- આ શક્ય બનશે તો શાહરૃખ આ સંસ્થાએ સામેલ થનાર સૌ પ્રથમ અભિનેતા બનશે
મુંબઇ - ફિલ્મ ઉદ્યોગના નિર્માતા એસોસિએશનની મુખ્ય કમિટિમાં શાહરૃખ ખાનને સમાવવાની વાતચીત ચાલી રહી છે. આ શક્ય બનશે તો આ સંસ્થામાં સામેલ થનારા સૌ પ્રથમ કલાકાર તરીકેનું માન શાહરૃખ ખાટી જશે.
આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે, નિર્માતાઓએ એક મહત્વની કમિટિ માટે શાહરૃખનું નામ સૂચવ્યું છે. આ કમિટિ દરેક નિર્ણય લેશે તેમજ નિર્માતાઓને એકત્ર બાંધી રાખવાના પગલા લેશે તેમજ ભારતભરમાં નિર્માતાઓને સતાવતા મુદ્દાઓ પર ધ્યાન આપશે. તેમની વાર્ષિક સામાન્ય સભા મળશે. ત્યારે શાહરૃખ ખાનને આ કમિટિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકાશે.
'આ અંગે છેલ્લા બે દાયકાથી શાહરૃખે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. શાહરૃખ એક સફળ અભિનેતા અને નિર્માતા છે. તેમજ માર્કેટિંગ બાબતે પણ તેની કુનેહ દાદ માગી લે તેવી છે. ઇન્ડસ્ટ્રીને પ્રગતિ તરફ કૂચ કરાવવા માટે નિર્માતાઓને તેની સલાહની જરૃર છે.' સૂત્રે ઉમેર્યું હતું.
પોતાની વાત આગળ વધારતા સૂત્રે કહ્યું હતું. 'નિર્માતાઓને સંગઠિત રાખવાના મામલા બાબતે તેની સલાહ લેવામાં આવશે. મલ્ટિપ્લેક્સના માલિકો સાથે નફાના વિભાજન તેમજ સ્ક્રિનની સમય-પત્રિકા બાબતે મતભેદ થયા હતા ત્યારે તેમણે હિંમતથી કામ લીધું હતું. કેટલાક નિર્માતાઓએ જોડાણ તોડી પોતાની ફિલ્મો રિલિઝ કરી એકતામાં ભંગાણ પાડયું હતું, તેથી હવે નિર્માતાઓ આ ભૂલનું પુનરાવર્તન કરવા માગતા નથી અને તેમને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન આપે એવા શાહરૃખ જેવી વ્યક્તિની જરૃર છે.
સૂત્રો તરફથી વધુમાં જાણવા મળ્યા પ્રમાણે શાહરૃખ સાથે આ કમિટિમાં આમિર ખાનું નામ પણ ચર્ચાતું હતું. પરંતુ ફિલ્મ નિર્માતા અને મલ્ટિપ્લેક્સ વચ્ચેની હડતાળ દરમિયાન કોમ્પિટિશન કમિશને તેના પર સંગઠન રચવાનો આરોપ લગાડી તેને કોર્ટમાં ઘસડયો હોવાથી આમિર ગુસ્સામાં છે અને તેને સત્તાની ખુરસી પર બેસવું નથી.
નિર્માતા એસોસિએશનના સિનિયર ઉપ પ્રમુખ મુકેશ ભટ્ટે આ સમાચારને સમર્થન આપતા ઉમેર્યું હતું. 'નિર્માતા બનેલા બધા જ કલાકારો અમારી સંસ્થાના સભ્યો છે. પરંતુ આજ સુધી કોઇએ પણ મહત્વનો હોદ્દો સંભાળ્યો નથી આ વખતે શાહરૃખને મુખ્ય હોદ્દો સંભાળવાનું સુચન થવાનું સંભળાય છે. વાર્ષિક સામાન્ય સભામાં સ્પષ્ટ ચિત્રની ખબર પડશે.'
|