સફાઈ આપણા જીવનનું મહત્ત્વનું અંગ છે. બાળકોને આપણે નાનપણથી જ સ્વચ્છતાના પાઠ ભણાવવા જોઈએ, એમાં કોઈ શંકા નથી, પણ કોઈ વિદેશી એજન્સી આવીને આપણને સ્વચ્છતાના પાઠ ભણાવવા પાછળ કરોડો રૃપિયાના ખર્ચે પ્રચાર કરે ત્યારે તેના ઈરાદાઓ બાબતમાં આપણને જરૃર શંકા થવી જોઈએ. દેશભરમાં આપણે રસ્તા ઉપર એવી જાહેરાતના પાટિયાં જોઈએ છીએ કે જાજરૃ ગયા પછી સાબુથી હાથ ધોવા જોઈએ. આ પાટિયાં વિશ્વ બેન્કના 'વોટર એન્ડ સેનિટેશન પ્રોગ્રામ'ના નેજા હેઠળ મારવામાં આવ્યાં છે. આ ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થા તરફથી પણ ભારતમાં 'વોશ' નામનો કાર્યક્રમ શરૃ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને વર્લ્ડ બેન્ક જેવી અનેક વિદેશી સંસ્થાઓ ઉપરાંત અનેક મલ્ટીનેશનલ કંપનીઓ પણ સંડોવાયેલી છે. આ બધી જ વિદેશી એજન્સીઓ ભેગી મળીને ભારતમાં સાબુનું વેચાણ વધારવા માંગે છે, જેનું ઉત્પાદન મુખ્યત્વે મલ્ટીનેશનલ કંપનીઓ કરે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનો જ એક હેવાલ કહે છે કે, ભારતનાં ગામડાંઓમાં ૭૫ ટકા અને શહેરોમાં ૨૫ ટકા લોકો હજી સાબુનો ઉપયોગ કરતા નથી. આ હિસાબે ભારતના ૬૬ કરોડ લોકો હજી સાબુનો વપરાશ કરતા નથી. તેમને જો ગમે તે રીતે સાબુ વાપરતાં કરી દેવામાં આવે તો મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા ઉત્પાદિત સાબુના વેચાણમાં બમણી વૃદ્ધિ કરી શકાય તેમ છે. આ કારણે મલ્ટીનેશનલ કંપનીઓએ વિશ્વ બેન્ક અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગમાં ભારતના લોકોને સફાઈના પાઠ ભણાવવાની ઝુંબેશ આદરી છે. જીનિવાની 'વોટર સપ્લાય એન્ડ સેનિટેશન કોલેબોરેટિવ કાઉન્સિલ' નામની સંસ્થાના સર રિચાર્ડ જોલી આપણને ગભરવતા કહે છે કે, 'સફાઈના અભાવને કારણે દુનિયામાં પોણા ભાગના રોગો ફેલાય છે. જો લોકો સાબુથી હાથ ધોતા શીખે તો અનેક મરણો અટકાવી શકાય.' આ વિધાન સાબુ કંપનીઓનું વેચાણ વધારવાના માર્કેટિગ નુસખા જેવું છે. દેશના દૂરના ગામડાંઓના શિક્ષકો આ પ્રચારની માયાજાળમાં અટવાઈ જાય છે અને શાળાના વિદ્યાર્થીઓને સફાઈના નામે સાબુના ગ્રાહક બનવાનો ઉપદેશ આપે છે.
હકીકતમાં દુનિયાની અડધા ભાગની બીમારીઓ અશુદ્ધ પાણી પીવાને કારણે થાય છે. અશુદ્ધ પાણી પીવાને કારણે ઝાડા થવાથી દુનિયામાં પ્રતિદિન ૬,૦૦૦ બાળકોનાં મોત થાય છે. નદીઓ અને તળાવોનું પાણી અશુદ્ધ બનવાનું મુખ્ય કારણ તેમાં ગટરનું પાણી અને મળમૂત્ર ભળે છે તે છે. એક ગ્રામ મળમાં દસ લાખ બેકટેરિયા હોય છે. આ મળયુક્ત પાણી પીવાને કારણે કોલેરા અને અતિસાર જેવા રોગો થાય છે. વિશ્વ બેન્ક તરફી ભારતમાં જાજરૃઓ બાંધવા માટે લોન આપવામાં આવે છે, તેનું આ રહસ્ય છે. દેશમાં ફલશ ટાઈપના જેટલાં વધુ ટોઈલેટ બંધાય તેટલું નદીઓનું પાણી ગંદું થાય, તેટલો પેકેજડ ડ્રિન્કિંગ વોટર વેચતી કંપનીઓનો નફો વધે, તેટલા લોકો બીમાર પડે, તેટલું દવાઓનું વેચાણ વધે અને તેટલી દવાઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓની કમાણી વધે. ભારતનાં ગામડાંઓના લોકો ટોઇલેટમાં કુદરતી હાજતે જાય તેવો પ્રચાર કરવામાં પણ વિદેશી કંપનીઓનો લાંબા ગાળાનો સ્વાર્થ છે.
ભારતમાં લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડીસીન નામની વિદેશી સંસ્થા તરફથી સુલભ ઈન્ટરનેશનલ નામની સંસ્થાના સહયોગમાં ''સુલભ વોશ'' નામનો પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું દિલ્હીમાં ઉદ્ઘાટન થયું ત્યારે તેમાં કેટરિના કૈફ નામની અભિનેત્રીએ પણ ભાગ લીધો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભારતમાં સાબુનો વપરાશ વધારવાનો છે. મહત્ત્વની વાત એ છે કે આ પ્રોજેક્ટ માટેનું ફંડ યુનિલીવર રિસર્ચ ફાઉન્ડેશન નામની વિદેશી સંસ્થા તરફથી આપવામાં આવ્યું છે. ભારતમાં સાબુનું સૌથી વધુ વેચાણ કરતી હિન્દુસ્તાન લિવર નામની મલ્ટીનેશનલ કંપનીની આ ભગિની સંસ્થા છે.
મલ્ટીનેશનલ કંપનીઓએ પોતાનો સાબુ વેચવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી એજન્સીઓની મદદ લીધી હોય તેવો આ પહેલવહેલો કિસ્સો નથી. પશ્ચિમ આફ્રિકાના ઘાનામાં અને લેટિન અમેરિકાના અલ સાલ્વાડોરમાં પણ મલ્ટીનેશનલ કંપનીઓની ભાગીદારીમાં 'વોશ' પ્રકારની ઝુંબેશો શરૃ કરવામાં આવી હતી. ભારતમાં મલ્ટીનેશનલ કંપનીઓનું વેચાણ વધારવાની પ્રવૃત્તિમાં વિશ્વ બેન્ક ઉપરાંત ભારત સરકાર પણ સામેલ છે, તેનો પુરાવો ન્યુયોર્કમાં વર્લ્ડ બેન્કના આશ્રયે મળેલી બેઠક છે.
આ બેઠકમાં 'હેન્ડવોશિંગ' ઝુંબેશની ચર્ચા કરવા માટે હિન્દુસ્તાન લિવરના અધિકારીઓ ઉપરાંત ભારત સરકારના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. તેમાં હિન્દુસ્તાન લિવરના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતનાં ત્રણ રાજ્યોમાં સાબુથી હાથ ધોવાની ઝુંબેશ ચલાવવા પાછળ તેઓ ૪.૧ કરોડ ડોલર (આશરે ૧૬૪ કરોડ રૃપિયા)નો ખર્ચો કરવા માંગે છે. આ બેઠકમાં ભારત સરકારના પ્રતિનિધિએ આ પ્રકારની ઝુંબેશ ચલાવવાના રાજકીય અને આર્થિક સૂચિતાર્થો બાબતમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પબ્લિક-પ્રાઈવેટ ભાગીદારીના નામ હેઠળ આ ઝુંબેશ શરૃ પણ કરવામાં આવી હતી, પણ કેરળની કેટલીક સંસ્થાઓના વિરોધને કારણે તેને પડતી મૂકવામાં આવી હતી. ભારતમાં આરોગ્યની સમસ્યાનું જો કોઈ મૂળ હોય તો પીવાના શુદ્ધ પાણીનો અભાવ છે. પીવાના પાણીના સ્રોત સમાન નદીઓ અને તળાવોમાં ગટરોનું પાણી ઠાલવવામાં આવે છે અને ઉદ્યોગોનો ઝેરી કચરો પણ તેમાં પધરાવી દેવામાં આવે છે. પ્રજા પાસે પીવાનાં પાણીનું બીજું કોઈ સાધન ન હોવાથી તેઓ લાચારીવશ આ ગંદું પાણી પીએ છે અને માંદા પડે છે. માત્ર સાબુથી હાથ ધોવાને કારણે આ સમસ્યા હલ થવાની નથી. તે માટે પીવાના પાણીનું પ્રદૂષણ અટકાવવાની આવશ્યકતા છે.
હિન્દુસ્તાન લિવર (હવે યુનિલિવર) કંપની ભારતની મોટામાં મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગૂડ્ઝ કંપની છે. તેનું વાર્ષિક વેચાણ આશરે ૧૧૮ અબજ રૃપિયા છે. ભારતમાં નહાવાના સાબુનું ૬૦ ટકા અને ડિટર્જન્ટનું ૪૦ ટકા બજાર તેના કબજામાં છે. આ કંપની દર વર્ષે ૨.૧૯ લાખ ટન સાબુનું ઉત્પાદન કરે છે. ભારતની ૪૦ ટકા પ્રજાને સાબુથી નહાતા કરવાનું શ્રેય આ કંપનીને ફાળે જાય છે. આ કંપની પોતાના માલનું વેચાણ વધારવા માટે થોડાક કરોડ રૃપિયા ખર્ચી કાઢે તો તેમાં કોઈ નવાઈ નથી. પરંતુ આ કાર્યમાં વિશ્વ આરોગ્ય સંસ્થા, ભારતની સરકાર અને ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ભાગીદાર બને તો તે પ્રજા સાથેની છેતરપિંડી જ કહેવાય. પ્રજા જ્યારે કોઈ પણ સામાજીક સંસ્થા તરફથી આપવામાં આવતો સંદેશો વાંચે છે, ત્યારે તે પોતાના હિતમાં છે, એમ માનીને તેનો અમલ કરે છે. તેને ખબર જ નથી હોતી કે આ સંદેશા પાછળ કોઈ વિદેશી કંપનીની વેપારી ગણતરીઓ રહેલી છે.
મલ્ટીનેશનલ કંપનીઓ હવે પોતાનું વેચાણ વધારવા માટે સામાજીક સેવા અને આરોગ્યનું ઓઠું લઈ રહી છે. તેઓ આ માટે આરોગ્યના સેમિનારો કરે છે અને પોતાના પગારદાર વિજ્ઞાાનીઓ તેમજ નિષ્ણાતોની મદદથી પોતાના માલનો પ્રચાર કરે છે. આ પ્રકારના સેમિનારોમાં સરકારી એજન્સીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ હોંશે હોંશે જોડાય છે. મુંબઈમાં યોજાયેલા આ પ્રકારના એક સેમિનારમાં હિન્દુસ્તાન લિવરના પ્રતિનિધિએ કહ્યું હતું કે, ભારતના લોકો જો જમ્યા પછી અને જમ્યા પહેલા સાબુથી હાથ ધોવાની આદત પાડે તો પણ તેઓ અનેક રોગોથી બચી જાય તેમ છે. આ કાર્યમાં તેમણે સરકારી એજન્સીઓ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ સહકાર માંગ્યો હતો અને આવી અનેક સંસ્થાઓ સહકાર આપવા માટે તૈયાર પણ થઈ ગઈ હતી.
હિન્દુસ્તાન લિવરે કેરળમાં સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી સાબુના વપરાશની ઝુંબેશ શરૃ કરી ત્યારે મેગસાયસાય એવોર્ડ વિજેતા ઝકરુલ્લા ચૌધરીએ તેનો ઉગ્ર વિરોધ કરતાં કહ્યું હતું કે, આ તો મલ્ટીનેશનલ કંપનીઓનું પોતાનો માલ વેચવા માટેનું ગતકડું છે. કેરળના લોકો હાથ ધોવા માટે હળદર અને માટીના મિશ્રણનો ઉપયોગ કરતાં હોવાથી તેમણે પણ આ ઝુંબેશનો વિરોધ કર્યો હતો. આ યોજનાનો કેરળની પ્રતિષ્ઠિત ગણાતી 'કેરાલા શાસ્ત્ર સાહિત્ય પરિષદ' નામની સંસ્થાએ પણ તીવ્ર વિરોધ કર્યો હતો. આ કારણે હિન્દુસ્તાન લિવર કંપનીને પોતાની ઝુંબેશ અધવચ્ચે જ પડતી મૂકવાની ફરજ પડી હતી.
જોકે અખિલ ભારતના સ્તરે શરૃ કરવામાં આવેલી 'વોશ' નામની ઝુંબેશ હજી ચાલુ જ છે. પ્રજા આ પ્રકારની ઝુંબેશની આરપાર જોઈ શકે તેટલી ચાલાક નથી, જેનો લાભ મલ્ટીનેશનલ કંપનીઓ ઉઠાવી રહી છે અને ભારત સરકાર પણ તેમના આ પાપમાં ભાગીદાર બની રહી છે. આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ભારત સરકાર દ્વારા શરૃ કરવામાં આવેલી કોઈ ઝૂંબેશ ઉપર હવે ભરોસો રાખી શકાય તેમ નથી, કારણ કે ભારતની સરકારને મલ્ટીનેશનલ કંપનીઓએ ખરીદી લીધી છે અને સરકારની નીતિઓ પણ તેમના જ ઈશારે ઘડાય છે. હાથ ધોવા માટે રાખનો કે માટીનો ઉપયોગ કરી શકાય છે. સ્નાન કરવા માટે દૂધની મલાઈ, ચણાનો લોટ અને હળદરનું મિશ્રણ ઉત્તમ છે. સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી માટે જીવનના કોઈ તબક્કે સાબુનો ઉપયોગ કરવો અનિવાર્ય નથી. ટૂંકમાં કહીએ તો એક મલ્ટીનેશનલ કંપની આપણા આરોગ્યનું જતન કરવાનો ઢોંગ કરીને પોતાનું વેચાણ વધારવાની કોશિષ કરી રહી છે.
|
|