| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
|
 |
|
તર્ક અને બુઘ્ધિના પાંજરામાં તરફડતાં લાગણીનાં પંખીઓ |
| વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ |
|
|
આબુની પિકનીક પર આવેલ યુવક-યુવતીઓનું એક ઝૂંડ ગુરૂશિખરના કપરાં ચઢાણો ચડતું હતું. આમ તો પાકો રસ્તો હતો. પણ લોકોએ કંડારેલી કેડી પર ચાલે તો એ યુવાનો શાના? એ તો ભેખડો પર કૂદકા મારી આગળ વધતા હતા. સાહસવૃત્તિ બતાવવામાં છોકરીઓ પણ પાછળ રહી જાય તેમ નહોતી.
છોકરા-છોકરીઓ ચડસા-ચડસીમાં જોખમી ભેખડો પરથી આગળ વધતા હતા ત્યાં સારંગીનો પગ લપસ્યો, તે ખાઇ તરફ ફંગોળાઇ. છોકરીઓએ કારમી ચીસ પાડી. છોકરાઓ પણ ડઘાઇ ગયા. એવામાં પહાડોમાં અવાજ ગૂંજ્યો...
‘‘હું આવું છું સારંગી... એ ભેખડને પકડી રાખ...’’ અને ત્યાર પછી હિન્દી પિકચરના દ્રશ્યની જેમ ધૈવતે સારંગીને બચાવી લીધી અને તેને પોતાના ખભા પર નાંખી સલામત જગાએ લઇ આવ્યો.
બસ તે દિવસથી સારંગીને ધૈવત પર વિશ્વાસ બેસી ગયો... ‘‘એ મને ગમે તેવી પરિસ્થિતિમાંથી બચાવી લેશે... નવું જીવન બક્ષશે...’’
પછી તો કોલેજનું ફંકશન હોય, કે પરીક્ષાનું ટેન્શન હોય સારંગી ધૈવતનો જ સહારો ઝંખતી અને ગમે તેવા તનાવપૂર્ણ સંજોગોમાં ધૈવત સારંગીને સાથ આપી ઉગારી લેતો. સમય વીતતો ગયો. ધૈવતના પાંજરામાં સારંગી આપમેળે પુરાઇ ગઇ. સલામતી અનુભવવા લાગી અને લગ્નનો પ્રસ્તાવ પણ મૂકાયો.
સારંગીના મમ્મી-પપ્પા પણ તેને ખૂબ જ ચાહતાં હતાં. વહાલસોયી પુત્રીના મનના અરમાનોને માન આપી તેમણે ધૈવતના મમ્મી-પપ્પા સમક્ષ પ્રસ્તાવ મૂક્યો અને સગપણ નક્કી થઇ ગયું. સગપણની પાર્ટીમાં હાજર રહેલા કેતનભાઇના ખાસ મિત્રે પાછળથી તેમને ચેતવ્યા... ‘‘તમારી દીકરી આ ઘરમાં નહીં રહી શકે... માણસો સારા નથી...’’ કેતનભાઇ મૂંઝવણમાં મૂકાયા. પણ સારંગીએ ખાત્રી આપતાં કહ્યું, ‘‘ધૈવત મને ગમે તેવી પરિસ્થિતિમાંથી બચાવી લેશે...’’
સારંગીને વિશ્વાસ હતો. ધૈવતનું પણ વચન હતું. કેતનભાઇએ જીગરના ટુકડા જેવી પુત્રીનું ભવિષ્ય ન બગડે એ માટે પૂરતી તપાસ કરી, તેમને લાગ્યું કે આ સંબંધ અહીં જ પૂરો થાય તો સારૂં. પણ સારંગી એકની બે ન થઇ.
ધૈવત-સારંગી પરણ્યાં. હનીમુન માટે આબુ પર્વત પર ગયાં અને સારંગીને એના બધાં સ્વપ્નાં સાકાર થતાં લાગ્યાં. ‘‘એ.. મને ગમે તેવી પરિસ્થિતિમાંથી બચાવી લેશે... નવું જીવન બક્ષસે.. ભેખડ પરથી ખાઇમાં ફંગોળાતી પોતાની જાતને ફરિશ્તો બની બચાવી લેતો ધૈવત દોઢ વર્ષ પછી આજે રાત્રે પણ સારંગીના સ્વપ્નમાં આવ્યો... સારંગી સ્વપ્નામાંથી જાગી ગઇ.. તેનું હૃદય જોરથી ધબકતું હતું.. શરીરે પસીનો વળી ગયો હતો.. તેણે બેઠા થઇને લાઇટ કરી. રાત્રિના ત્રણ વાગ્યા હતા. મમ્મી વિસ્ફારિત આંખોથી છત પર જોઇ રહી હતી. પપ્પા પડખા ઘસતાં હતાં.
સારંગીનું સ્વપ્નું પૂરૂં થયું... એ સ્વપ્નું જ હતું એની એણે ખાત્રી કરી લાઇટ બંધ કરી લીધી. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.
બીજે દિવસે સૂર્ય ઉગ્યો.. પણ સારંગી માટે સવાર નહોતી પડી. આજે કદાચ જીવનનો અંધારામાં અંધારો દિવસ હતો. પણ સમયસર તૈયાર થવું જરૂરી હતું. આજે ફેમિલી કોર્ટમાં જવાનો આખરી દિવસ હતો.
હા.. આજે જજશ્રી ડાયવોર્સ આપી દેશે એવો વકીલને પણ વિશ્વાસ હતો. પૂરતો કાદવ ઉછળ્યો હતો. વ્યવહારિક સૂઝવગરની, ઘમંડી, સ્વાર્થી, તોછડી, ઉછાંછળી... સ્વચ્છંદી... વિગેરે વિશેષણો સારંગી પર લાગી ચૂક્યા હતા. પુત્રીને શિક્ષણ આપવામાં માતાને સાવ વામણી પુરવાર કરાઇ હતી. જજે ધૈવત તરફી રજુઆતો સાંભળી હતી. ધૈવતના મમ્મી-પપ્પા પ્રત્યેક તારીખે કોર્ટ રૂમની બહાર સારંગીને ભાંડવાનું ચૂકતા ન હતા અને ધૈવત લાગણીશૂન્ય નજરે ક્યારેક જ સારંગી તરફ જોઇ શ્રવણની જેમ માતા-પિતાને સાચવતો હતો.
જજે સારંગીને પૂછ્યું... કુટુંબમાં સમાઇ જવા સમજાવી. સારંગી એટલું જ કહ્યું... હું જ્યારે એકવીસ વર્ષની થઇ ત્યારે શાણા લોકોની એક વાત મેં વાંચી હતી કે લોકોને તારે જે આપવું હોય તે આપજે, લખલૂટ લૂંટાવી દેજે પણ કોઇને દિલ ક્યારેય ન આપીશ... પણ હું શું કરૂં? એકવીસ વર્ષની જ હતી એટલે જે ન આપવાનું હતું તે આપી દીઘું... થવાનું હતું તે થઇ ગયું. મારે કોઇ જ રકમ કે ભરણપોષણ નથી જોઇતા.’’ અને સારંગીએ ડાઈવોર્સ પેપર્સ પર સહી કરી હતી.
બંને પક્ષની સંમતિ હતી એટલે આજે ડાયવોર્સ મળવાના હતા. સારંગી, સાધનાબેન અને કેતનભાઇ સમયસર ફેમિલી કોર્ટ પહોંચી ગયા હતાં. ધૈવત મમ્મી-પપ્પા સાથે ત્યાં પહેલેથી જ પહોંચી ગયો હતો.
સારંગીએ છેલ્લી નજર ધૈવત તરફ નાંખી. એની નજરમાં હજુ પણ એ વિશ્વાસ હતો કે ધૈવત એને બચાવી લેશે. પણ ધૈવત કોઇ અજાણી વ્યક્તિને જોતો હોય તેમ સારંગી તરફ જોઇ રહ્યો. પોતાના મમ્મી-પપ્પાના નિયમો ન પાળનાર અને તેમની સાથે એડજસ્ટ ન થનાર સારંગી તેને સ્વીકાર્ય ન હતી. ચાર વર્ષના પ્રેમ સંબંધ પછી થયેલાં લગ્ન પછી ચાર મહિના પણ સારંગી ધૈવતને ત્યાં રહી નહોતી. હા... છેલ્લા દોઢ વર્ષથી ફેમિલીકોર્ટના કોરીડોરમાં પ્રત્યેક મુદતે મુલાકાત થતી હતી. પણ ધૈવત હવે સારંગીને ઓળખવા જ તૈયાર ન હતો.
એ દિવસે ડાયવોર્સ થઇ ગયા. સારંગીને છેલ્લી વાર ધૈવતને વળગવું હતું. એના ખોળામાં સૂવું હતું... છેલ્લીવાર ભેખડ પરથી ફંગોળાવું હતું. પણ તે... ચાલ્યો ગયો. સારંગીનું લાગણીનું પંખી
ધૈવતના તર્ક અને બુઘ્ધિના પાંજરામાં તરફડીને મર્યા પછી મુક્ત થઇ ગયું હતું. અને કોર્ટના કમ્પાઉન્ડમાં જ દોઢ વર્ષમાં પહેલીવાર સારંગીએ હૈયાફાટ રૂદન કર્યું. માતાએ પુત્રીને છાતી સરસી ચાંપી સાંત્વન આપવા પ્રયાસ કર્યો પરંતુ છેલ્લા દોઢ વર્ષથી ડીપ્રેશનથી પીડાતા એ પણ ભાંગી પડ્યા. એ દિવસે કેતનભાઇ પત્ની અને પુત્રીને લઇ માંડ માંડ ઘેર પહોંચ્યા.
કેતનભાઇને લોકોએ કહ્યું.. ‘‘અમે તો તમને ચેતવ્યા હતા...’’ સારંગીએ મમ્મી પપ્પાને કહ્યું- આમાં કોઇએ ‘‘ગીલ્ટ’’ અનુભવવી જરૂરી નથી. પ્રેમની અવસ્થામાં એ પાગલપન આવે છે કે બહેરો પ્રેમ કોઇ શાણાની સલાહ કે ચેતવણીને સાંભળતો નતી.
ધૈવત-સારંગીને મળતી આવતી ઘણાં બધાની આ કથા હશે. પ્રેમમાં પડવું એ સ્વાભાવિક છે. પરંતુ પ્રેમમાં પણ પાત્ર અને પાત્રતા મહત્વના છે. આકસ્મિક ઘટના કે સહાનુભૂતિથી થયેલો પ્રેમ કે વન-વે ટ્રાફિકની જેમ થયેલો પ્રેમ લાંબુ ટકતો નથી. પ્રેમ થાય તો પણ લગ્ન માટે થોભો અને રાહ જુઓ. પાત્રતાની પાત્રતાને ચકાસો.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
| |