(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
દેશભરમાં વ્યાપક વરસાદે હવે અર્થતંત્ર આડેના સૌથી મોટા જોખમને દૂર કરી દેતા અને ઔદ્યોગિક ક્ષેત્રે મજબૂત વૃદ્ધિ થકી આર્થિક-જીડીપી વૃદ્ધિ જૂનના અંતે ૮.૮ ટકાની પ્રોત્સાહક વૃદ્ધિ નોંધાતા અને આ વૃદ્ધિ સંપૂર્ણ વર્ષમાં આથી વધુ હાંલ થવાના આયોજન પંચના વિશ્વાસે તેમજ યુરોપ- અમેરિકાના દેશોમાં ફરી આંચકા પચાવી નવેસરથી રીકવરીએ બજારો ઊંચકાઇ આવતા મુંબઇ શેરબજારોમાં આજે અપેક્ષીત ચાલે મેટલ, આઇટી, રિલાયન્સ, ઓઇલ- ગેસ પીએસયુ શેરો અને રીયાલ્ટી શેરોમાં વેલ્યુબાઇંગ સાથે શોર્ટ કવરીંગ વધતા બજાર પુનઃ તેજીના પથ પર સવાર થયું હતું. વૈશ્વિક મોરચે ગઇકાલ સુધી અમેરિકાના ડબલ ડીપ મંદીના ભય સહિતના નેગેટીવ અહેવાલો પાછળ એશીયાના અન્ય બજારો જાપાન, હોંગકોંગ, તાઇવાનમાં બોલાઇ ગયેલા કડાકા અને સ્થાનિકમાં ડાયરેક્ટ ટેક્ષ કોડના (ડીટીસી) નામે ભારતીય બજારોને ઓવરહીટ થતાં અટકાવવા મહારથીઓ - દિગ્ગજોએ અપેક્ષીત કરેક્શન આપીને ઘણા ખેલંદાઓને તેજીની સવારી પરથી છેતરામણી ચાલે ઉતારી મૂક્યા બાદ ઘટયામથાળેથી ગઇકાલે જ ઇન્ડેક્ષ બેઝડ રીવકર કરી દઇ આજે શેરોમાં ફરી ઓલરાઉન્ડ લેવાલી કરાઇ હતી. અમેરિકા-યુરોપ- એશીયાના અન્ય બજારોમાં પાછલા બે દિવસમાં ધોવાણ છતાં વિચલીત નહીં થઇ એફઆઇઆઇઝ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતમાં સારા વરસાદ, મજબૂત ઔદ્યોગિક વૃદ્ધિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થઇ રહેલા જંગી મૂડી રોકાણથી ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ જાળવી રાખીને સપ્તાહના પ્રથમ બે દિવસમાં શેરોમાં નજીવી છતાં ચોખ્ખી ખરીદી કરી હતી. ઓટોમોબાઇલ કંપનીઓના ઓગસ્ટ મહિનાના વાહનોના વેચાણના એકંદર પ્રોત્સાહક આંકડાના વાહનોના વેચાણના એકંદર પ્રોત્સાહક આંકડાના સથવારે ઇન્ડેક્ષ બેઝડ તેજીને વેગ મળ્યો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૯૭૧.૧૨ સામે ૧૮૦૨૭.૧૨ ખુલી ૨૫૬.૦૨ પોઇન્ટના ઉછાળે એક સમયે ઉપરમાં ૧૮૨૨૭.૧૪ ખુલી ૨૫૬.૦૨ પોઇન્ટના ઉછાળે એક સમયે ઉપરમાં ૧૮૨૨૭.૧૪ સુધી જઇને દિવસ દરમિયાન ૧૧૦થી ૧૨૦ પોઇન્ટનો ઉછાળો બતાવતો રહી છેલ્લી ઘડીમાં રિલાયન્સ ઇન્ફ્રા., જિન્દાલ શેરોમાં તેજીએ અંતે ૨૩૪.૭૫ પોઇન્ટના ઉછાળે ૧૮૨૦૫.૮૭ બંધ રહ્યો હતો.
