Last Update : 01-Sept.-2010, Wednesday

‘‘ભગવાન તમે જ કહેતા હતા ને કે કળિયુગમાં પાણી અને દૂધ પડીકામાં મળશે... અહીં આવું જ છે !’’ ભગવાન શ્રીકૃષ્ણએ નારદમુનિને સેટેલાઇટ ફોન લઈને ભારતમાં જન્મ લેવો કે નહીં તે જાણવા મોકલ્યા....અને ભગવાન શ્રીકૃષ્ણ વિષાદ યોગમાં ડૂબી ગયા

વિવિધા - ભવેન કચ્છી

‘‘અહીં તમે કોના ચીર પૂરશો, શહેરોમાં તો છોકરીઓ પોતે જ ઓછા ચીર પહેરીને ફરે છે’’ ‘‘ભગવાન અહીં તમારા નામની બોલબાલા છે દેશના વડાપ્રધાનનું નામ મનમોહન છે. લાલકૃષ્ણ, મુરલી મનોહર, અર્જુનસિંહ જેવા નેતા છે તમે કરતા હતા તે માયા ‘માયાવતી’ કરે છે. અહીં મુલાયમ અને લાલુ યાદવ તમને પણ ભારે પડી જાય તેવા છે’’

 

 

ભગવાન શ્રીકૃષ્ણનો આવતીકાલે જન્મદિન છે. ભગવાને વચન આપ્યું છે કે, ‘‘જ્યારે પૃથ્વી પર અધર્મનું રાજ તેની ચરમસીમાએ પહોંચશે ત્યારે હું ફરીવાર અવતાર લઈશ.’’
ભગવાનને થયું કે, ‘‘ચાલને પૃથ્વી પર જન્મ લઈને ફોર અ ચેન્જ દેવલોકથી થોડે દૂર જઈ થોડા વર્ષો લટાર મારી આવું.’’
ભગવાને તરત જ નારદ મુનિને બોલાવ્યા અને કહ્યું કે, ‘‘નારદ, મારે થોડા વર્ષો પૃથ્વીલોકમાં રહેવા જવું છે. વિશેષ કરીને ભારતમાં કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે, મારે અનુકૂળ વાતાવરણ સગવડો છે કે નહીં તેનો જરા ગુપ્તવેશે સર્વે કરીને આવ. તારા રિપોર્ટના આધારે જ હું નિર્ણય લઈશ કે પૃથ્વી લોકમાંના એકાદ જનમનું વેકેશન ગાળવું કે નહીં.’’
નારદ નારાયણ નારાયણ કહીને નીકળતા હતા ત્યાં જ ભગવાને તેને અટકાવતા ઉમેર્યું કે, ‘‘લે, આ સેટેલાઇટ ફોન લેતો જા. તો પૃથ્વીલોકથી તું મારી જોડે સીધા સંપર્કમાં રહી શકીશ. આ ફોન વડે જ મને બધી માહિતી મોકલતો રહેજે.’’
નારદજી તો સેટેલાઇટ ફોન તેમજ અન્ય આઘુનિક ઉપકરણો લઈને ગુપ્તવેશે પૃથ્વીલોક પર ઉતર્યા.
સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ પર ટચ સ્ક્રીન પર ભારત પર આંગળી દબાવતા જ નારદજીનું ભારતમાં ઉતરાણ થઈ ગયું.
ભારતની સવા અબજની વસ્તી, ટ્રાફિક, પ્રદૂષણ, ભીડભાડ, તનાવગ્રસ્ત નાગરિકોની દોડધામ જોઈને નારદજી એક અઠવાડિયું તો આઘાત, ગુંગળામણ અને વાઇરલ તાવ- શરદી હેઠળ પથારીમાં જ પટકાઈ ગયા. ભગવાન જોડે અઠવાડિયા પછી ફોન ઉપર સંપર્ક થઈ શક્યો.
