નવી દિલ્હી, બુધવાર
સરકાર હસ્તકની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) પોતાના વીજ એકમ માટે ઇંધણના પુરવઠાને સુનિશ્ચિત કરવા કેરાલા ખાતેના તેના ગેસ આધારિત પ્રોજેક્ટમાં કતાર પેટ્રોલિયમને ૪૯ ટકા સુધીના ઇક્વિટી હિસ્સાની ઓફર કરે તેવી શક્યતા છે. એનટીપીસીના સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીના કેરાલા ખાતેના કાયમકુલમ ગેસ આધારિત વીજમથકની વર્તમાન ક્ષમતા ૩૫૦ મેગાવોટ છે જેને આગામી બે વર્ષમાં ૧૦૫૦ મેગાવોટ અને ત્યારબાદ તેને વધારીને ૧૮૦૦ મેગાવોટ સુધી વિસ્તારવાની કંપનીએ યોજના બનાવી છે. વીજ પ્રોજેક્ટના અંતિમ તબક્કાના વિસ્તરણ માટે સ્પેશિયલ પર્પઝ વ્હિકલની (એસપીવી) રચના કરી શકે છે જેમાં તે કતાર પેટ્રોલિયમને હિસ્સાની ઓફર કરશે.
કતાર પેટ્રોલિયમ ખાડી દેશની કંપની હોઈ વીજ પ્રોજેક્ટ માટે ગેસ લાવવામાં ઉપયોગી બની શકે તેમ હોવાથી એનટીપીસી તેના કેરાલા પ્રોજેક્ટ માટે કતાર સાથે હાથ મિલાવવા તૈયાર થઈ છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, એનટીપીસી ૨૦૧૭ સુધીમાં ૭૫૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરતી કંપની બનવા અને લક્ષ્યાંકોને સિધ્ધ કરવા તેને કોલસા તથા ગેસ એમ બંને ઇંધણના પુરવઠાની સ્થિતિને સુનિશ્ચિત બનાવવી જરૃરી છે. દરમિયાન મળતી માહિતી મુજબ એનટીપીસી તેની કાચા માલની જરૃરિયાતને પહોંચી વળવા માટે ઇન્ડોનેશિયામાં કોલસાની બે ખાણોમાં હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. આ મુદ્દે કંપની હાલ ગંભીરપણે વિચારણા કરી રહી છે.
ડાબર ઇન્ડિયા ૨૦૦૦ કરોડ ઉભા કરશે
નવી દિલ્હી, બુધવાર
ડાબર ઇન્ડિયા કંપની દ્વારા હાથ ધરાયેલ વિસ્તરણ યોજનાને ભંડોળ પુરુ પાડવા માટે રૃા. ૨૦૦૦ કરોડ એકત્રિત કરવાની યોજનાને શેરધારકોએ મંજૂરી આપી છે. કંપનીએ તેના બિઝનેસનો વ્યાપ ફૂડ્સ, હોમ અને પર્સનલ કેર સેગમેન્ટમાં વધારવાનું સૂચન કર્યું છે. આ ઉપરાંત કંપની હેલ્થકેર કેટેગરીમાં ડર્મેટોલોજી, ગેસ્ટ્રોએન્ટ્રિટિઝ, કફ તેમજ વિમેન્સ હેલ્થકેર પ્રોડક્ટ્સ માટે તક શોધી રહી છે. કંપની દ્વારા તાજેતરમાં ૧ઃ૧ના પ્રમાણમાં બોનસ શેરની જાહેરાત કરવામાં આવી છે.
|