મંદી કરનારા છેતરાયા! બિગબુલ, સાઇલેન્ટ, એલીફન્ટ, સહિતના મહારથીઓની મોટા પાયે તેજી
એનએસઇનો નિફ્ટી કેશ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૪૦૨.૪૦ સામે ૫૪૦૩.૦૫ ખુલી એક તબક્કે ૭૬.૦૨ પોઇન્ટ ઉછળીને ઉપરમાં ૫૪૭૮.૬૦ સુધી જઇને અંતે ૬૯.૪૫ મથાળે બંધ રહ્યો હતો. મેટલ હેવીવેઇટ શેરો હિન્દાલ્કો, સ્ટરલાઇટ, જિન્દાલ, સાથે રીયાલ્ટી શેરોમાં યુનીટેક, ડીએલએફ સહિતમાં લેવાલીએ નિફ્ટીને મજબૂત ટેકો સાંપડયો હતો. છેલ્લા બે દિવસમાં છેતરામણી ચાલે મહારથીઓએ ખેલંદાઓને મંદીના માનસમાં લાવવાનો પ્રયાસ કરીને મંદી કરવા લલચાવ્યા બાદ અપેક્ષીત ચાલે એલીફન્ટ, સાઇલેન્ટ મહારથી, બિગબુલ, વ્હાઇટ દિગ્ગજ, શરદ, કીર્તિમાન મહારથીએ સાર્વત્રિક તેજીનો મોટો વેપાર માંડી ઇન્ડેક્ષ બેઝડ સાથે સ્મોલ-મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજીનું વાવાઝોડું લાવી દીધું હતું.
નિફ્ટી સપ્ટેમ્બર ઉપરમાં ૫૪૮૮ બોલાયો ઃ ૫૩૫૦ તૂટવાનો ગભરાટ ફેલાવી ખેલંદાઓને ફસાવાયા!
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ ગઇકાલે બપોરે બે વાગ્યા બાદ ઝડપી યુ-ટર્ન આપીને ૪૫ પોઇન્ટનો ઘટાડો રીકવર કરાવ્યા બાદ આજે નિફ્ટીમાં એલીફન્ટ અને બિગબુલે મોટુ લેણ કર્યાની ચર્ચા વચ્ચે સપ્ટેમ્બર નિફ્ટી ફ્યુચર ૪૧૪૯૦૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૩૦૧ કરોડના ટર્નઓવરે ૫૪૦૩.૭૦ સામે ૫૪૨૦ ખુલી નીચામાં ૫૪૧૨ થઇ ઉપરમાં ૫૪૮૮ સુધી જઇ અંતે ૫૪૭૬ બોલાતો હતો. નિફ્ટી ૫૩૫૦ તૂટવાના સંજોગોમાં મોટાપાયે કડાકો બોલાઇ જવાનો ગભરાટ ચો-તરફ ફેલાવી દઇને અનેકને તેજીના વેપારમાંથી ઉતારી મૂકી મંદી કરવા લલચાવી મહારથીઓ, દિગ્ગજોએ ફસાવ્યાની ચર્ચા હતી. ડેરીવેટીવ્ઝમાં ટ્રેડીંગ વોલ્યુમ પણ ૩૩૪૪૪૧૪ કોન્ટ્રેક્ટસમાં મળીને રૃા. ૯૨૧૬૫.૮૮ કરોડનું થયું હતું.
૮.૮ ટકાથી વધુ આર્થિક વૃદ્ધિના અંદાજ; નિકાસ વૃદ્ધિએ શેરોમાં ફંડોની ઓલરાઉન્ડ લેવાલી
ભારતની જીડીપી વૃદ્ધિ જૂન અંતના ત્રિમાસિકમાં ૮.૯ ટકા નોંધાયામાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ૧૨.૪ ટકાની મજબૂત વૃદ્ધિ, માઇનીંગ ક્ષેત્રે ૮.૯ ટકા વૃદ્ધિ, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૭.૫ ટકા અને કૃષિ ક્ષેત્રે ૨.૮ ટકા વૃદ્ધિ નોંધાઇ છે. જે હવે વર્ષના બાકી દિવસોમાં સારા વરસાદ થકી કૃષિ ક્ષેત્રે અપેક્ષીત નોંધનીય વૃદ્ધિએ વર્ષ દરમિયાન ૮.૮ ટકાથી વધુ જીડીપી-આર્થિક વૃદ્ધિ શક્ય બનવાના આયોજન પંચના અંદાજે અને નિકાસમાં જુલાઇમાં ૧૩.૨ ટકા વૃદ્ધિએ ૧૬.૨૪ અબજ ડોલર તથા એફઆઇઆઇ- લોકલ ફંડો, દિગ્ગજોની શેરોમાં ઓલરાઉન્ડ ખરીદી નીકળી હતી.
સાઇલેન્ટ મહારથીએ શું કહ્યું? સારો વરસાદ થશે તો અન્ય કોઇ પરિબળો તેજીને રોકી શકશે નહીં
ગામને ગભરાટમાં લાવી લેણ ખંખેરાવી લેવાના છેલ્લા બે દિવસના પ્રયાસમાં વ્યાપક છેતરામણી વેચવાલી બતાવી મહારથીઓએ શરૃ કરેલા કોર્નરીંગમાં આજે વ્યાપક લાવલાવ કરી મૂકતા માર્કેટબ્રેડથ સંગીન બની હતી. બીએસઇમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૪ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૨૨૦૩ રહી હતી. જ્યારે ઘટનારની ૭૪૯ રહી હતી. તેજીના વ્યાપક તોફાન સાથે આજે ફરી ૨૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ટ્રેડરને ઇન્વેસ્ટરની આદત પાડતા અને લાંબાગાળાના રોકાણકાર બનનારા જ સંપતિનું મોટું સર્જન કરી શકે છે એવા ઇન્વેસ્ટર તરીકેના ધોરણને વળગી રહેતા, અને પોતાના શેરોમાં આડે આવીને ટૂંકાગાળાના લાભે મોટી ખરીદી કરી જનારાને અકળાવી મૂકવામાં માહેર સાઇલેન્ટ મહારથીએ તાજેતરના ભૂતકાળમાં જ કહેલું કે દેશમાં ચાલુ વર્ષે વરસાદ સારો થશે તો ભારતીય બજારોમાં તેજીને કોઇ પરિબળ અવરોધી નહીં શકે. આંતરરાષ્ટ્રીય બજારોની અનિશ્ચિતતા પણ નહીં.
૨૨૦૩ શેરો ઊંચકાયા ઃ ૨૪૦ શેરોમાં તેજીની સર્કિટ ઃ સ્મોલ કેપ ઇન્ડેક્ષ ૧૭૨ પોઇન્ટ ઉછળ્યો
૨૨૦૩ શેરોના ભાવ વધી આવ્યા સાથે ૨૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ રહી હતી. સ્મોલ-મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીના તોફાને આજે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્ષ ૧૭૨.૨૯ પોઇન્ટ ઉછળીને ૭૭૨૩.૯૩ અને બીએસઇ મિડ કેપ ઇન્ડેક્ષ ૧૨૭.૦૯ પોઇન્ટ વધીને ૭૭૨૩.૯૩ રહ્યા હતાં.
લંડન મેટલમાં કોપર, નિકલમાં તેજીએ મેટલ શેરોમાં ઉછાળો ઃ સ્ટરલાઇટ, હિન્દાલ્કો, હિન્દ. કોપર ઊંચકાયા
આંતરરાષ્ટ્રીય મોરચે ચાંદીના ભાવોમાં ઉછાળા પાછળ કોપર અને નિકલના ભાવો લંડન મેટલ એક્ષચેન્જમાં અનુક્રમે ટન દીઠ ૧૫૦ અને ૪૫૦ ડોલર વધી આવતા અને યુરોપમાં સાર્વત્રિક રીકવરીએ મેટલ શેરોમાં વેચાણો કપાયા હતા, અને એલીફન્ટ ઇન્વેસ્ટર, એફઆઇઆઇઝે મોટું લેણ કર્યું હતું. હિન્દાલ્કો રૃા. ૭.૪૫ ઉછળીને રૃા. ૧૭૩.૮૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૫.૪૦ વધીને રૃા. ૧૫૬.૫૫, હિન્દુસ્તાન કોપર રૃા. ૬૯.૮૫ ઉછળીને રૃા. ૪૬૫, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૬૯.૧૫ ઉછળીને રૃા. ૧૧૧૩.૮૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૪૨.૧૫ વધીને રૃા. ૧૧૭૩.૪૦, ટાટા સ્ટીલ રૃા. ૧૫.૩૫ વધીને રૃા. ૫૩૭.૭૫, સેસાગોવા રૃા. ૮.૮૦ વધીને રૃા. ૩૨૫.૭૫, ગુજરાત એનઆરઇ કોક રૃા. ૧.૩૫ વધીને રૃા. ૫૬.૬૦, વેલસ્પન કોર્પ રૃા. ૫.૫૫ વધીને રૃા. ૨૩૮.૫૫, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૨.૪૦ વધીને રૃા. ૬૯૭.૬૫ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૪૫૨.૦૩ પોઇન્ટ ઉછળીને ૧૫૪૨૯.૫૩ રહ્યો હતો.
થ્રીજી સ્પેકટ્રમ ફાળવણી થતાં ટેલીકોમ શેરોમાં તેજીની ટયુન ઃ આરકોમ, ભારતી એરટેલ ઉછળ્યા
ટેલીકોમ શેરોમાં આજે ટેલીકોમ ઓપરેટરો ભારતી એરટેલ, રિલાયન્સ કોમ્યુનિકેશન, વોડાફોન સહિતને થ્રીજી સ્પેકટ્રમની ફાળવણી થઇ જતા વિદેશી ફંડો લેવાલ બન્યા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ રૃા. ૭.૭૦ ઉછળીને રૃા. ૧૬૩.૭૦, ભારતી એરટેલમાં તેજીના બ્રેકઆઉટ સાથે મોટી લેવાલીએ રૃા. ૧૦.૧૫ વધીને રૃા. ૩૩૭.૩૦, એમટીએનએલ રૃા. ૧.૫૫ વધીને રૃા. ૬૨.૬૫, ટાટા ટેલીસર્વિસિઝ રૃા. ૨૨.૮૦, આઇડીયા સેલ્યુલર રૃા. ૭૨.૧૦ રહ્યા હતાં.
રીયાલ્ટી શેરોમાં શોર્ટ કવરીંગ ઃ યુનીટેક, એચડીઆઇએલ, ઇન્ડિયાબુલ્સ, શોભા ડેવલપર્સ વધ્યા
રીયાલ્ટી ક્ષેત્રે પાછલા દિવસોમાં ઓવરબોટ પોઝિશન અને પ્રોપર્ટીઝના અસાધારણ ઊંચા ભાવોએ નવી ખરીદીમાં સાવચેતીએ લેણ હળવા થવા લાગતા અને મોટા કરેક્શન બાદ હવે સારા વરસાદે સાવચેતીમાં શોર્ટ કવરીંગ સાથે ઓપરેટરોની લેવાલી નીકળી હતી. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૯૯.૧૫ પોઇન્ટ વધીને ૩૪૩૦.૯૧ રહ્યો હતો. શોભા ડેવલપર્સ રૃા. ૧૭.૫૫ ઉછળીને રૃા. ૩૪૬.૩૫, અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૪.૯૦ વધીને રૃા. ૧૩૧.૮૦, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૬.૨૦ વધીને રૃા. ૧૭૪.૧૫, ઓર્બીટ કોર્પોરેશન રૃા. ૪.૧૫ વધીને રૃા. ૧૨૩.૧૦, યુનીટેક રૃા. ૨.૫૦ વધીને રૃા. ૮૦.૦૫, પેનીનસુલા લેન્ડ રૃા. ૧.૯૦ વધીને રૃા. ૬૧.૮૦, ડીબી રીયાલ્ટી રૃા. ૧૨.૮૫ વધીને રૃા. ૪૪૧.૮૫, સનટેક રીયાલ્ટી રૃા. ૧૭.૫૦ વધીને રૃા. ૬૪૬.૦૫, એચડીઆઇએલ રૃા. ૬.૮૫ વધીને રૃા. ૨૫૯.૦૫, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃા. ૩.૬૫ વધીને રૃા. ૧૩૯.૧૦, ડીએલએફ રૃા. ૭.૭૫ વધીને રૃા. ૩૦૯.૫૦, ફિનિક્સ મિલ્સ રૃા. ૩.૮૦ વધીને રૃા. ૨૪૧.૨૫ રહ્યા હતાં.
અમેરિકામાં રીકવરી પાછળ આઇટી શેરોમાં આકર્ષણ ઃ ઇન્ફોસીસ, ટીસીએસ, ઓેરકેલ ઊંચકાયા
ચીન પાછળ અમેરિકી બજારોમાં બપોરે ડાઉ જોન્સ ફ્યુચરમાં ૭૫ પોઇન્ટની રીકવરી સાથે યુરોપના બજારોમાં પણ ચીનના મેન્યુફેક્ચરીંગના પ્રોત્સાહક આંકડાએ તેજી આવતા આઇટી શેરોમાં ફંડો લેવાલ બન્યા હતા. ઇન્ફોસીસ રૃા. ૬૮.૬૫ વધીને રૃા. ૨૭૭૫.૭૫, ટીસીએસ રૃા. ૧૩.૩૫ વધીને રૃા. ૮૫૭.૨૦, ઓરકેલ ફીનસર્વ રૃા. ૨૯.૮૦ વધીને રૃા. ૨૦૬૦.૭૦, પટની કોમ્પ્યુટર રૃા. ૫.૮૦ વધીને રૃા. ૪૫૯.૬૦, એમ્ફેસીસ રૃા. ૭.૨૦ વધીને રૃા. ૬૨૬.૬૦, વિપ્રો રૃા. ૩.૫૦ વધીને રૃા. ૪૦૩.૩૦ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૧૦૭.૭૨ પોઇન્ટ વધીને ૫૪૮૩.૩૪ રહ્યો હતો.
ઓટો કંપનીઓના ઓગસ્ટમાં વેચાણમાં ૧૭થી ૫૧ ટકા વૃદ્ધિ ઃ શેરોમાં વધ્યામથાળે સાવચેતી
ઓટો કંપનીઓના ઓગસ્ટ મહિનાના વાહનોના વેચાણના આંકડામાં એકંદર ૧૭થી ૫૧ ટકાની પ્રોત્સાહક વૃદ્ધિ રહેતા શેરોમાં આરંભમાં આકર્ષણ રહ્યું હતું, પરંતુ વધ્યામથાળે સાવચેતીમાં નવી લેવાલી અટકતી જોવાઇ નફારૃપી આંશિક વેચવાલી હતી. મારૃતી સુઝુકી ઉપરમાં રૃા. ૧૨૮૦ થઇ અંતે રૃા. ૧૭.૩૫ વધીને રૃા. ૧૨૭૩.૨૫, અશોક લેલેન્ડ ઉપરમાં રૃા. ૭૫.૪૫ થઇ અંતે રૃા. ૧ વધીને રૃા. ૭૪.૬૦, બજાજ ઓટો રૃા. ૨૭૮૨ થઇ અંતે રૃા. ૨૦ વધીને રૃા. ૨૭૪૯.૪૦, મહિન્દ્રા રૃા. ૧.૮૦ વધીને રૃા. ૬૨૮.૨૦, ટાટા મોટર્સ રૃા. ૧.૧૦ વધીને રૃા. ૧૦૦૮.૫૫ રહ્યા હતાં.
ખાનગી બેંક શેરોમાં તેજી ઃ આઇસીઆઇસીઆઇ, ફેડરલ બેંક, યશ બેંક, ઇન્ડસઇન્ડ વધ્યા
બેંકિંગ શેરોમાં આઇસીઆઇસીઆઇ બેંકમાં શોર્ટ કવરીંગ સાથે લેવાલીએ શેર રૃા. ૧૭.૩૦ વધીને રૃા. ૯૯૪.૬૦, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૬.૯૦ વધીને રૃા. ૨૨૮.૦૫, યશ બેંક રૃા. ૯ વધીને રૃા. ૩૨૦.૧૦, યુનીયન બેંક રૃા. ૭.૮૫ વધીને રૃા. ૩૩૬.૬૫, આઇડીબીઆઇ બેંક રૃા. ૨.૮૦ વધીને રૃા. ૧૨૪.૨૫, રહ્યો હતો.
યુરોપમાં ૬૫થી ૭૫ પોઇન્ટની તેજી નિક્કી ૧૦૩, હેંગસેંગ ૮૭, તાઇવાન ૫૨ પોઈન્ટ ઉછળ્યા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૦૨.૯૬ પોઇન્ટ વધીને ૮૯૨૭.૦૨, હોંગકોંગનો હેંગસેંગ ૮૭.૩૪ પોઇન્ટ વધીને ૨૦૬૨૩.૮૩, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૧૫.૯૨ પોઇન્ટ વધીને ૨૬૨૨.૮૮, તાઇવાન વેઇટેજ ૫૧.૯૭ પોઇન્ટ વધીને ૭૬૬૮.૨૫, રહ્યા હતા. યુરોપના બજારોમાં પણ સાંજે ચાલુ બજારે ૬૫થી ૭૫ પોઇન્ટની તેજી હતી.
જન્માષ્ટમી છતાં આજે શેરબજારોમાં ટ્રેડીંગ ચાલુ રહેશે
ગુરુવારે ૨, સપ્ટેમ્બર 'જનમાષ્ટમી'ના તહેવાર છતાં મુંબઇ શેરબજારોમાં રાબેતામુજબ ટ્રેડીંગ ચાલુ રહેશે. હવે આગામી સપ્તાહમાં શુક્રવારે ૧૦, સપ્ટેમ્બરના રમઝાન ઇદ નિમિત્તે શેરબજારો બંધ રહેશે.
|