નાદરજીએ કહ્યું કે, ‘‘ભગવાન સોરી... મોડું થઈ ગયું સીઈંગ ઇઝ બિલિવિંગ... આવા જેટલેગની કલ્પના જ નહોતી. પૃથ્વીલોક છે કે વિશાળ દરમાંથી રસ્તા પર ઉતરી આવેલા કીડી- મંકોડાઓની નગરી તે જ સમજાતું નથી. હજુ મારી આંખો અને દિમાગને સેટ થતા બીજા કેટલાક દિવસો લાગશે.’’
ભગવાને મરક મરક સ્મિત કરતાં ફોન મૂકી દીધો.
આ બાજુ ભારતની ભૂમિ પર નારદજીએ એન્ટીબાયોટિક્સના હેવી ડોઝ લઈને સ્વસ્થતા મેળવી.
તેમણે વિચાર્યું કે ભગવાન શ્રીકૃષ્ણને આગમન સાથે જ માખણ ભરેલી મટકીઓ, દૂધની જરૂર પડે સૌથી પહેલા દુગ્ધાલયોનો રીપોર્ટ મેળવી લઊં.
શહેરને એક ખૂણે રોજ પરોઢે તે માથે દૂધના બેડા લઈને નીકળતી યુવતીઓનો ઈંતેજાર કરે. કોઈ પુરુષો પણ મોટા બોઘાણા, કેન, ગાડા લઈને નીકળે તો પણ વાંધો નહોતો. બે-ચાર દિવસમાં નારદને આવું કોઈ દ્રશ્ય જોવા ના મળ્યું. તેની ઓળખ અંગે કોઈ શંકા ન કરે તેમ તેણે એક વહેલી સવારે રાહગીરને પૂછ્યું કે, ‘‘ભાઈ, દૂધ ક્યાં મળે છે ?’’ પેલા ભાઈએ આશ્ચર્યના ભાવ સાથે હાથમાં પકડેલી દૂધની કોથળી બતાડતા કહ્યું ‘‘આ દૂધ તો છે સામે આવડું મોટું પાર્લર નથી દેખાતું ?’’
નારદને કાપો તો લોહી ના નીકળે તેવા થઈ ગયા. વહેલી સવાર હતી તો પણ પરસેવો વળી ગયો. હાંફતા હાંફતા પાર્લર નજીક જઈને દૂધની કોથળીઓનો ખડકલો જોતા રહ્યા. ટેમ્પાઓમાં દૂધની થેલીઓ ગોઠવાઇ રહી હતી. નારદજીએ સ્વસ્થતા મેળવવા પાર્લરવાળા ભાઈ પાસે પાણી માગ્યું. પાર્લરવાળાએ નારદજી સામે જોયા વગર જ ‘‘દો રૂપિયા...’’ કહેતા પાણીનું પાઉચ પકડાવી દીઘું.
નારદજી મુંઝાયા. પ્યાલામાં પાણી હોય તેની જગ્યાએ આ તો પડીકામાં પાણી ? પાઉચ તોડવામાં નારદજીને વઘુ પરસેવો થઈ ગયો. પાર્લરના માલિકે કહ્યું, ‘અણીવાળો દાંત ભરાવીને પાઉચના પ્લાસ્ટિકમા પંક્ચર પાડો.’
નારદજીને ગમ્મત પડી, પાઉચ ખોલતા પાણીની છાલક મ્હોં પર ઉડી તે તેમને ગમ્યું. થોડે દૂર જઈને નારદ બોલ્યા, ‘નારાયણ... નારાયણ’
ઘેર જઈને નારદજીએ દૂધ પીઘું તો તેમને તરત જ ઉલટી થઈ ગઈ. નારદજીની પહેચાન નહી જાણતા તેના પાડોશીએ કહ્યું કે ‘વિદેશથી વર્ષો પછી ભારત આવ્યા લાગો છો. પણ હવે તો એનઆરઆઇ પણ ભારતમાં આવનજાવન કરીને રોગપ્રતિકાર શક્તિ મેળવી ચૂક્યા છે. તમારી પાચનશક્તિ મંદ લાગે છે. બધા જાણે છે કે આ દૂધમાં કેટલું પાણી ભેળવ્યું છે. તેમાં ઝેરી કેમીકલ દ્રવ્યો ઉમેરીને તેની ઘટ્ટતા અને સફેદાઈ વધારી છે. જે ગાય ભેંસનું દૂધ છે તે પશુઓ વઘુ માત્રામાં દૂધ આપે તે માટે તેઓને ઝેરી રસાયણો મિશ્રિત ખાદ્ય પદાર્થો અપાય છે. મોટા ભાગના ઢોર-ઢાંકર, માંદા દુબળા અને દૂધવિહોણા છે પણ આના જોરે તેઓને દોહવાય છે.’
નારદજી શોકમાં ડૂબી ગયા. તેમનાથી પૂછાઈ જવાયું કે, ‘...અને માખણ’? પેલા ભાઈ જૂની પેઢીના અને આના કરતા તો બ્રિટિશ રાજ સારું એમ નિઃસાસો નાખનાર જૂથના હતા. તેમને પણ નારદજી જેવો શ્રોતા માંડ મળ્યો હોય તેમ લાગ્યું તેમણે કહ્યું કે... ‘એ માખણ- માવા હવે ક્યાં ખાવા મળે છે ? જેવું દૂધ તેવો માખણ માવો. સાબુની જેમ માખણ લાટામાં મળે.’ નજીક પડેલું અખબાર બતાવતા તેમણે કહ્યું કે, ‘આજે જ સમાચાર આવ્યા છે કે ૧૦૦૦ કિલો માવો ઝેરી રસાયણો, પ્રાણીજ રેસાઓ- ચરબી અને બ્લોટિંગ પેપરની ભેળસેળ સાથે પકડાયો.’
પેલા ભાઈએ દૂધ અને માવાની ગુણવત્તાની ફરિયાદ કરીને બોક્સમાંથી પેંડો ખાધો ને નારદજીને ઓફર કરતા કહ્યું ‘પાચનશક્તિ મજબૂત બનાવવાની, આવું બઘું તો તમામ ક્ષેત્રમાં ચાલતું રહેવાનું, લો તમે પણ પેંડો ખાવ !’
ભાઈએ વિદાય લેતા તરત જ નારદજીએ શ્રીકૃષ્ણને ફોન લગાવ્યો, ‘‘ભગવાન, તમે કહેતા હતા તેવું જ થયું છે. તમે હજારો વર્ષ પહેલાં કહેલું કે પૃથ્વીલોક પર જ્યારે પાણી અને દૂધ પડીકામાં વેચાશે ત્યારે કળિયુગ આવશે. ભગવાન દૂધની દુનિયા જોઈને હું કંપી ઉઠ્યો છું. અહીં દૂધ કે માખણની મટકી લઈને કોઈ ગોપી તો જતી નથી. વહેલી સવારથી વાતાવરણને પ્રદૂષિત કરતા વાહનો કાળો ઘૂમાડો ઉડાડતા દૂધ અને માખણના પડીકાઓની ડીલીવરી કરે છે. બઘુ ભારોભાર કેમિકલથી ભરેલું. મારા તો પેટ અને જીભમાં એસિડ પડ્યો હોય તેવી બળતરા થાય છે. ખાવાની વાનગીઓમાં પણ આવું જ છે.’’
ભગવાન શ્રીકૃષ્ણએ વચ્ચેથી વાત થોભાવતા કહ્યું કે, ‘‘સામાન્ય જનને દૂધ, માખણ, અનાજ, તેલ તો મળે છે ને ?’’ નારદજીએ વેદના વ્યક્ત કરતા કહ્યું, ‘‘તમે માખણની મટકી ફોડીને તેનાંથી વંચિત રહેલ આમપ્રજા સમક્ષ લુટાવતા, તમે મટકી આ માટે જ ફોડતા તેનો મર્મ પણ ઘણાને ખબર નથી. તે વખતે પણ દૂધ અને માખણ ગરીબના શોષણ થકી બનાવીને શ્રીમંતો જ તેને આરોગતા હતા. આથી જ તમે મટકી ફોડી, લૂંટીને લીલા કરતા હતા. ગરીબને તેનો હિસ્સો આપતા હતા. ભગવાન, આજે પણ ભારતમાં ગરીબો ગુણવત્તાસભર જીવનશૈલીની રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. મોંઘવારીના ભાવે વસ્તુ ખરીદતા આ સામાન્યતજનને તો ઉકરડા જેવું જ મળે છે. દૂધની નદીની વાતો કરતા આ દેશમાં નદીઓ પણ ગટરની વહે છે...’’ નારદજીએ લાગણી હેઠળ લગભગ રડમસ થઈને કહ્યું કે, ‘‘ભગવાન ભારતવાસીઓની બહુમતી પ્રજાને ઉગારવા અને દેશની સમૃદ્ધિ પર રાજ કરતા મુઠ્ઠીભર માથાભારે તત્ત્વો અને નેતાઓને ઠેકાણે પાડવા તમારે પૃથ્વી પર જન્મ લેવો જ જોઈએ.’’
