| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
| ચોમાસુ સત્રનાં છાંટણાં |
| |
નવી દિલ્હી,
આજે સમાપ્ત થયેલું સંસદનું ચોમાસુ સત્ર ઘણી રીતે વિશિષ્ટ રહ્યું. આ સત્રમાં પહેલી વાર એવું બન્યું કે આખા સત્ર દરમિયાન વડાપ્રધાન દેશમાં હાજર હતા. ગૃહમાં પૂરેપૂરી ચર્ચા થઇ હોય અને સરકાર તરફથી કોઇ જવાબ ન મળ્યો હોય એવું પણ પહેલી જ વાર બન્યું.
સત્તાધારી પક્ષે યાદવત્રિપુટી-લાલુ, મુલાયમ અને શરદ- તથા ભાજપ સાથે સારી રીતે પનારો પાડીને બન્ને ગૃહોમાં ન્યુક્લીયર લાયેબિલીટી બિલ પસાર કરાવવામાં સફળતા મેળવી. તેમાં પણ ખરડાનો વિરોધ કરી રહેલા મુખ્ય વિરોધ પક્ષ ભાજપને પોતાની સાથે લેવાની સરકારની સફળતા સૌથી નોંધપાત્ર ગણાય. સમગ્ર સત્રમાં ૩૬ નવા ખરડા સહિત કુલ ૫૯ ખરડામાંથી મહિલા અનામત ખરડો અને ન્યુક્લીયર લાયેબિલીટી બિલ સૌથી નાજુક હતાં.
જોકે, મહિલા અનામત ખરડો વધુ એક વાર લટકી પડયો. તેમાં એકમતિનો અભાવ અને યાદવ ત્રિપુટીની નારાજગી જેવાં પરિબળો કામ કરી ગયાં. રાજ્યસભામાં બજેટસત્ર દરમિયાન આ ખરડો પસાર થયો હતો અને સંસદીય બાબતોના મંત્રી પવનકુમાર બંસલે એવી આશા વ્યક્ત કરી હતી કે લોકસભામાં તે ચોમાસુ સત્રમાં પસાર થઇ શકશે.
યાદવો માટે ખુશ થવા જેવી ઘણી બાબતો બની. તેમણે સરકાર પર સાંસદોના પગારવધારા માટે દબાણ કર્યું અને 'એનિમી પ્રોપર્ટી બિલ' તરીકે ઓળખાતો ખરડો પસાર કરવાના સરકારના ઇરાદા પર પાણી ફેરવ્યું. વરિષ્ઠ ભાજપી નેતા અડવાણીએ આ ખરડાનો ઉલ્લેખ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નહીં કરવા બદલ સરકારની ટીકા કરી. ભાજપને બીક છે કે સરકાર સંસદમાં ચર્ચા કર્યા વિના, પાછલા બારણેથી વાંધાજનક સુધારાવધારા સાથે આ ખરડા અંગેનો વટહુકમ લાવવા માગે છે.
વિવાદાસ્પદ ટેલીકોમ મંત્રી રાજાના ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદમાં ન આવ્યો તેનાથી સરકારને ભારે રાહત થઇ. સીબીઆઇના દુરુપયોગ જેવો મુદ્દો પણ ભાજપે છેલ્લા બે વધારાના દિવસોમાં જ ઉઠાવ્યો. એ બદલ ભાજપી નેતા આહલુવાલિયાને પત્રકારોએ ઘણા સવાલ પૂછ્યા. પરંતુ તેમણે એવું કહીને જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો કે ભોપાલ ગેસકાંડ અને ભાવવધારા જેવા મુદ્દા વધારે અગત્યના હતા.
રાજા અને સીબીઆઇને વિપક્ષો બહુ મહત્ત્વ નથી આપતા તેનું એક કારણ એ છે કે ભાવવધારાના મુદ્દે માંડ સધાયેલી વિપક્ષોની એકતા આ મુદ્દે જોખમાઇ શકે છે. વિપક્ષી એકતા અને વારંવારની ગૃહમોકૂફી પછી પણ સરકાર ચર્ચા પછી મતદાનની તેમની માગણી સામે ઝૂકી નહીં.
સાંસદોને ઘણા સવાલોના જવાબ આપવાના થાય એવો પીઆરએસ લેજિસ્લેટીવ રીસર્ચનો એક અહેવાલ જણાવે છે કે ચોમાસુ સત્રમાં લોકસભાના ૬૮ અને રાજ્યસભાના ૩૫ સાંસદોએ કોઇ પણ પ્રકારની ચર્ચા કે કાર્યવાહીમાં ભાગ ન લીધો, ન કોઇ ખરડા રજૂ કર્યા કે ન સવાલો પૂછ્યા.
- ઇન્દર સાહની
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
| |