગાઉ મુંબઈ બજારમાં ૮મી જૂને રૃ.૧૯૦૫૦ની ટોચ નોંધાઈ હતી અને આજે આ ટોચ પાર થતાં સોનામાં પણ નવો રેકોર્ડ થયો હતો. સોનાના ૯૯.૯૦ના ભાવો આજે રૃ.૨૦૦ વધી રૃ.૧૯૨૩૦ બોલાયા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો જે મંગળવારે રૃ.૨૨૩૧૦૦ રહ્યા હતા તે આજે ઉંચામાં રૃ.૨૨૪૧૦૦ થઈ છેલ્લે રૃ.૨૨૩૫૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં તેજીનું વાવાઝોડું ફૂંકાતા ઘરઆંગણે આજે બંને કિંમતી ધાતુઓની આયાત પડતરો આસમાને પહોંચી હતી સામે આવકો પણ ટાંચી રહેતાં મુંબઈ બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં વધતા ભાવોએ બેંકરો તથા સ્ટોકિસ્ટોની નવી વેચવાલી અટકી હતી. જો કે માથે તહેવારો છતાં ઉંચા ભાવોએ માંગ રુંધાતાં ઝવેરીઓ આજે ચિંતીત જણાતા હતા. વિશ્વ બજારમાં ઔંશદીઠ ચાંદીના ભાવો આજે ૧૯.૦૫થી વધી ૧૯.૪૮ થઈ છેલ્લે ૧૯.૩૫ ડોલર રહ્યા હતા જયારે સોનાના ભાવો ૧૨૩૮.૪૦ વાળા આજે ઉંચામાં ૧૨૫૪.૯૦ થઈ છેલ્લે ૧૨૪૮ ડોલર રહ્યાના સમાચારો હતા.અમેરિકન અર્થતંત્ર ફરી મંદી તરફ જઈ રહ્યાના નિર્દેશો અને ડોલરની નરમાઈ વચ્ચે હેજ ફંડો આજે સલામત રોકાણ તરીકે સોના તથા ચાંદીમાં સક્રિય બાયર રહ્યા હતા. મુંબઈમાં ઉંચે માંગ ઘટતા મોડી સાંજે સોનાના ભાવો ઉંચેથી ઘટી ૯૯.૫૦ના રૃ.૧૯૦૫૦, ૯૯.૯૦ના રૃ.૧૯૧૪૦ તથા ચાંદીના રૃ.૩૧૨૦૦ અને કેશમાં રૃ.૩૧૦૦૦ રહ્યા હતા.