- 'ડાર્લિંગ' ફિલ્મ વખતની એશા દેઓલની લેણી નીકળતી રકમ રામુએ ચૂકવી
મુંબઇ - ફિલ્મ ઇન્ડસ્ટ્રી હંમેશા વાદ-વિવાદથી ઘેરાયેલી રહે છે. કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકો સાથે મતભેદ અને મનભેદનું નિર્માણ થયા કરે છે અને એટલી જ ઝડપથી તેમની વચ્ચે સમાધાન પણ સધાઇ જાય છે.
આ અંતર્ગત ટૂંક સમય અગાઉ અભિનેત્રી એશા દેઓલે પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્મા ઉર્ફે રામુ વિરુદ્ધ સંપૂર્ણ વળતર ન ચૂકવવામાં આવ્યા સંદર્ભની ફરિયાદ નોંધાવી હતી. જેને પરિણામે રામુએ 'ડાર્લિંગ' ફિલ્મ માટેની એશાની લાંબા સમયથી લેણી નીકળતી રકમની અંતે ચૂકવણી કરી છે. જોકે એશાની રૃ. ૧૩ લાખની લેણી નીકળતી રકમની સામે રામુએ ફક્ત રૃ. સાત લાખ જ ચૂકવીને પતાવટ કરી છે.
એશાની સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા મુજબ 'એશા અને રામુ એક વર્ષથી લેણી નીકળતી રકમ અંગે વાટાઘાટ કરતા હતા. અંતે સમગ્ર કેસ 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝ (એફડબ્લ્યુઆઇસીઇ) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેમણે રામગોપાલ વર્મા વિરુદ્ધ અસહકારભર્યુ વલણ અપનાવવાનો મામલો નોંધ્યો હતો. આ ઉપરાંત રામુને તેની ફિલ્મનું શૂટિંગ કરતાં પણ અટકાવવામાં આવ્યો હતો.'
બીજે છેડે રામગોપાલ વર્મા સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા મુજબ 'ફેડરેશને 'રક્તચરિત્ર' ફિલ્મનું શૂટિંગ અટકાવવા માટેની નોટિસ મોકલી હતી. જોકે રામુ તાબડતોબ રકમ ચૂકવવા તૈયાર થયો હોવાને કારણે નોટિસ અમલમાં મૂકવામાં આવી નહોતી. રૃ. ૧૩ લાખની લેણી નીકળતી રકમની સામે રૃ. ૭ લાખ ચૂકવીને પતાવટ કરવામાં આવી હતી.'
એફડબ્લ્યુઆઇસીઇના પ્રમુખ તથા સીઆઇએનટીએએના જનરલ સેક્રેટરી ધર્મેશ તિવારીના જણાવ્યા મુજબ તેમને ૨ સપ્ટેમ્બરની તારીખનો ચેક મળ્યો છે. જોકે લેણી નીકળતી રકમની જગ્યાએ ઓછી રકમમાં સમાધાન સાધવા બંને પક્ષ તૈયાર થયા હોવા અંગે તેઓ માહિતગાર ન હોવાનું તેમણે જણાવ્યું છે.
રામગોપાલ વર્માના વકીલ અતુલ માનકર્ણેએ આ અંગેે પુષ્ટિ આપતાં કહ્યું હતું કે 'અમે ફેડરેશન સમક્ષ બેે દિવસની અંદર સમાધાન સાધવાનું અથવા તો સમગ્ર રકમની ચૂકવણી કરવાનું સૂચન કર્યુ હતું.' આ સંદર્ભમાં અભિનેત્રી એશા દેઓલનો સંપર્ક સાધી શકાયો નહોતો.
|