(મનમાં) ''પછી આપણા પગારવધારાનું શું થયું ?''
(બાજુવાળાને) ''અલ્યા, વોટિંગ-બોટિંગ કરવાનું આવે તો મને જગાડજે, હોં !''
(બજેટ વખતે) ''યાર, આ પ્રણવદા બોર કરે છે, શાયરીઓ પણ નથી કહેતા...''
(રેલ્વે બજેટ વખતે) ''હવે આ મમતા અહીં પણ ઘાંટા પાડશે !''
(બાજુવાળાને) ''આજે કેન્ટિનમાં નાસ્તો શું છે ?''
(ફોન પર) ''પૈસા લાવ્યા છો ને ? આ જરા પતે એટલે બહાર મળું છું.''
* * *
(બગાસાં ખાતાં) ''યાર, હવે ઊંઘ આવે છે ! તને નથી આવતી ?''
(ઊંઘમાંથી અચાનક જાગીને) ''ઝિન્દાબાદ ! ઝિન્દાબાદ ! સોરી, મુર્દાબાદ ! મુર્દાબાદ !... નહીં ચલેગી, નહીં ચલેગી... વરના ખુરસી છોડ દો...''
(મોટેથી) ''અલ્યા તું પેલા ચશ્માવાળાને પાછળથી પકડને, આજે એને બે ફેંટ મારવી છે !''
(હજી મોટેથી) ''સાલાં, આ માઈક કેમ છૂટાં નથી પડતાં ?''
(બધું શાંત પડયા પછી) ''હાશ ! આજે કંઈક મઝા આવી...''
* * *
(ડાફોળિયાં મારતાં) ''આહોહો, આજે તો રાહુલજી આવ્યા છે ને !''
(કાન ખેંચતાં) ''સોનિયાજી બોલ્યાં ? શું બોલ્યાં... હેં ? શું બોલ્યાં ?''
(વધુ કાન ખેંચતાં) ''રાહુલજી તો કંઈ બોલતા જ નથી ! વાંધો નહિ, બે શબ્દ પણ બોલ્યા હશે તો કાલે છાપામાં આવી જશે !''
(બબડતાં) ''બધા અમારો જ વાંક કાઢે છે. આટલી મોંઘવારીની ચર્ચા ચાલે છે, પણ શરદ પવાર કંઈ બોલે છે ?''
* * *
(કેલ્ક્યુલેટર પર ગણતાં) ''જુઓને... ૧૩૯ કલાક સંસદ ચાલી એમાં ૧૩ કલાક હંગામો કરવામાં ગયા... ૩૪ કલાક બોલનારાઓને ડિસ્ટર્બ કરવામાં, અને ૨૧ કલાક સ્પીકરજીએ 'પ્લીઝ-પ્લીઝ' કરવામાં કાઢ્યા... ૭૮ કલાક મેં હાજરી ના આપી, ૧૪ કલાક ઉંઘ્યો, અને પગારવધારા મુજબ મહિનાના ૧ લાખ ૪૦ હજાર મળશે ! ઔવાહ !''
(મોટેથી) ''ઝિન્દાબાદ ! ઝિન્દાબાદ ! લોકશાહી ઝિન્દાબાદ !''
(આજુબાજુ જોઈને) ''શું થયું ? મેં કંઈ બાફ્યું ?''
- મન્નુ શેખચલ્લી
|