પાલીતાણા -
યાત્રાધામ તરીકે વિશ્વ વિખ્યાત પાલીતાણા શહેરમાં સતત વિકાસ સાધી રહ્યું છે. છતાં હજુ સુધીમાં આ શહેર બોયઝ કોલેજની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને કોલેજ કરવા માટે અનેક મુશ્કેલીઓ વેઠી અન્ય શહેરોમાં જવું પડે છે. જેના હલ માટે માંગણી ઉઠી છે.
પાલીતાણા શહેરમાં સરકારી તેમજ અનેક ખાનગી શાળાઓમાં ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ મેળવી દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ કરે છે. જ્યારે પાલીતાણામાં કોલેજની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ગારીયાધાર, ભાવનગર, રાજકોટ, અમદાવાદ જેવા અન્ય શહેરમાં અભ્યાસ કરવા માટે જવુ પડે છે.
ગત વર્ષે પાલીતાણા હાઇસ્કુલનાં ૩૮૩ વિદ્યાર્થી તેમજ ૮૦ ખાનગી શાળાનાં વિદ્યાર્થીઓ ઉપરાંત ચાલુ સત્રથી સી.એમ. વિદ્યાલય, ગુરૃકુળ, જામવાળા વગેરે જગ્યાએ ધો.૧૨ શરૃ થતાં અંદાજીત ૬૦૦ વિદ્યાર્થી દર વર્ષે ધો.૧૨ પૂર્ણ કરી કોલેજમાં પ્રવેશે છે.
જેમાં મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં રહી અભ્યાસ કરવા માટેનો આર્થીક ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બની જાય છે. તેમજ અપ-ડાઉનમાં સમયસર કોલેજ ન પહોંચતા તેમજ મુસાફરીમાં બિનજરૃરી સમય બગડતા વિદ્યાર્થીને ખૂબ નુકશાન જાય છે. જેના લીધે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેવાનું મનુસીબ માને છે. અત્રે નોંધનીય છે કે થોડા સમય અગાઉ પાલતાણામાં બોયઝ કોલેજ શરૃ કરવામાં આવેલ. પરંતુ વિષયો માટે પુરતા વિકલ્પ ન મળતા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેલ. તેમજ સ્થિર થવા માટે પુરતો સમય આવેલ નહિ. જ્યારે યુનિવર્સિટીનાં નિયમો પ્રમાણે મંજુરી અને વિષયો માટે ભરવી પડતી રકમ ઘણી મોટી હોય છે. અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે પરંતુ જો પાલીતાણાં જ બોયઝ કોલેજ શરૃ કરવામાં આવે તો વિદ્યાર્થીઓનાં અનેક પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે તેમ છે.