| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
|
 |
|
આંખે પાટા બાંધીને ગણેશ મૂર્તિ બનાવવાનો વિશ્વવિક્રમ
|
રિપ્લેના ‘બિલિવ ઇટ ઓર નોટ’માં નડિયાદની આ ગુજરાતી ગૃહિણી ચમકી છે
|
‘લગભગ ૨૦૦૦ ની સાલનો માર્ચ મહિનો હતો. રાત્રે મેં એક સ્વપ્ન જોયું. કોઇ મોટી માર્કેટમાં ગાદી-તકિયા પર મોટા શેઠ બેઠાં હોય એવી અદામાં વિધ્નહર્તા ગણપતિ નયનરમ્ય આભૂષણો સાથે બિરાજમાન હતા. જાણે મને કહેતા હોય, કે નીરખી લે મારૂં આ સ્વરૂપ અને દેખાડ દુનિયાને તારા કાંડાની કલા ! બીજે દિવસે મેં ઘરમાં વાત કરી. મારા પતિએ મારો ઉત્સાહ વધારતાં કહ્યું કે ખુદ વિધ્નહર્તાનો આદેશ હોય તેા તારે પ્રયત્ન કરવો જોઇએ. એ દિવસે બપોરે મેં પહેલીવાર ગણેશજીની મૂર્તિ બનાવી. એકથી સંતોષ ન થયો, એટલે બીજી બનાવી, પછી ત્રીજી ...ચોથી...આમ મૂર્તિ એની મેળે રચાતી ગઇ. કોણે મારા હાથે આ સર્જન કરાવ્યું એ તો પરમેશ્વર જાણે, પરંતુ ત્યારથી આજ સુધીમાં મારા હાથે વિવિધ સામગ્રીની સવા લાખ મૂર્તિ ઘડાઇ છે જેણે મને દુનિયાભરમાં યશ અપાવ્યો...’
આ શબ્દો છે મૂળ નડિયાદની અને મુંબઇના એક જૈન પરિવારમાં પરણેલી ગૃહિણી રમા શાહના. દુનિયાના પાંચસોથી વઘુ પ્રકાશનો (અખબારો અને સામયિકો)માં પ્રગટ થતી રિપ્લેની ‘બિલિવ ઇટ ઓર નૉટ’ (માનો યા ન માનો ) કટારમાં સ્થાન મેળવનારી આ કદાચ વિશ્વની એકમાત્ર ગુજરાતી યુવતી છે. એ જ રીતે અમેરિકાના એબીસી ન્યૂઝ ટેલિવિઝન પર કરોડો લોકોએ આ મહિલાને આંખે પાટા બાંધીને વિધ્નહર્તાની મૂર્તિ બનાવતાં નિહાળી છે. કોઇ મોલ્ડ કે ડાઇ-બ્લૉક વિના સેંકડો લોકોની હાજરીમાં માત્ર હાથેથી મૂર્તિ તૈયાર થાય છે. આંખે પાટા બાંધવામાં આવે ત્યારે પણ સેંકડો લોકોની સામે આ બઘું થાય છે. કોઇ જાદુ નથી, કોઇ ત્રાટક કે સંમોહન નથી. ફાઇન આર્ટસ્ની કોઇ વિધિવત્ તાલીમ લીધી નથી.
રમાબહેનના પિયર અને સાસરામાં જૈન ધર્મ પાળવામાં આવે છે પરંતુ આજે એ ગણેશ પ્રતિમાના સર્જક તરીકે આખી દુનિયામાં જાણીતાં છે. આ શુભ કાર્યમાં વિવિધ સંસ્થા નિમિત્ત બનતી રહી છે. વિવિધ રંગોની અને વિવિધ સામગ્રીની મૂર્તિ બનતી રહી છે અને શ્રદ્ધાળુઓ એ યથાશક્તિ પ્રતીક રકમ ચૂકવીને લઇ જાય છે. રમાબહેનના આ કૌશલ્યની નોંધ લીમકા બુક ઑફ રેકોર્ડે પણ ગૌરવભેર લીધી છે. ઘણીવાર હાથચાલાકીના ખેલ કરતા ‘જાદુગરો’ આંખે પાટા બાંધીને અમુક ટ્રીક રજૂ કરે છે. અહીં એવું નથી. અનેક ભારતીય ન્યૂઝ ટીવી ચેનલના કેમેરા સામે રમાબહેનની આંખે પાટા બાંધવામાં આવે એ પછી રોકડી પાંચ મિનિટમાં- વાંચો ફરી, ફક્ત પાંચ મિનિટમાં, એક મૂર્તિ તૈયાર થઇ જતી જોઇને ચચ્ચાર પેઢીઓથી ગણપતિની મૂર્તિ બનાવનારા ધંધાદારી મૂર્તિકારો પણ મુગ્ધ થઇ જાય છે.
મુંબઇના જગપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં અમિતાભ બચ્ચનથી માંડીને બીજા ઘણા ફિલ્મસ્ટાર્સ જાય છે. સંકષ્ટિ જેવા પર્વો પર અહીં ચોવીસ કલાકમાં લાખો લોકો ઉમટે છે. આ મંદિરમાં પણ રમાબહેનની ગણેશ સર્જનની કલાના પ્રયોગો એક કરતાં વઘુ વખત યોજાઇ ગયા છે. દરેક પ્રસંગે એક અલગ સિદ્ધિ તેમણે મેળવી છે. દાખલા તરીકે ૨૦૦૬માં મંગળવારે આવતી સંકષ્ટિ ‘અંગારકી’ના પવિત્ર દિને સિદ્ધિવિનાયક મંદિરમાં લાખો લોકોની હાજરીમાં બાર કલાકમાં નોન સ્ટોપ ૧૦૮ મૂર્તિ બનાવી. પછી તો નવના આંકડા સાથે એમને એક પ્રકારનો લગાવ થઇ ગયો. ૯૯ દિવસમાં નવ હજાર નવસો નવાણું મૂર્તિ બનાવી. અમેરિકાના એબીસી ન્યૂઝ ટેલિવિઝને એમનો લાઇવ ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે આખા અમેરિકામાંથી એમના પર અભિનંદનનો રીતસર વરસાદ વરસ્યો હતો. હાલ તેઓ ૧ લાખ ૫૧ હજાર મૂર્તિનો ટાર્ગેટ સિઘ્ધ કરવા ઉત્સુક છે.
જૈન ધર્મના પૂજ્ય મહારાજ સાહેબો, સ્વામી નારાયણ સંપ્રદાયના સાઘુઓ, વિવિધ ધર્મના ધર્મગુરૂઓ અને ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ગણેશ મૂર્તિનું સર્જન કરવાની તક તેમને મળી છે. એમ તો કિંગ ખાન શાહરૂખની હાજરીમાં પણ આવો પ્રયોગ થયો હતો. ખુદ શાહરૂખે એક કલરફૂલ પ્રતિમા સામે ચાલીને માગી લીધી હતી. કવિ સુંદરમનું એક મુક્તક છે કે રાજાના દરબારમાં એક યુગલ આવીને અદ્ભુત સંગીત રજૂ કરે છે. ખુશ થયેલો રાજવી કંઇક ઇનામ માગી લેવાનું કહે છે ત્યારે કલાકારો મૂંઝાય છે કે શું માગવું ? પછી કંઇ માગ્યા વિના ફરી પોતાના સાજ પર સૂરાવલિ છેડે છે અને આનંદવિભોર થઇ જાય છે. રમાબહેનને હવે એવા જ દિવ્ય આનંદનો અનુભવ થાય છે. વિધ્નહર્તાની પ્રતિમા બનાવવામાં એમને અનેરો આનંદ આવે છે. ‘મને જે આનંદનો અનુભવ થાય છે એ શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. મને જાહેર કાર્યક્રમોમાં પ્રતિમા બનાવતી જોઇને લોકોને આનંદ થાય છે એ એમના ચહેરા પર, એમનાં વાણી-વર્તનમાં પ્રગટ થાય છે. આમ મારો વ્યક્તિગત આનંદ સૌનો આનંદ બની જાય છે એનાથી રૂડું બીજું શું હોઇ શકે ?’ સંતોષની આભા સાથે રમાબહેન કહે છે.
અજિત પોપટ
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
| |