| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
મુંબઈ અણુ બોમ્બ ઉપર બેઠું છે ? |
બધું જ ગુપ્ત રાખીને દાબી દેવામાં આવે છે પણ ક્યારેક એવો ભડકો થશે કે ભોપાળનો સંહાર કંઈ હિસાબમાં નહીં હોય !
તારાપુરનું અણુમથક વારંવાર બગડે છે અને વારંવાર બંધ કરવું પડે છે
|
તારાપુરના અણુમથકમાંથી છોડાતું અણુ રાસાયણિક પ્રદુષિત પાણી મુંબઈના દરિયામાં પાંચ કી.મી. દૂર છોડાય છે છતાં એ પ્રદુષિત પાણી ક્યારે શું હોનારત સર્જે એ કોઈ કહી શકે નહીં !
૧૯૬૯ના ૨૮ ઑક્ટોબરે મુંબઈ નજીકના આપણું ભારતનું પહેલું અને દુનિયાનું બીજું અણુ વીજ મથક કામ કરતું શરુ થયું એ પહેલાં અણુ વિજ્ઞાાન વિષે ગુપ્તતા રાખવાનું ૨૧ વર્ષ પહેલાં નક્કી થયેલું.
આપણા દેશના મહાન વૈજ્ઞાાનિક અને આપણને અણુશક્તિનું રાષ્ટ્ર બનાવનાર ડો. હોમી ભાભાએ ૧૯૪૮ના ૨૬ એપ્રિલે વડાપ્રધાન જવાહરલાલ નેહરૃને લખ્યું હતું કે, ''અણુ વિજ્ઞાાન વિષે આપણે સંપૂર્ણ ગુપ્તતા રાખવી પડશે. અણુ શક્તિના વિકાસ માટે ઉચ્ચ સત્તા ધરાવતી ફક્ત ત્રણ જ વ્યક્તિઓની સમિતિ બનાવવી જે સીધી વડાપ્રધાન સાથે સંબંધ રાખશે.. વચેટીયું કોઇ નહીં.''
એ વખતે 'બોર્ડ ઓફ રિસર્ચ ઓન એટોમિક એનર્જી' નામની સંસ્થા કાર્યરત હતી જેમાં ૨૮ સભ્યો હતા જેથી ગુપ્તતા જાળવવી અઘરી હતી એટલે ભાભા અને નેહરુએ 'ઓટોમિક એનર્જી કમિશન' નામની સંસ્થા બનાવેલી.
અત્યારે આપણા દેશની અણુશક્તિ ક્ષેત્રને લગતી બીજી સંસ્થાઓમાં... (૧) એટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, (૨) ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી, (૩) ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે.
એમાં તારાપોર એટોમીક પાવર સ્ટેશન વળી જુદું... જેની આ વાત છે.
એ તારાપુર અણુ વીજમથકમાં જુદા જુદા હજારો યંત્રોમાં થતા 'લીકેજ'ના કારણે મુંબઈ ઉપરનો... ભોપાળમાં યુનિયન કાર્બાઇડના કારખાનામાં થયેલા લીકેજના કારણ જે સંહારક હોનારત થઈ હતી... એવી હોનારત થવાનો ભય હોવાનું ગણી શકાય... જો કે ભય છે, શક્યતા નથી. નાનુ એવું 'લીકેજ' હોય પણ પછી મોટું રૃપ લે. એટલે થીગડું મારો, પાછું થીગડા ઉપર થીગડું મારો... દા.ત. ૧૯૭૧ના જૂનની ૨૭મીએ એક નંબરના એકમમાં લીકેજ જણાતા એ એકમ બંધ કરીને રીપેર કામ કર્યું અને બે દિવસ પછી જૂનની ૨૯મીએ ફરી ચાલુ કર્યું પણ તરત જ બીજા દિવસે બંધ કરી દેવું પડયું અને પછી એવું રીપેરીગ ચાલ્યું કે છ મહિના સુધી એ યુનિટ બંધ રાખવું પડયું.
વૈજ્ઞાાનિકો અને એન્જિનિયરો, સત્તા પર બેઠેલાઓ આવી સંહારક બાબતમાં પણ પૈસા ખાવાનું... ભ્રષ્ટાચાર કરવાનું છોડતા નથી. લાંચ ખાઈને હલકી કક્ષાનો સામાન વાપરે એટલે નુકસાન થાય જ ને ? (આપણે ત્યાંના ગામેગામ અને શહેરે શહેરે ફક્ત રસ્તાઓ જ જુઓ ને ? દર વર્ષે રીપેર કરવાના જ ! અરે, ઇલેક્ટ્રીસીટી જુઓને ! હજી વરસાદ તો પડયો ન હોય અને ઇલેક્ટ્રીસીટી બંધ થઈ જાય ! અને દર વખતે દર વર્ષે બંધ થઈ જાય ! અરે, રેલવે જુઓ ! વર્ષોથી દરરોજ એક રેલવે અકસ્માત થાય જ છે ! વર્ષે- બે વર્ષે એકાદ થાય તો સમજ્યા... પણ આ તો રોજ એક !) એનો 'ફ્યુઅલ રોડ' ખૂબ નુકસાન પામેલો હતો. અણુ મથકની જે ક્ષમતા છે એના કરતી અડધી ક્ષમતાથી એ ચલાવાય છે છતાં 'ફ્યુઅલ રોડ' કેવો નાંખ્યો હશે કે એ જ બગડી ગયો ! (આપણા રસ્તાઓ માટે કોન્ટ્રાક્ટર ગુનેગાર નથી પણ સરકારનો કે સુધરાઈનો 'સ્ટાફ' ગુનેગાર છે. સજા એને કરવાની હોય પણ 'તેરી બી ચૂપ મેરી બી ચૂપ' કરીને એ 'સ્ટાફ' કોન્ટ્રાક્ટરોને ચડાવી મારે છે.) એ બગડી જવાના કારણે જે સંહારક હોનારત થઈ શકે એ જપાન ઉપર ફેંકાયેલ અણુ બોમ્બ કરતા પણ વધુ ભયાનક હોય.
ઇંદિરા ગાંધીને આ નુકસાનની જાણ થઈ એટલે એણે તરત જ ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જીને તારાપુર અણુ વિજમથક બંધ કરી દેવાનું કહ્યું અને સંપૂર્ણ સલામતી લાગે પછી જ એને ફરી શરૃ કરવા જણાવ્યું.
આ તો અણુ વિજ્ઞાાનીઓ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો. તારાપુર અણુ વીજ મથક બંધ કરવામાં આવે એનો અર્થ શું થાય ? ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જીએ ઇંદિરા ગાંધીને ધરપત આપી કે... 'બધું બરોબર થઈ ગયેલું છે.. ચિંતા કરવાની જરા પણ જરૃર નથી.'
એ પછી ઇંદિરા ગાંધીને અણુ મથકના વૈજ્ઞાાનિકોએ અને અમલદારોએ અંધારામાં જ રાખ્યા. ઇંદિરા ગાંધી અણુ વિજ્ઞાાન ખાતાના પ્રધાન પણ હતા અને કડક શિસ્તના આગ્રહી હોવા છતાં એમને આ કૌભાંડી ટોળકીએ અંધારામાં જ રાખેલા.
જો કે, વડાપ્રધાનના વિજ્ઞાાન અને ટેકનોલોજી બાબતના સ્પેશ્યલ આસિસ્ટન્ટ અશોક પાર્થસારથિ હતા એ તારાપોરના અમલદારોની ચાલ સમજી ગયા હતા તેઓ ૧૯૭૦થી ૭૫ સુધી સ્પેશ્યલ આસિસ્ટન્ટ રહેલા. તેઓ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હતા. ઓટોમીક એનર્જી કમિશનના ચેરમેન સ્વ. વિક્રમ સારાભાઈના પણ તેઓ સ્પેશ્યલ આસિસ્ટન્ટ રહેલા એટલે તારાપુરના સ્ટાફને તેઓ જાણતા હતા એમણે સ્ટાફને વિશ્વાસમાં લઇને અંદરની માહિતી મેળવી લીધી. ત્યાંના હેલ્થ અને સેઇફ્ટી ડિવિઝનના વડા ડો. એ. કે. ગાંગુલીને મળીને એમણે ઝીણવટભર્યો અહેવાલ પણ મેળવ્યો.
પાર્થસારથી વડાપ્રધાનની ઓફિસના હતા છતાં એમણે આગળ કશા પગલા ન લીધાં. એમની વિરુદ્ધ વડાપ્રધાન ઇંદિરા ગાંધીને ફરિયાદ પણ કરવામાં આવી ત્યારે ઇંદિરાએ કહ્યું કે... પાર્થસારથી જે કંઇ કરી રહ્યા છે એ એમની સીધી સુચનાથી જ કરી રહ્યા છે. પાર્થસારથીએ ઝીણી ઝીણી જે વિગતો ભેગી કરેલી એ બધી માહિતી એણે ઇંદિરાને કરી એ સાથે એમણે તારાપુરનું અણુ વીજ મથક બંધ કરવાની સલાહ પણ આપી. એ મથકમાં બધું જડબેસલાખ રીપેર થઈ જાય પછી જ એને ચાલુ કરવાની મંજૂરી આપવા એમણે જણાવ્યું.
તારાપુર મુંબઈ નજીકના અરબી સમુદ્રના કાંઠા ઉપર જ છે એટલે અણુ મથકના ટરબાઇનને ચલાવવા દરિયાના પાણીની વરાળનો ઉપયોગ કરવામાં આવે છે. એ કામ થઈ ગયા પછી એ પાણીને શુદ્ધ કરીને એને પાંચ કિ.મી. લાંબી પાઇપ લાઇનથી સમુદ્રમાં દૂર છોડવામાં આવે છે. પાણીમાં રેડિયો એક્ટીવીટી ન રહેએ રીતે એને શુદ્ધ કરવામાં આવે છે. જો એમ કરવામાં ન આવે... અથવા એમાં ક્યાંક ચુક થઈ જાય તો સૌથી પહેલા દરિયાઈ જીવોનો ખાતમો બોલી જાય અને પછી માનવ જીવોનો ખાતમો બોલે.
જો કે જેનો ડર હતો એ ૧૯૭૩ના સપ્ટેમ્બરમાં બન્યું જ. તારાપુરના દરિયા કિનારે જે માછીમારો માછલીઓ મારી રહ્યા હતા એમની ઉપર રેડિયોએક્ટીવ અસર દેખાવા લાગી. એટલે તાત્કાલીક તપાસ કરવામાં આવી તો જણાયું કે અણુ વીજ મથકના એકમોમાં વપરાયેલા વાલ્વ અને પંપ ખરાબ થઈ જવાથી લીક થવા લાગ્યા છે. એ રેડીએશન દ્યાતક હોય છે.
જો કે મોટો અકસ્માત થતો રહી ગયો પણ એ અકસ્માત તો હતો જ. આમ છતાં ત્યાંના 'સાહેબો'એ અંદરના અને બહારના માણસોને શાંત રહેવાની સૂચના આપતી નોટીસ મૂકી. એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય અણુ કિરણ સલામતી પંચે આ વિષે ગંભીર ચેતવણી આપનારાઓ વગેરેને ચૂપ રહેવા માટે સામ, દામ, દંડ અને ભેદના પ્રયત્નો કરવા લાગ્યા. પત્રકારો અને મીડીયાને પણ ચૂપ કરવાની કસરતો કરવા લાગ્યા.
ઇંદિરા ગાંધી આ બાબતમાં સજાગ હતા તેઓ ગાફેલ રહેવા માગતા નહોતા. એટોમીક એનર્જી કમિશનના ચેરમેન હોમી સેઠના અને ભાભા અણુ સંશોધન કેન્દ્રના વડા રાજા રમન્નાને ઇંદિરાએ તારાપુરની બાબતમાં પૂછપરછ કરવા બોલાવ્યા. આ બન્ને મહાન વૈજ્ઞાાનિક હતા. એમણ ઇંદિરા ગાંધીને હાથપગ જોડીને આજીજી કરી કે... આ વિષે સંસદમાં કશું જ કહેવું નહીં કારણ કે એથી હાહાકાર મચી જશે અને અણુ વિજ્ઞાાનને ઉપયોગી જનતાના કલ્યાણ માટે કરવાના આપણા ઉદ્દેશ્ય અને પ્રયત્નો પર પાણી ફરી વળશે. વળી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આપણી હાંસી થશે... એટલે આ મામલાને મુત્સદ્દીગીરીથી ઉકેલવાનો રસ્તો કરવો.
બંને મહાન વૈજ્ઞાાનિકોની વિનંતી ઇંદિરા ગાંધીએ એક શરતે માન્ય કરી કે તારાપુર અણુ વીજ મથકને સંપૂર્ણપણે 'લીકપ્રુફ' અને 'અકસ્માત પ્રુફ' કરવું.
ત્યારે રેડીએશનના કારણે જે સમુદ્રી જીવો (માછલીઓ વગેરે) લાખોની સંખ્યામાં મરી ગયા હતા એને છાના છપના ઠેકાણે પાડવા અબજો રૃપિયા (આપણા) ખર્ચ્યા ! મચ્છીમારોને પણ મૂંગા રહેવા સરકારે એમણે માંગ્યા એટલા રૃપિયા છાનામાના આપ્યા.
જ્યારે તારાપુર અણુ વિજ મથકમાંથી નીકળતા રેડીયેશનને રીપેર કરવા એન્જીનીયરો મથકમાં દાખલ થતા હતા પણ રેડિયેશનનો પ્રભાવ... પ્રસાર એટલો બધો હતો કે એ એન્જીનીયરો બીમાર થઈને મથકની બહાર નીકળી જતા હતા. પરિણામે સરકારે રોજેરોજ નવા ઇજનેરોની ટુકડી મોકલવી પડતી હતી.
છતાં ત્યાં જેમણે સમારકામ (રીપેરીંગ) કર્યું એ ઇજનેરો ઉપર પડેલી રેડીએશનની અસર જીવનભર રહી અને કેટલાક ઇજનેરો તો મહિનાઓ પછે અકુદરતી મૃત્યુ પણ પામ્યા.
વધુ ખરાબ વાત એ છે કે... આટલું બધું થયુ હોવા છતાં તારાપુર મથકમાં આજે પણ સડેલા પમ્પો, સડેલા વાલ્વો વગેરે ઘણો સામાન વાપરવામાં આવે છે.
વડાપ્રધાન મનમોહનસિંહ આવા બીજા અણુ વીજ મથકો દેશભરમાં ઉભા કરવાની હઠ કરીને બેઠા છે.
તારાપુરમાં રહેનારી વસતિ ઉપર એ રેડીએશનની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ મુદ્દાને મનમોહનસિંહે પોતાની પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો છે. અમેરિકા સાથેના અણુકરાર તેઓ એટલા માટે કરવા માંગે છે. કરોડો માનવી ઉપર મૃત્યુ ઝળુંબે એનો એમને વાંધો નથી.
ગુણવંત છો. શાહ
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |