વેરાવળ -
માછીમારી માટે મધદરિયે પહોંચી ચૂકેલી વલસાડ - મુંબઈ સહિતની ચાલીસે'ક ફિશીંગ બોટને વરસાદી વાતાવરણ વચ્ચે મધદરિયે રોકી નહીં શકાતા અને નજીકનું સલામત સ્થળ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જણાતા ત્યાં લાવીને લાંગરવાની માછીમારોને ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, સુરત - વલસાડ જિલ્લા ઉપરાંત છેક મુંબઈ તરફની તથા થોડી ઘણી ઓખા - માંગરોળની મળીને ચાલીસે'ક બોટો વેરાવળ અને મૂળ દ્વારકા સહિતના બંદરોના કાંઠે પહોંચેલી જોવા મળતાં આશ્ચર્ય ફેલાયું હતું. સાગરખેડૂઓએ જણાવ્યું કે, માછીમારી માટે તેઓ મધદરિયે હતા ત્યારે ચોમાસું સક્રીય થતાં દરિયો તોફાની બન્યો હતો, અને બોટોના દોરડા - લંગર બાંધી શકાય તેમ ન્હોતા. નજીકના સલામત સ્થળે પહોંચવાની ગણતરીએ બોટો વેરાવળ મૂળ દ્વારકા સુધી લાવવી પડી હતી. દરિયામાં હવાના દબાણથી માછીમારોને ખાસ્સી મુશ્કેલી વેઠવી પડી હતી. આ સ્થિતિમાં માછીમારી માટે દરિયામાં નહીં જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.