ભગવાને કહ્યું, ‘‘હજુ તો દૂધ દહીંના રીપોર્ટમાં જ તું હલબલી ગયો, થોડી ભારતયાત્રા પર હજુ કરીને રીપોર્ટ કરતો રહેજે.’’
નારદજીએ પણ ભગવાનના આશીર્વાદ જાણે મળ્યા હોય તેમ સ્થિતપ્રજ્ઞતા ધારણ કરવા માંડી. તેમણે વિચાર્યુંં કે, ‘ભગવાન જન્મ લેશે તો ઇજ્જત બચાવવા છોકરીઓના ચીર (વસ્ત્રો) પણ પૂરશે. જરા છોકરીઓની દુનિયા જોઈએ.’
નારદજીએ જોયું તો સ્વર્ગની અપ્સરાઓ, મેનકાઓ અને રતિઓનું પણ આટલા વર્ષોમાં તેમણે અંગપ્રદર્શન ન જોયું હોય તેમ છોકરીઓનો એક આઘુનિક વર્ગ લો કટ, મીની પહેરીને કરતો હતો તો બીજો એક વર્ગ પ્રદુષણથી બચવા માત્ર આંખો જ દેખાય તેમ નખશીખ આખું શરીર ઢાંકીને બે પૈડાના વાહનમાં આમથી તેમ ઊડાઊડ કરતી હતી. નારદજીથી બોલી જવાયું કે, ‘‘આ તો ગજબનો વિરોધાભાસ’’ તેવામાં એક સાવ ટૂંકા કપડા પહેરેલી છોકરીની નજીક એક યુવાન ચીલ ઝડપે મોટરબાઇક લઇને છોકરી તરફ ધસી ગયો. નારદજીને એમ કે ‘આ કળિયુગનો દુર્યોધન લાગે છે. દેખાવમાં પણ કૌરવ જેવો જ. હમણાં પેલી છોકરીના ટૂંકા કપડાનું પણ હરણ કરીને તેને બેઇજ્જત કરશે. આ બાઇક સવારે બરાબર પેલી છોકરીની નજીક બ્રેક મારી. નારદજી કાંઈ અજુગતું બને તેનો ઈંતજાર કરતા હતા ત્યાં પેલી છોકરી મો પર સ્મિત વેરીને ‘હાય ડ્યુડ, વ્હાય સો લેટ ?’’ બોલતા જ બાઇકની પાછળ તેના અંગો બાઇકસવાર સાથે ચીપકાવતા બેસી ગઈ. બરાબર તે જ વખતે એક નખશીખ ઢાંકેલી બુકાનીધારી છોકરીએ એક છોકરી જેવા લાગતા છોકરાને સ્કુટર પર પાછળ બેસાડતા ખખડાવી મૂક્યો કે, ‘‘પેલી ચીબાવલી જોડે શું ચાંપલો થતો હતો ?’’
