ગાંધીનગર -
નગરપાલિકાઓના કર્મચારીઓની માંગણી અંગે કર્મચારી મંડળો સાથેની વાટાઘાટો બાદ રાજ્ય સરકારે જે નગરપાલિકા તેની આવકના ૪૮ ટકાથી વધુ મહેકમ ખર્ચ ન કરતું હોય તેમને છઠ્ઠા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ મર્યાદા ૪૫ ટકાની હતી. તેમાં ૩ ટકાનો વધારો કરતાં ૧૫થી ૨૦ નગરપાલિકાઓના કર્મચારીઓને ફાયદો થશે.
પત્રકારો સાથેની વાતચીતમાં શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્નયા ૧૫૯ નગરપાલિકાઓ પૈકી અનેક નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સમયસર પગાર ચૂકવી શકતી નથી, લાઈટબિલો ભરી શકતી નથી અને તેના કારણે કર્મચારીઓની હડતાલ અને લોકોનો રોષ વહોરવો પડતો હોય છે. આજે પણ પાંચ નગરપાલિકાઓ એવી છે કે જેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી કર્મચારીઓને પાંચમાં પગાર પંચનો પણ લાભ મળતો નથી. સરકારના ૪૮ ટકા મહેકમ ખર્ચ અંગેના નિર્ણયથી આ નગરપાલિકાઓના કર્મચારીઓને પાંચમા પગાર પંચનો લાભ મળશે અને જ્યાં પાંચમા પગાર પંચનો અમલ થયેલો છે તેવી નગરપાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ મળશે.
તેમણે જણાવ્યું કે મોટાભાગની નગરપાલિકાઓ કરની રિકવરીમાં નબળી છે. સરેરાશ ૨૫ થી ૩૦ ટકા રિકવરી જ આવતી હોવાથી નગરપાલિકાને મહેકમ ખર્ચ વધી જતો હોય છે. જેથી નગરપાલિકા અને કર્મચારીઓ રિકવરી જેટલી વધારશે તેટલો ફાયદો પાલિકાને અને કર્મચારીઓને થશે.
એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા કર્મચારીઓના પગાર માટે પગારના ૩૩ ટકા અથવા વિકલ્પે જે તે નગરની વસ્તીના વ્યક્તિદીઠ રૃા. ૩૩ પ્રમાણે ગ્રાન્ટ ચૂકવે છે. વિકલ્પ જે તે નગરપાલિકાએ પસંદ કરવાનો હોય છે.