- નિર્માતા વધારે પડતા ચંચુપાતથી દિગ્દર્શક મુંઝાઇ ગયો
મુંબઇ - 'વેન્સડે' ફિલ્મની સફળતા પછી દિગ્દર્શક નીરજ પાંડેએ શીતલ ભાટિયા સાથે મળીને નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. પણ તેનો માર્ગ હજી સરળ નથી બન્યો. સોમવારે નીરજ અને 'ધ સ્ટોનમેન મર્ડર્સ'ના દિગ્દર્શક મનીષ ગુપ્તા વચ્ચે ભારે તકરાર થઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નીરજે મનીષ ગુપ્તાને તેની નિર્માણ સંસ્થાની શરૃઆતની ફિલ્મના દિગ્દર્શનનું કામ સોંપ્યું હતું.
બંને વચ્ચે વધી પડેલા વાદવિવાદે ઉગ્ર સ્વરૃપ ધારણ કરતાં, નીરજ પાંડેની અંધેરી ખાતે આવેલી ઓફિસમાં બંને વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે નીરજ અને મનીષે એકબીજા સાથે મળીને શરૃઆત સારી કરી હતી પણ ત્યાર પછી તરત જ બંને વચ્ચે સર્જનાત્મક મતભેદ ઊભા થયાં હતાં. અને આ મતભેદ દિવસોદિવસ વધતો જ ગયો હતો અને સોમવારે તો એ ચરમસીમાએ પહોંચી ગયો હતો.
ત્રણેક મહિના પહેલાં નીરજે મનીષને એક થ્રિલર ફિલ્મ માટે સાઇન કર્યો હતો, ત્યાર પછી શું થયું તે જણાવતાં મનીષે કહ્યું હતું કે, નીરજે સ્ક્રીપ્ટમાં માથું મારવાનું શરૃ કરી દીધું હતું. શરૃઆતમાં મેં તેની સામે કોઇ વાંધો નહોતો લીધો. પણ પછી નીરજનો ચંચુપાત એટલો બધો વધી ગયો હતો કે હું મારી ઓળખ ગુમાવી બેઠો હતો. હું એટલો બધો મુંઝાઇ ગયો હતો કે મારા માટે કામ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવાનું કપરું બની ગયું હતું. સોમવારે જ્યારે મેં તેને કહ્યું કે મને આ ફિલ્મ મારી રીતે કરવી છે ત્યારે નીરજે મને કહ્યું હતું કે 'તુમ બડે બદતમીઝ ઇન્સાન હો. તું મને 'તુમ' કહેવાની હિમ્મત શી રીતે કરી શકે, તારે મને 'આપ' કહેવું જોઇએ. તેની વાત સાંભળીને મને એટલો બધો આઘાત લાગ્યો હતો કે હજી સુધી હું તેમાંથી બહાર નથી આવી શક્યો, એમ મનીષે ઉમેર્યું હતું.
આ બનાવ બન્યા પછી મનીષ તરત જ નીરજની ઓફિસમાંથી એમ કહીને બહાર નીકળી ગયો હતો કે, 'હું નીરજની આ ફિલ્મ હવે નહીં કરું. 'મુજસે નહીં હોગા.'
હવે વધારે ચોંકાવનારી વાત એ છે કે મનીષ હવે પાંચ લાખ રૃપિયાની સાઇનિંગ અમાઉન્ટ પરત કરવાની ના પાડે છે, જે નીરજે તેને આપ્યા હતા. નિઃસંકોચપણે આ વાત કબૂલતાં મનીષે કહ્યું હતું કે 'હું પાંચ લાખ રૃપિયા પાછા નથી આપવાનો'
નીરજ આ બનાવ વિશે કાંઇ કહેવા ઉપલબ્ધ નહોતો, પણ તેની પાર્ટનર શીતલ ભાટીયાએ જણાવ્યું હતું કે, 'નીરજ અને હું ફિલ્મ નિર્માણ કરવાના છીએ. મનીષ ગુપ્તા સાથે અમે વાતચીત કરી હતી અને આ પ્રોજેક્ટ સાથે મળીને કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. પરંતુ હજી સુધી કોઇ આખરી નિર્ણય ન લેવાયો હોવાથી હું વધુ કાંઇ કહેવા નથી ઇચ્છતી.
|