| Last Update : 02-Sept.-2010, Thursday |
|
|
|
|
|
|
| ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીની ખાલી બેઠકો ભરવાની સત્તા કોલેજોને સોંપી |
ટેકનિકલ શિક્ષણ વિભાગે આખરે ગાઇડ લાઇન જાહેર કરી
ઇજનેરીની ૧૪૧૬,ફાર્મસીની ૪૦૩૧ બેઠકો માટે જાહેરાત આપવી પડશે ઃ ફાર્મસીમાં પુરક પરીક્ષા પાસને પ્રવેશ આપવા નિર્ણય
|
અમદાવાદ,
ડીગ્રી એન્જિનિયરીંગ-ફાર્મસીમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ખાલી પડેલી બેઠકો માટે બે વખત રિશફલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આમછતા છેલ્લા તબક્કાની પ્રક્રિયા પછી ડીગ્રી ઇજનેરીમાં ૧૪૧૬ અને ફાર્મસીમાં ૪૦૩૧ બેઠકો ખાલી પડી હતી. આ બેઠકોનું શું કરવું તે અંગે સમિતિ દ્વારા ટેકનિકલ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં નિયમ પ્રમાણે આ તમામ બેઠકો ભરવાની સત્તા કોલેજ સંચાલકોને સોંપી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી તા.૯મી સુધીમાં કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને સમિતિ પાસે મંજુરી મેળવવાની રહેશે. પ્રવશ માટે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે કોલેજોએ કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઇન્ટ એડમીશન કમિટી દ્વારા ચાલુ વર્ષે ઓન લાઇન એડમીશન સીસ્ટમ પ્રમાણે કાર્યવાહી પૂર્ણ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.અગાઉ બે વખત રિશફલિંગ પછી પણ ડીગ્રી ઇજનેરી -ફાર્મસીમાં ખાલી પડેલી બેઠકો માટે ટેકનિકલ વિભાગે આજે પ્રવેશ સમિતિને આપેલી સૂચના પ્રમાણે ગાઇડ લાઇન જાહેર કરી દેવામાં આવી છે. જે પ્રમાણે ડીગ્રી ઇજનેરીની ૧૪૧૬ અને ફાર્મસીની ૪૦૩૧ બેઠકો ભરવાની સત્તા કોલેજોને સુપ્રત કરી દેવામાં આવી છે. કોલેજોએ આ જગ્યાઓ માટે જાહેરાત આપીને વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવીને રજીસ્ટ્રર બનાવવું પડશે.
ટેકનિકલ વિભાગે આપેલી સૂચના પ્રમાણે કોલેજોએ પ્રથમ ગુજકેટ આપનાર વિદ્યાર્થીઓને અગ્રીમતા આપવાની રહેશે. આ ઉપરાંત ત્રીજા રાઉન્ડના અંતે કોઇ વિદ્યાર્થીએ હેલ્પ સેન્ટરમાં રિપોર્ટીંગ કરાવ્યું હોય પરંતુ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરવાનો બાકી રહી ગયો હોય તેમને પ્રથમ તક આપવાની રહેશે. ડીગ્રી ઇજનેરીમાં પુરક પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે નહી.
આ અંગે સમિતિના સૂત્રો કહે છે ડીગ્રી ઇજનેરીમાં કુલ ૩૭૭૦૦ જેટલા વિદ્યાર્થીઓનું મેરિટલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતુ.ં આ લીસ્ટમાં બાકી રહેલા વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ આપવાનો રહેશે. જયારે ફાર્મસીની ખાલી પડલી ૪૦૩૧ બેઠકો માટે તમામ મેરિટલીસ્ટ ઓપરેટ થઇ ગયું હોવાથી પુરક પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને પણ તક આપવામાં આવશે. સમિતિની વેબસાઇટ પર ગાઇડ લાઇન જાહેર કરી દેવામાં આવી છે.
દરેક કોલેજોએ આગામી તા.૯મી સપ્ટેમ્બર સુધીમાં ગાઇડ લાઇનનું પાલન કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેની યાદી સમિતિ પાસે મંજુર કરાવવાની સૂચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|