નારદજીને ચક્કર આવીને પડવાનું જ બાકી હતું. સેટેલાઇટ ફોન જોડતા તેમણે હાંફતા હાંફતા કહ્યું કે, ‘‘ભગવાન ગજબની દુનિયા છે. તમે ભારત આવશો તો કોના ચીર પુરશો ? અહીં છોકરીઓનો એક બહોળો વર્ગ જાતે જ તેમના વસ્ત્રોનું હરણ થાય તેમ ઇચ્છતીહોય તેવી અદા અને નખરા સાથે ફરે છે. બળાત્કારની ઘટના ઓછી અને ફ્રી સેક્સ કોમન થઈ જશે તેવું લાગે છે. બીજો વર્ગ તો આખા શરીરને એ હદે ઢાંકીને ફરે કે તમે તેઓના શું ચીર ભરી શકો ? માનસિક અને આબોહવાના પ્રદુષણો એક કૌતુકભરી દુનિયા સર્જે છે. મહિલાઓનું સશક્તિકરણ જોઈને ભગવાન તમે જ દંગ થઈ જશો, હા, ભૂલી જાઊં તે પહેલા કહી દઊં કે દ્રૌપદીના વસ્ત્રો પુરવામાં એક પછી એક સાડી સળંગ વીંટાતી જાય તેની જગ્યાએ ડ્રેસિગમા કંઈક નવીન રીતે ચીરપુરણ કરવું પડશે. અહીં ભારતમાં સાડીઓ પહેરવાનું પ્રમાણ જ ઘટી રહ્યું છે. મંે કેટલીક ભારતની યુવતીઓના ફોટા કોસ્મિક સાઇટ પર ઇ-મેઇલ મોકલ્યા છે. જોઈ લેશો.’’
ભગવાન જાણે અંતર્યામી હોય તેમ તેને આ બધી વાતો સાંભળીને ખાસ આઘાત ન લાગ્યો હોય તેમ જણાયું તેમણે કહ્યું, ‘‘નારદ, ત્યાંના રાજા એટલે કે શાસકો અંગે તો જાણી લાવ.’’
થોડા દિવસો પછી નારદે ફરી સેટેલાઇટ ફોન રણકાવ્યો. ભગવાને ફોન ઉપાડતાં જ નારદજી બોલ્યા, ‘‘ભગવાન ગજબ થઈ ગયો... અહીં ભારતમાં તો વડાપ્રધાનનું નામ પણ તમારા નામ પરથી પડ્યું હોય તેમ મનમોહન છે. પણ તેઓ તમારા જેવા નટખટ નથી ભીષ્મ પિતામહ જેવી તેમની સ્થિતિ હોય તેવું વઘુ લાગે છે. વિરોધ પક્ષના એક સિનિયર નેતા જેના વડાપ્રધાન બનવાના ખ્વાબ અઘૂરા જ રહ્યા તેનું નામ પણ લાલકૃષ્ણ છે. આજકાલ અહીં ભોપાલ ગેસ કૌભાંડની વાતો બહુ ચાલે છે તેમાં જેણે વિલન જેવી ભૂમિકા ભજવી હતી તે સિનિયર નેતાનું નામ તમારા લાડલા અર્જુન પરથી અર્જુનસિંહ પડાયું છે. બીજા એક નેતાએ પણ તમારું નામ રાખ્યું છે મુરલી મનોહર જોશી ! તમે કૌરવોને પરાસ્ત કરવા જે માયાજાળ રચતા હતા તે હવે માયા એટલે કે માયાવતી પણ છે. આ ભારેખમ મહિલા દેશની તિજોરીને ‘માયા’ થકી ખાલી કરી રહી છે. નટવરસિંઘ અને એસ. ક્રિષ્નન જેવા નામના નેતાઓ પણ છે.’’
નારદે થોડો શ્વાસ અટકાવી થાક ખાતા કહ્યું કે, ‘‘ભગવાન, તમે સમજી વિચારીને યાદવાસ્થળી કરી હતી. પણ ભારતમાં લાલુ યાદવ અને મુલાયમ યાદવ એકસો કૌરવોને સારા કહેવડાવશે તેવા મનાય છે. જો તમે ખરેખર ભારતમાં જન્મ લેવાનું વિચારતા હોવ તો ભારતના સાંસદો અને અમલદારો તમારી સુપારી આપી દે તેવો ભય મને સતાવે છે. તમારા ધનુષ બાણની પણછને પાછી પાડે તેવા શસ્ત્રો આ લોકોએ બનાવ્યા છે. તમારે બોડી ગાર્ડનો કાફલો લઈને જ ફરવું પડશે. છળ- કપટ- પ્રપંચ તમે જે ખેલ કરતા તે તો દાનવો પરના હતા આ લોકો તો ભોળા, નીતિમત્તા અને તમારા ઉપદેશોને આધીન જીવતા કર્મશીલ નાગરિકોને અને દેવ જેવા લોકો પર તેમના દાવપેચ અજમાવે છે. પ્રજાને તમે ફરી જન્મ લેશો તેવા વચન પરથી વિશ્વાસ ઊઠી ગયો છે.
