| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
સટ્ટા-ક્રિકેટ |
| |
ક્રિકેટનો સ્પીરીટ ઘસાતો ગયો છે. નો-બોલ નાખવાના દોઢ લાખ પાઉન્ડ લીધા એ શરમજનક છે. વિશ્વના લાખ્ખો ક્રિકેટ રસીકો માટે ફીકસીંગના નાણા ગણતો પાકિસ્તાની માજીદ અને પૈસા સામું જોતા લાલચુ પાક ક્રિકેટરો વિશ્વ માટે આઘાતજનક બન્યાં છે. બ્રિટિશરોની આ રમત સ્પોર્ટસમેન સ્પીરીટનું બીજું નામ હતું. એશિયાઇ દેશોએ હાઇજેક કરેલી આ રમતની દશા હવે સટ્ટાખોરીનું બીજું નામ બની ગયું છે. પૈસા ફેંકો તમાસા દેખો જેવી આ રમત રચી ગઈ છે. જાહેર માર્ગો પર પાનના ગલ્લાં પાસે કે ટીવીની દુકાનો સામે જયારે લોકો પોતાના દેશની હાર-જીતને આતુરતાથી જોતા હોય છે ત્યારે તેમને ખબર નથી હોતી કે આ ક્રિકેટના પડદા પાછળ મોટી નોટોની હેરાફેરી ચાલે છે. ગમે તેવી હાર-જીત પાછળની ચીચીયારીઓ પાછળ રમાયેલી સટ્ટાની ગેમથી બહુ ઓછા લોકો માહિતગાર હોય છે. એક-એક બોલની કિંમત જયાં ચુકવાતી હોય અને જેના માટે વિશ્વના સટ્ટાખોરો જાહેરમાં બેઠા હોય ત્યારે ક્રિકેટના સ્પીરીટને મેદાનમાંથી ધક્કા મારીને કાઢી મુકાય છે અને સટ્ટાખોરો રમવા લાગે છે. ક્રિકેટ મેચ બે જગ્યાએ રમાય છે. એક મેદાનની ઉપર અને બીજી મેદાનની બહાર. જયાં જયાં ગેમ છે અને જયાં જયાં આંગળીના વેઢે ગણાય એટલા લોકો રમે છે અને તેમને લાખો લોકો જુવે છે ત્યાં - ત્યાં સટ્ટાખોરો છે તે હવેના યુગમાં સમજી લેવાનો વિષય છે. ક્રિકેટ એ સટ્ટા સાથે વણાયેલો વિષય છે. ફિલ્મ લગાનમાં મેચ જીતો નહીંતર લગાન માટે તૈયાર રહો તે પણ એક પ્રકારનો સત્તાધારી પક્ષ અને પ્રજા વચ્ચેનો સટ્ટો હતો. અંગ્રેજો શરૃઆતથી જ ફીકસીંગમાં નબળા પૂરવાર થયા છે. એશિયાના દેશોનું પ્રભુત્વ જયારથી ક્રિકેટ ગેમ પર વધ્યું છે ત્યારથી ગેમની પાછળ કરોડો રૃપિયાનો સટ્ટો પણ રમાવા લાગ્યો છે. પાકિસ્તાનના ક્રિકેટરો તેમના દેશના સત્તાધીશો જેવા લાલચુ અને સ્પીરીટ વિહોણા છે. મેચની પીચ પર પણ તેઓ અનેક વાર સ્પોર્ટસમેન સ્પીરીટના લીરા ઉડાડી ચૂકયા છે. પાકિસ્તાન ક્રિકેટ પર વિશ્વના દેશોએ પ્રતિબંધ મૂકવો જોઈએ એ વાત વર્ષોથી વિચારણા હેઠળ છે પરંતુ ત્યાં પણ સટ્ટાખોરો પહોંચી જાય છે કેમ કે તેમનું માને અને તેમને સમજે એવા ક્રિકેટરોની તેમને જરૃર હોય છે. પંદર દિવસ પહેલાં વિરેન્દ્ર સેહવાગ સદી ચૂકી ગયો હતો કેમ કે નો-બોલ નખાયો હતો. આ લોકો કોઇ દેશ હારે કે જીતે તે અંગે સટ્ટો રમે છે તે ઉપરાંત ખેલાડીઓ પણ પોતાનો પ્રતિસ્પર્ધિ ખેલાડી આગળ ના આવે તેવા ધંધા કરે છે. ક્રિકેટ પીચ પર એકબીજાની મશ્કરી કરવી અને હુંસા-તુંશી કરવી એ તો હવે કોમન બનતું જાય છે. કેટલીક ડ્રામાબાજી તો ક્રિકેટ રસીયાઓ પણ સમજી ગયા છે.
પાકિસ્તાનના ક્રિકેટરોની કમનસીબી એ છે કે તેમને હાથા બનાવીને કરોડોનો સટ્ટો રમાડનાર બુકી મઝહર મજીદ આ ખેલાડીઓના કરતૂતો પર આક્ષેપો કરી રહ્યો છે. ભૂતકાળમાં પાક ક્રિકેટરો વુમન અને વાઇનની બાબતોથી બદનામ થયેલા છે. ભારતના સટ્ટાખોરો પણ બદનામ થઇ ચૂકયા છે. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે જયાં લાલચુ ક્રિકેટરો છે અને પૈસા ભૂખ્યા મેચ રમાડનારાઓ છે ત્યાં સટ્ટાખોરો વાયરસની જેમ ફૂટી નીકળે છે. ક્રિકેટરોની જરૃરિઆતને સંતોષતા આ સટ્ટાખોરો અને ખુદ ક્રિકેટરો સમગ્ર ગેમને બદનામ કરી રહ્યા છે.
ક્રિકેટમાં સટ્ટાબાજી એ કંઇ નવી વાત નથી અને તેમાંય પાકિસ્તાન તો બદનામ બસ્તી સમાન છે. ક્રિકેટ જગતના લલાટે કાળી ટીલી સમાન પાકિસ્તાનની ટીમ પર પ્રતિબંધ મુકી દેવાની જરૃર છે.
સોનું વરસે છે
દિવાળીના દિવસોમાં સોનાનો ભાવ રૃ. ૨૦ હજારને આંબી જશે એવી સંભાવનાઓ છે પરંતુ આકાશમાંથી વરસી રહેલી મેઘરાજાની કૃપા ગુજરાત માટે સોનાના વરસાદ સમાન અર્થાત કાચા સોના સમાન છે. જે રીતે ગુજરાત પર મેઘ કૃપા થઇ રહી છે અને જે રીતે પાણીને જમીનમાં શોષાવાની તક મળી રહી છે તે જોતાં એમ લાગે છે કે ગુજરાતમાં વિક્રમજનક કૃષિ ઉત્પાદનો જોવા મળશે. કોઇપણ રાજયની આર્થિક સમૃધ્ધિની શરૃઆત મેઘકૃપાથી થાય છે. સારો વરસાદ, સારી ખેતી લાવશે, સારી ખેતી સારો પૈસો કમાવી લાવશે. આ પૈસો વેચાણની ચીજોમાં ફરતો થશે. લોકો વધુ સમૃધ્ધિ તરફ વળશે. ઇકોનોમીનો મુખ્ય આધાર વરસાદ હોય છે. આ વરસાદથી ડેમ અને આડબંધો છલકાય છે અને પાણીના તળ ઉંચા આવે છે. આ વર્ષે અત્યાર સુધી વરસેલો વરસાદ ગુજરાત માટે સમૃધ્ધિ લઇને આવશે તે નક્કી છે. શ્રાવણ પછી આવનાર ભાદરવો છુટો-છવાયો વરસાદ લાવશે. વરસાદની ઓવર-ઓલ તિવ્રતા ભાદરવામાં ઝાપટારૃપી બની જશે. સોનાનો ભાવ જેમ વધે છેમ એમ આ વરસતું કાચું સોનું પણ સમૃધ્ધિની છોળો ઉડાડશે.
સારો વરસાદ અને અતિરેકભર્યા વરસાદ એ બંનેમાં આસમાન-જમીનનો ફર્ક હોય છે. અતિરેક કૃપાના કારણે જમીનો ધોવાઈ જાય છે અને પૂરની પરિસ્થિતિ લીલો દુકાળ ખેંચી લાવે છે. બિહારમાં સૂકો દુકાળ છે. પોણા ભાગના બિહારમાં વરસાદનું ટીપુંય પડયું નથી તો બીજી તરફ પંજાબમાં બેવાર પૂર આવી ગયું છે. ગુજરાતની સદનસીબી એ છે કે હવે પાછોસરના વરસાદના સ્ટેજમાં પણ વરસાદ અતિરેક ભર્યો નથી. વરસાદ તેના નિશ્ચિત આંકને સર કરવા માગતો હોય એમ વરસી રહ્યો છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |