- જોકે, મેઘના નાયડુએ એફ.આઇ.આર.ન નોંધાવી હોવાથી ધરપકડ થવાની બાકી
મુંબઇ - મુંબઇ પોલીસના સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન સેલ (સી.સી.આઇ.સી.)ના અધિકારીઓ એક મુંઝવણ અનૂભવી રહ્યાં છે. આ વર્ષે ૨૩ જૂને કોઇએ 'કલિયોંકા ચમન' મ્યુઝિક વિડિયોથી જાણીતી બનેલી અભિનેત્રી મેઘના નાયડુનું ઇ-મેલ અકાઉન્ટ હેક કર્યું હતું.
મેઘનાના ઇ-મેલ દ્વારા હેકરે લોકોને એવી જાણકારી હતી કે, મેઘના ગર્ભવતી છે. જોકે. સાઇબર સેલની ટીમે આ ઇ-મેલ હેક કરનારી વ્યક્તિ પુણેમાં હોવાનું શોધી કાઢ્યું છે પણ આજ સુધી મેઘનાએ આ સંબંધી એફ.આઇ.આર. નોંધાવી ન હોવાથી પોલીસ આ હેકર (પુરૃષ કે મહિલા)ને પકડી શકે એમ નથી.
મંગળવારે મેઘનાએ પત્રકારોને જણાવ્યું હતું કે. 'હું ન્યૂયોર્ક (અમેરિકા)માં હોવાથી હેકર વિરુધ્ધ એફ.આઇ.આર. નોંધાવી શકી નહોતી. જોકે, મારા કેસ વિશે મેં પોલીસ સમક્ષ અરજી તો કરી દીધી હતી. અધિકારીએ મને જાણકારી આપી હતી કે, હેકર પુણેમાં હોવાનું પકડાયું છે, પણ હજુ સુધી તેની ધરપકડ થઇ નથી.'
આ હેકર એક ચોક્કસ સમયે મેઘનાના મિત્રો સાથે ચેટિંગ (ઇન્ટરનેટ દ્વારા વાતચીત) કરતો હતો.
જોકે, પોતે મેઘના હોવાનું કહી ચેટિંગ કરી રહેલી આ વ્યક્તિ વ્હેકરે) જ્યારે મેઘનાના મિત્રો સાથે બોલીવૂડના ત્રણ કલાકારો વિશે દ્વેષપૂર્ણ ટીપ્પણી કરતા મેઘનાના કેટલાંક મિત્રોને (સામેની વ્યક્તિ મેઘના નથી એવી) શંકા ઉપજી હતી. હેકરે એવું જાહેર કર્યું હતું કે, પોતે (મેઘના) ગર્ભવતી છે. આવા કેટલાક મિત્રોએ મેઘનાનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો અને તેની 'ચેટ' સંબંધી વાતો જાણીને તેને આંચકો લાગ્યો હતો. મેઘનાના જણાવ્યા મુજબ, 'હેકરે મારા (ઇ-મેલ) અકાઉન્ટનો ઉપયોગ મારા મિત્રો સાથે ચેટિંગ માટે કર્યો હતો. ફિલ્મ ક્ષેત્રે નથી એવા મારા ત્રણ મિત્રએ મને કહ્યું હતું કે, હેકર તો તેમની સાથે બે કલાકથી વધુ સમય સુધી ચેટિંગ (વાતો) કરતો હતો.' મેઘનાના મદદનીશ ડેલ ભગવાગર દ્વારા ઓપરેટ કરાતાં ત્રણ ઇ-મેલ અકાઉન્ટ પણ હેક કરાયા હતા. મેઘનાએ કહ્યું હતું કે 'હેકરે મારા ઇ-મેલનો પાસવર્ડ પણ બદલી નાખ્યો હોવાથી હું ઇ-મેલ અકાઉન્ટ ખોલી શકતી નહોતી.
મેઘનાની ફરિયાદના પગલે પોલીસે અમેરિકામાં રહેલાં સર્વર પરથી હેકરનું ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇ.પી.) એડ્રેસ મેળવ્યું હતું. બાદમાં પોલીસે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઇ.એસ.પી.) સંબંધી માહિતી મેળવી હતી એ તારણ કાઢ્યું હતું કે, હેકર પુણેની બહારથી આ અકાઉન્ટ ઓપરેટ કરી રહ્યો છે. પોલીસે આ કેસની 'ટેકનિકલ તપાસ' પૂરી થઇ ગયાનું જણાવ્યું હતું અને હવે મેઘના આ વિશે એફ.આઇ.આર. નોંધાવે તેની રાહમાં છે. ક્રાઇમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ વધુ માહિતી આપવાનો ઇન્કાર કરી આ મામલે તપાસ ચાલી રહી હોવાનું કહ્યું હતું.
|