|
એ ભારેખમ પગલાંનો અવાજ નજીક આવતાં જ તમારી નિદ્રસ્થ આંખોની નિદ્રા તૂટી ગેમલ, અને એ અવાજ પરખાતાં તમારૂં ચૌદ વર્ષીય ચિંથરેહાલ સુકલકડી બદન ભયની કંપારીથી ઘુ્રજી ઊઠ્યું. એ ભારેખમ પગલાંનો અવાજ તમારા જલદ મિજાજ વજનદાર સુડતાલીસી માલકિન યામિની જક્કડના પગલાંનો હતો, અને આજે તમે એક જબરદસ્ત ગુનામાં એમના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતાં ગેમલ. એક બપોરે માલિક-માલકિનની ગેરહાજરીમાં એમનાં બેડરૂમમાં એ.સી. ચાલુ કરી એમનાં રેશમી પોચા ડબલ-બેડમાં ઉંઘી જવાનો મહાઅપરાધ! અને હવે એ ગુના બદલ ક્ષણવારમાં માલકિનના વજનદાર હાથોમાંથી તમારા પર ગુસ્સાભરી ચીસો સાથે વરસનારા થપ્પડો અને મૂક્કાઓના વરસાદનાં ઇંતેજારમાં, બંધ આંખે બેડમાં ચત્તુ સૂતેલું તમારૂં કિશોર બદન ભયથી ઘુ્રજી રહ્યું...
....શહેરના કડકમિજાજ મશહૂર ફોજદારી વકિલ ચક્રધર જક્કડ અને એમના તૂંડમિજાજી ગુસ્સૈલ પત્ની યામિની જક્કડના, બે જ વ્યક્તિઓના બનેલા આ કુટુંબ સાથે એમનાં આ ભવ્ય બંગલામાં નોકર તરીકે રહેવા આવ્યે તમને આજે ત્રણ વર્ષ થઇ ચુક્યા હતાં ગેમલ. ચક્રધર સાહેબના ગામમાં, એમના ખેતરોમાં ખેતમજુર તરીકે કામ કરતા તમારા ઝુંપડાવાસી બાપ પનિયાએ આજીજી કરીને ત્રણ વર્ષ પહેલાં તમને જક્કડ સાહેબના બંગલાના ઘરકામની મજુરી કરવા રખાવીને એના પાંચ સંતાનો પૈકી તમારો એકનો ભાર હળવો કર્યો હતો.
તમે તો ગેમલ ત્યારે ગામની ઘૂડી નિશાળમાં પહેલો નંબર જાળવી પાંચમા ધોરણમાં ભણતા હતાં. ભણતર છોડી, ગામ છોડી જવાની તમારી સહેજેય મરજી નહોતી, કે ન તો ભૂખમરા અને અભાવોથી અકાળે વૃઘ્ધ બની ગયેલી તમારી મા જસી તમને શહેરમાં મોકલવા માંગતી હતી. પણ ભૂખ આગળ ભણતર અને મા-બાપનો સ્નેહ પરાજિત થઇ ગયાં. વળી ઉદાર જક્કડ સાહેબે પનિયાને તમારી નોકરી માટે ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’ પણ આકર્ષક આપેલાં. એમના બંગલામાં જ તમારા ખાવાપીવા-રહેવાની સગવડ સાથે મહિને સો રૂપિયા પગાર, અને વધારામાં કપડાલત્તાં તેમ જ ચંપલ! એક સંતાનના પોષણની ચિંતા ટળવા સાથે મહિને સો રૂપિયાની આવક ઊભી થવી એ તો પનિયાને લોટરી લાગ્યા જેવું લાગેલું. એટલે તો પનિયો જ્યારે તમને જક્કડ સાહેબના બંગલે મૂકીને ગામ પાછો ગયો ત્યારે તમારા રડતા-સીસકતા માસુમ ચહેરાના આંસુઓ એને સહેજ પણ પીગળાવી નહોતાં શક્યા.
વકિલ ચક્રધર જક્કડ ને કોડી જેવી ભાવવિહીન આંખો ધરાવતી એમની નિઃસંતાન ભારેખમ પત્ની યામિની જક્કડ બંને ભયંકર ઉગ્ર મિજાજની વ્યક્તિઓ હતી. એટલે બંગલાના કોઇપણ કામકાજમાં તમારાથી સહેજ પણ કંઇક આધુપાછું થતાં એમની ગાળોભરી ચીસો અને મારનો પ્રસાદ દિવસમાં એકાદ વખત તો તમારા ભાગે આવતો જ ગેમલ. તમારા ખાવાપીવાની બાબતમાં અલબત્ત જક્કડ દંપતિ કંજુસ નહોતું, અને તમારા સિવાય બીજા બે નોકર પણ ઘરના કામ માટે આવતાં, જે અલબત્ત પોતાનું કામ કરીને ચાલી જતાં. એ હતાં. રસોયો અને કપડાં ધોવા આવતી બાઈ શાંતા. બાકી વાસણ માંજવાનું, આ આખાય વિશાળ બંગલામાં ઝાડુ-પોતાં કરવાનું, કપડું મારીને ફર્નિચર ચકચકિત રાખવાનું અને ઘરના બીજા અનેક પરચુરણ કામોનો હવાલો સિર્ફ તમને જ મળેલો હતો ગેમલ.
આખા દિવસના મારયુક્ત કામના થાકથી ચકનાચુર થઇને રાત્રે બાર-એક વાગ્યે જ્યારે તમે ઉંઘવા માટે બંગલાના કિચનમાં ગોદડી પર લંબાવતા ગેમલ, ત્યારે તમને તમારી ઝુંપડાવાસી પ્રેમાળ માની યાદ આવી જતી, જે રોજ રાતે તમારા કાળા ગુંચળિયા વાળમાં વ્હાલથી હાથ પસરાવીને તમને ઉંઘાડતી. માની યાદથી રોજ રાતે તમારી આંખો અને હૈયું બંને ભરાઈ આવતાં ગેમલ, ને તમને ગામ નાસી જવાનું મન થઈ આવતું. પણ તમારા બાપ પનિયાનો કરડો ચહેરો યાદ આવતાં તમે આંસુભર્યો કુમળો ચહેરો ગોદડીના ગાભામાં છુપાવી નિદ્રા-માતાના ખોળામાં સંતાઈ જતાં- સવારના પાંચના મળસ્કા સુધી.
જક્કડ સાહેબ તો આખો દિવસ કોર્ટમાં જ રહેતા ને જમવા માટે બપોરે એમનું ટિફીન જતું. યામિની શેઠાણી બપોરના ભોજન પછીની એક નાનકડી ઉંઘ ખેંચી લઈ, તમારી બનાવેલી ચ્હા પીને એમની કોઈ ફ્રેંડને ત્યાં, યા કોઈ સામાજિક સંસ્થામાં સેવા અર્થે કે પછી શોપિંગ માટે ચાલી જતાં ને મોડી સાંજે જક્કડ સાહેબના આવવાનો સમય થાય ત્યારે જ પાછા ફરતાં. એટલે એમની નમતી બપોરની વિદાય પછી, આખા બંગલાનો ચાર્જ તમારા એકલાનો જ રહેતો ગેમલ, ને શેઠાણીની ગેરહાજરીમાં ટી.વી. ચાલુ કરી તમે થોડા રીલેક્સ થઇ જતા. પણ આજે....
....પણ આજે બપોર પછીની યામિની શેઠાણીની વિદાય બાદ તમને એક બીજો જ વિચાર આવ્યો ગેમલ. માલિક-માલકિનની ગેરહાજરીમાં એમનાં બેડરૂમમાં એ.સી. ચાલુ કરી એમનાં જ રેશમી પોચા ડબલ-બેડમાં થોડીવાર લંબાવી દેવાનો વિચાર તમે હિંમત કરી એ વિચારનો અમલ પણ કરી દીધો ગેમલ. પરંતુ માના ખોળા જેવા એ મુલાયમ બેડમાં લંબાવતાની સાથે જ થાકથી ચકનાચુર થયેલું તમારૂં કુમળું કિશોર બદન ક્ષણવારમાં ગાઢ નિદ્રાના ખોળે જઈ પડ્યું. અને....
....અને તમે ઉંઘમાં હતાં ગેમલ એ દરમ્યાન જ યામિની શેઠાણીનું રોજ કરતાં વહેલાં ઘેર પુનરાગમન થઇ ગયું. કેમ કે એમને મોબાઈલ પર સમાચાર મળ્યા હતાં કે એમની ખાસ બહેનપણી નીમાના ચૌદ વર્ષના એકના એક વ્હાલસોયા દિકરા ઈશનું રોડ એક્સીડેન્ટમાં અચાનક અવસાન થઇ ગયું છે. તમારા જેવી જ મોં-કળા ધરાવતો ઈશ યામિની શેઠાણીને પણ એટલો જ વહાલો હતો ગેમલ. એટલે નીમાને ત્યાં જતા પહેલાં, શોપિંગના ઝાકઝમાળ વસ્ત્રો બદલીને સાદાં વસ્ત્રો ધારણ કરવા એ રોજ કરતાં વહેલાં પાછા ફરી ગયા, જ્યારે તમે એમના બેડરૂમમાં ઘસઘસાટ ઉંઘતા હતાં ગેમલ.
ગાઢ નિદ્રાએ તમને માલકિને વારંવાર વગાડેલી સંગીતી ડોરબેલ સંભળાવા ન દીધી ગેમલ, અને યામિની જક્કડ પોતાની પાસેની લેચ-કી વડે દ્વાર ઊઘાડી અંદર પ્રવેશી ગયા ને એમના બેડરૂમમાં એમના જ પલંગ પર તમને ઘસઘસાટ ઉંઘતા નિહાળી અચંબાથી એમની આંખો ફાટી ગઈ. આ દરમ્યાન તમારી ઉંઘ પણ સહેજ કાચી પડી હોવાથી શેઠાણીના બેડરૂમમાં પડી રહેલા ભારે પગલાંને તમારા કાન પારખી ગયા ગેમલ, ને હવે પછી આ ‘મહાઅપરાધ’ બદલ આવી પડનારા ગાળોભર્યા ઘાંટા અને તમાચાઓના ભયે તમારી ઉંઘને પૂરેપૂરી ઊડાડી દીધી. એ ભયની કંપારીએ જ શાયદ તમને આંખો પણ ખોલવા ન દીધી ગેમલ, અને તમે ‘ફીલ’ કર્યું કે યામિની જક્કડ હવે છેક તમારા ચહેરા પાસે આવીને ઊભા રહી ગયા છે, ને હવે ગમે તે ક્ષણે તમારા પર એમનો ક્રોધ વરસી પડશે. પણ.... આ શું?....
....તમારા બંધ આંખે લેટેલા માસુમ ચહેરાને નિહાળીને યામિની જક્કડને એમની બહેનપણી નીમાના આજે જ અકસ્માતે અવસાન પામેલા તમારા હમઉમ્ર દિકરા ઈશનું સ્મરણ થઈ આવ્યું ગેમલ, જે યામિની શેઠાણીને પણ એટલો જ વ્હાલો હતો. અને એમના હૈયામાં એકાએક વર્ષોથી સુષુપ્ત પડેલા અતૃપ્ત માતૃત્ત્વની ભરતી અચાનક ચડી આવી. કાચની કોડી જેવી એમની નિર્જીવ આંખો સ્નેહ-સમંદર બની ગઈ, અને એમણે વહાલપભરી મૃદુતા સહ તમારા કાળા ગુંચળિયા વાળમાં એમની રૂક્ષ હથેળી પસવારી, ને તમારા પર ઝુકીને તમારા કપાળ પર માતૃત્ત્વ નીતરતી એક હળવી ચુમી લઈ લેતાં એમના જાડા હોઠ મૃદુ સ્વરે ફરક્યાં,
‘‘બહુ ઉંઘ આવે છે દિકરા! સૂઈ રહે હોં! હમણાં તારા માટે ચ્હા બનાવીને પછી તને ઊઠાડું છું.’’
બંધ આંખે જાગતા પડેલા તમે ‘કાચની કોડી’માંથી વરસેલા આ જુદા જ ‘વરસાદ’થી આશ્ચર્યસ્તબ્ધ બની ગયા ગેમલ, ને તમારી બંધ આંખોના ખુણાઓ એ અચાનક સાંપડેલી માતૃસ્નેહવર્ષાથી ભીનાં બની ગયા. તમારા ચહેરામાં ઈશના દર્શનનું સ્મરણ થતાં અચાનક ફૂટી નીકળેલી માતૃત્ત્વની સરવાણીએ તમારી ઉગ્ર મિજાજ માલકિન યામિનીને મૈયા યશોદા બનાવી દીધી હતી ને એટલે શાયદ તમને ગેમલમાંથી ગોપાલ(કૃષ્ણ)....
(શીર્ષ સંવેદના ઃ હરીન્દ્ર દવે)
|