|
અંતર મમ વિકસિત કરો
અંતર મમ વિકસિત કરો અન્તરતર હે,
નિર્મળ કરો, ઉજ્જ્વલ કરો, સુંદર કરો હે...
જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે...
યુક્ત કરો હે સબાર સંગે મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાન્ત તોમાર છંદ...
ચરણપદ્મે મમ ચિત્ત નિષ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે...
- રવીન્દ્રનાથ ટાગોર
સાધનાથી સિઘ્ધિ સુધીની પ્રાર્થના એટલે આ પ્રાર્થના. રવીન્દ્રનાથ ટાગોરનું આ બંગાળી કાવ્ય છે. પરંતુ ગુજરાતની ગુજરાતી માઘ્યમની શાળાઓમાં આ વર્ષો સુધી પ્રાર્થનારૂપે ગવાયું હતું. ૫મી અને છઠ્ઠી પંક્તિમાં જ ‘સબાર સંગે’ અને ‘તોમાર છંદ’ શબ્દ આવે ત્યારે ખબર પડે છે કે આ ગુજરાતી ભાષાનું કાવ્ય નથી. અંતરમમ... એક પ્રાર્થના કાવ્ય છે. ઈશ્વરને સીધી પ્રાર્થના કરી છે. હે અંતરતર, હે અંતરયામિ તું મારા અંતરને વિકસિત કર. આપણને આપણું હૃદય વિકસિત ન લાગે, નાનું લાગે, વિશાળ ન લાગે, સાંકડું લાગે એ બહુ મોટી ઘટના છે. આપણે તો એવું જ માનતા હોઈએ છીએ કે આપણું હૃદય ખૂબ વિશાળ છે. દરિયા જેવું છે. અને આથી જ સૌથી પહેલી પ્રાર્થના કરી છે કે મારા હૃદયને વિકસાવો. એને વિકસિત કરો. આ પ્રાર્થના કોઈ દૂર બેઠેલા ઈશ્વરને નથી કરી. આ પ્રાર્થના તો કરી છે અંતરતરને. જે હૃદયમાં જ રહે છે.
જે હૃદયમાં રહેતું હોય એને જ કહેવું પડે કે તું હૃદયને વિશાળ કર, વિકસિત કર એ કેવો વિરોધાભાસ લાગે છે ? જો ઈશ્વર હૃદયમાં રહેલો હોય તો હૃદય વિશાળ જ હોય. હૃદય વિશાળ છે છતાં લાગતું નથી. કારણકે હૃદય નિર્મળ નથી. ઉજ્જ્વળ નથી. સુંદર નથી. હૃદય તો સુંદર હોવું જોઈએ પરંતુ હૃદયમાં જગતભરની અશુદ્ધિઓ ભરેલી છે. એટલે નિર્મળ નથી. વિચારોથી લઈને કર્મો સુધીની કુરૂપતા અંતરમાં પડેલી છે. એટલે હૃદય સુંદર નથી. અજ્ઞાનના એવા અંધારે પડેલું છે કે તે ઉજ્જ્વળ રહ્યું નથી. અને આથી ટાગોર પ્રાર્થના કરે છે કે મારા હૃદયને નિર્મળ કરો, ઉજ્જ્વળ કરો, સુંદર કરો....
ભીતરની સંકુચિતતા દૂર કરવા માટેની આ પ્રાર્થના છે. આપણે રાત્રે સૂઈએ છીએ એવું નથી. આપણે દિવસે પણ સૂતેલા જ હોઈએ છીએ. હજારોવાર રાત્રે ઉંધ્યા છતાં ઉંઘ ક્યારે આવે છે? કઈ રીતે આવે છે? તેની ખબર નથી. ઉંઘમાં શું-શું બની જાય છે એનીયે ખબર નથી. આપણે સંસારમાં પણ દિવસે જાગતા સૂતા જ હોઈએ છીએ. હજારોવાર ક્રોધ કર્યો, હજારોવાર પસ્તાવો કર્યો પણ નથી ક્રોધને જાણી શક્યા, નથી પસ્તાવાને જાણી શક્યા. સવારથી ઊઠીએ ત્યારથી લઈને રાત્રે સૂવા સુધીની ક્રિયાઓ સ્ીબરૈહૈબચનઅ થઈ ગઈ છે. યાંત્રિક થઈ ગઈ છે. ઉંઘતા જ કરતા હોઈએ એવી ટેવવશ થઈ ગઈ છે. અને આથી જ પહેલી વાત કરે છે મને જાગૃત કરો, મને ઉદ્યત કરો. ઉદ્યમશીલ બનાવો. કારણકે જાગ્યા પછી પણ જો આળસ ન છૂટે તો? અને આથી જ આળસ છોડીને માણસ ઉદ્યમ કરતો થાય તેની પ્રાર્થના કરવામાં આવી છે. આળસ એ સૌથી મોટો શત્રુ છે. ઉપાસનામાં કે સંસારમાં આળસ જરાય ન પાલવે. પછીની મહત્વની વાત છે નિર્ભય થવાની. તમામ ચિંતાઓ ભયમાંથી જન્મે છે. જે પોતાના અંતરનો વિકાસ ઈચ્છતો હોય એણે નિર્ભય થવું જરૂરી છે. જાગૃત થયા, ઉદ્યમી થયા, નિર્ભયી થયા અને પછી સર્વત્ર મંગલમયનો ભાવ પ્રગટે એ પણ એટલું જ જરૂરી છે.
નિરલસ નિઃસંશય કરો હે... અલસતા, આળસ દૂર થાય. અંતર સંશયથી, શંકાઓથી મુક્ત રહે તે પ્રાર્થના છે. આપણને વાત-વાતમાં શંકાઓ જતી હોય છે. મન એટલે જ શંકા. મન એટલે જ શીયચૌપૈાઅ. જાણે શંકા કદી છૂટતી જ નથી. જ્યાં સુધી શંકા છૂટી નહીં ત્યાં સુધી શ્રઘ્ધા પ્રગટતી નથી. કોઈ માણસ કહે કે ફલાણા ભાઈ સંત છે. તો તરત શંકા જાય છે પરંતુ જો કોઈ માણસ જો તમને એમ કહે કે ફલાણા ભાઈ બહુ લોચાવાળા છે, ચોર છે તો તમે તરત સાચું માની લો છો. તરત સૂર પુરાવો છો કે હા, મોઢા ઉપરથી જ દેખાય છે. અરે આ બધી વાત તો જવા દો આપણે જાતે જે પૂજા કરીએ છીએ ને એ પણ ફળશે કે નહીં એવી શંકા હોય છે અને આથી જ પ્રાર્થના થઈ છે કે નિઃસંશય કરો. મારા સંશયગ્રસ્ત મનને સંશયોથી મુક્ત કરો.
હવેની પંક્તિમાં ‘સાબાર’ શબ્દ આવે છે. સાબાર શબ્દ બંગાળી ભાષામાં સર્વનું, બધાનું એ અર્થમાં પ્રયોજાય છે. ‘સબ’નું છઠ્ઠી વિભક્તિનું રૂપ બંગાળીમાં થાય. અદ્ભુત વાત ટાગોરે કરી છે. સૌની સાથે મારા અંતરને જોડી દો. અને બધા જ બંધનોથી મને મુક્ત કરો. બંધન માત્ર દેખાય છે એટલા જ નથી હોતા. દરેક વ્યક્તિને અનેક અદ્રશ્ય બંધનોએ બાંધેલો જ હોય છે. અંતરને આ બંધિયારપણાથી મુક્ત કરવા માટે તેમણે પ્રાર્થના કરી છે. હવે એક અદ્ભુત વાત ટાગોર કરે છે. આ વાત કોઈ ઉત્તમ ભૂમિકાનો સાધક કે કોઈ કવિ જ કરી શકે. તોમારનો અર્થ થાય છે તમારા. મારા પ્રત્યેક કર્મમાં તમારા શાંત છંદનો એટલે કે લયનો સંચાર કરો.
આપણા પ્રત્યેક કર્મો હુંકારથી ભરેલા છે. આપણા પ્રત્યેક કર્મની અંદર અહંકારની ગંધ આવે છે. સંસારની ધાંધલ-ધમાલોની છબી દેખાય છે. આપણા પ્રત્યેક કર્મમાં એકલા ધખારા અને ધમપછાડા હોય છે. જ્યારે ઈશ્વરના પ્રત્યેક કર્મમાં ક્યાંય ઈશ્વરનો હાથ પણ હોય એવું ન લાગે તે રીતે એ કાર્ય થતું હોય છે. પ્રત્યેક ફૂલ ખીલે છે એ ઈશ્વરનું કર્મ છે. પણ એ ઈશ્વરે ખીલવ્યું છે એવી કોઈ જાહેરાત નથી જોવા મળતી. ઝરણા ઈશ્વરે વહેતા કર્યા છે પણ એમાંથી સંગીત પ્રગટે છે. અહંકાર નહીં. પૃથ્વી ઉપર ઈશ્વરના જે કંઈ કાર્યો છે, જ્યાં-જ્યાં ઈશ્વરનો લય છે તે બઘું સહજ છે અને સુંદર છે. અને આથી જ પ્રાર્થના કરી છે કે મારા પ્રત્યેક કર્મોમાં તારો લય, તારો છંદ, તારું સ્મરણ, તારો સ્પર્શ ભેળવી દે.
અંતરના વિકાસથી આરંભાયેલી આ વાત નિર્મળતા, ઉજ્જ્વળતા, સુંદરતાને સિદ્ધ કરતી-કરતી છેક ક્યાંની ક્યાં પહોંચી જાય છે? સૌની સાથે અંતરને જોડી દેવાની પણ વાત થાય છે. પોતાના પ્રત્યેક કર્મમાં ઈશ્વરના છંદની ઝલક પણ મળે એ પ્રાર્થના છે. અને હવે... જ્યારે શંકા વગરનું મન થઈ ગયું હોય, પૂર્ણ શ્રઘ્ધાથી છલકાતું હોય, નિર્ભય અને મંગળમય બની ગયું હોય ત્યારે એ અંતરતરની પાસે અંતિમ સમર્પણનું મન થાય છે. ઓગળી જવાનું મન થાય છે. એ ઈશ્વરના ચરણકમળમાં મારું મન નિસ્પંદિત થાવ એ પ્રાર્થના રહે છે. કોઈ પણ પ્રકારની હલન-ચલન વગરનું પરમ આનંદમય, આનંદમય, આનંદમય બની રહે છે.
|