આટલું બોલતા નારદજી ખાંસી ખાવા માંડ્યા ભગવાને ચિંતા કરતા કહ્યું ઃ ‘‘નારદ, શું થયું ? હેલો...’’
નારદે કહ્યું, ‘‘આ પ્રદુષણ....! ભગવાન તમને પણ કહી દઊં છું કે તમારે અહીં મુકુટ પહેરજો હોય તો પહેરો પણ અહીં પ્રદુષણથી બચવા માસ્ક તો પહેલી જ રાખવું પડશે.’’
ભગવાને હાસ્ય કરતા કહ્યું કે, ‘‘સારું એ બતાવ કે પૃથ્વીવાસીઓ મારો જન્મદિન ઉજવે છે કે નહિ ?’’
નારદે કહ્યું, ‘‘હા, ક્લબોમાં જુગાર રમતા અને દારૂ પીતા. મંદિરમાં ભક્તો અને પૂજારીઓને ખાતરી છે કે અમે જે છપ્પન ભોગ ધરીએ છીએ તે અમારે જ ખાવાનો છે. ને ભગવાન સાચું કહું કે તમે તમને ધરેલા છપ્પન ભોગ ખાઈ જાઓ તો તમને કોઈ આવી પ્રસાદી ન ચઢાવે. શ્રીમંતો ખાણી- પીણી કરે છે, ફરાળી પીઝા શું કહેવાય ? ભગવાન એવું પણ અહીં મળે છે. તમારા ચરિત્રને સગવડિયો મર્મ આપીને તમે જે લીલા કરતા હતા તે તમારું નામ લઈને માણસો કરતા થઈ ગયા છે.’’
નારદે વેદના સાથે ઉમેર્યું કે, ‘‘સાચું કહું ભગવાન, પ્રજામાં ખરા હૃદયથી તમારા અવતરણનો આર્તનાદ ક્યાંય સંભળાતો જ નથી. બધાને રજસ તમસના ઉકરડા સારા દેખાય છે. સત્ત્વશીલ માણસ અહીં ‘બિચારો -ભલો’ તરીકે ઓળખાય છે.’’
ભગવાન શ્રીકૃષ્ણે નારદને કહ્યું કે, ‘‘હવે તો મને લાગે જ છે કે મારે પૃથ્વી પર જન્મ લેવો જ પડશે. સારું તમે દેવલોકમાં પરત આવી જાવ.’’
તેવામાં નારદને વિચાર આવ્યો કે દેવલોકમાં જાઊં તે પહેલાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ કયા ઘેર અને કોની કુખે થઈ શકે તે પાયાની તપાસ કરવાની તો રહી ગઈ.
નારદજી બહુ રખડ્યા પણ ભારતમાં તેમને દેવકી જેવી માતા કે જશોદા જેવી પાલક માાતા જેવી કોઇ નારી જ ન મળી. અર્જુન જેવો શરણાગત ભાવ કેળવેલ જ્ઞાનપિપાસુ યોદ્ધો ન મળ્યો. નારદજીએ દેવલોકમાં જઈને કહ્યું કે, ‘‘ભગવાન, તમે પૃથ્વી લોકમાં જવા તો માંગો છો પણ જન્મ ક્યાં લેશો ? અને પેલું દૂધ, માખણ... પૃથ્વીલોકની મેનકાઓ, દુર્યોધનો... શકુનિઓ... નારાયણ... નારાયણ...’’
ભગવાન શ્રીકૃષ્ણ તેમની પ્યારી જન્મ અને કર્મભૂમિ ભારતની આવી દશા જોઈને વિષાદ યોગમાં ડૂબી ગયા.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved