|
વિપ્લવ સાથે મેં ‘લવમેરેજ’ કર્યું હતું. દામ્પત્યજીવનના બે વર્ષ આનંદથી પસાર થઈ ગયાં.
એક દિવસ લજાતાં લજાતાં મેં કહ્યું, ‘વિપ્લવ, આપણા દામ્પત્યજીવનમાં સંતાનનું અવતરણ થવાનું છે.’
વિપ્લવે મને આલિંગનમાં જકડતાં કહ્યું, ‘સાક્ષી, આ સમાચારની તો હું પ્રતીક્ષા કરતો હતો.’
વિપ્લવના શબ્દોમાં ઉછળતો આનંદ હું અનુભવી શકી.
‘વિપ્લવ, મેં પુત્ર-પુત્રીનાં નામો પણ વિચારી લીધાં છે.’ મારા આનંદની કોઇ સીમા નહોતી.
‘સોનોગ્રાફી કરાવી લઇએ તો એક જ નામ વિચારવું પડે.’
‘સોનોગ્રાફી પર પ્રતિબંધ છે. મુક્તિ હોત તો પણ સોનોગ્રાફી કરાવવાના બદલે પુત્ર-પુત્રી જે પણ આવે એનો આપણે સરપ્રાઇઝ આનંદ ઉજવવો છે. એટલે જ બે નામો વિચાર્યાં છે. રાશિ આવે કે ન આવે વિચારેલાં નામોમાંથી જ પાડીશું. તારી સંમતિ છે ને?’
‘તારો અધિકાર સ્વીકારું છું. કયાં કયાં નામો વિચાર્યાં છે?’
‘પુત્ર આવે તો વેદાન્ત અને પુત્રી આવે તો વૈખરી નામ પાડીશું. કેવાં લાગ્યાં નામો?’
‘અર્થપૂર્ણ છે. નામો માત્ર નવાં જ નહીં, ભાવવાહી- અર્થપૂર્ણ હોવાં જોઇએ એમ માનું છું.’
સમય વહેવા લાગ્યો-
થોડા સમયમાં જ મેં અનુભવ્યું કે, વિપ્લવની આંગળી હવે બરાબર સાત વાગ્યે ડૉરબેલ પર દબાતી નથી. વિપ્લવની આવન-જાવન અનિયમિત બની ગઇ છે. ખૂબ ઓછું બોલે છે. મૂંઝાયેલો મૂંઝાયેલો રહે છે.
હું વિપ્લવના વાંકડિયા વાળમાં આંગળી ઘસી વહાલથી પૂછતી ત્યારે વિપ્લવ ઉડાવ જવાબ આપતો, ‘ઑફિસમાં ખૂબ કામ રહે છે.’
વિપ્લવના ઉત્તરથી મને સંતોષ ન થતો. મારા મનમાં શંકાનો કીડો સળવળી ઊઠતો, ‘મેં માતૃત્વ ધાવણ કર્યું છે એ વાત જાણ્યા પછી થોડા જ સમયમાં વિપ્લવની ચાહતમાં ઓટ આવી ગયેલી અનુભવાય છે. ઓફિસની કોઇ સુંદર તિતલી એની નજરમાં વસી ગઇ હશે? જોકે, આજપર્યંત વિપ્લવે શંકાની કોઇ ભૂમિકા પૂરી પાડી નથી. તો પછી?’
હું મૂંઝવણ અનુભવવા લાગી, ‘વિપ્લવના વર્તનમાં બદલાવ કેમ આવ્યો છે?’
પછી તો મને નનામા પત્રો મળવા લાગ્યા, ‘તમારો પતિ એની ઓફિસમાં કામ કરતી એક ખૂબસૂરત યુવતી સાથે રખડે છે.’
મારી અસ્વસ્થતાની પરાકાષ્ઠાએ વિપ્લવનો એક સમયનો મિત્ર અને સર્વિસ છોડી બિઝનેસમેન બની ગયેલો તરંગ એક બપોરે ઘેર આવ્યો. ઘણા સમયે તરંગને જોઇ મને આશ્ચર્ય થયું. મેં તેને આવકાર્યો, ‘આવો, ઘણા સમયે?’ વિપ્લવના એક સમયના મિત્ર તરીકે તરંગને ઓળખતી હતી.
‘વિપ્લવે તો સંબંધો સાવ છોડી દીધા છે, છતાં તમને ચેતવવા આવ્યો છું.’ તરંગે કહ્યું.
‘એટલે?’ મારા મનમાં ધ્રાસ્કો પડ્યો, ‘મારી શંકાના અનુસંધાનમાં કોઇ વાત હશે?’
‘સાક્ષીભાભી, એની ઑફિસમાં જોડાયેલી એક યુવાન અને સુંદર યુવતી સાથે વિપ્લવ રખડે છે. તમારા પ્રત્યે માન હોવાથી, તમારું દામ્પત્યજીવન ભયમાં લાગતાં મેં એને ઠપકો આપ્યો. ત્યારે એણે મારું હડહડતું અપમાન કર્યું, ‘સ્ૈહગ ર્એિર્ ુહ મ્ેજૈહીજજ. ર્ઘ ર્એિર્ ુહર્ ુિં ચહગ ન્ીા સી ર્ગ સઅર્ ુિં.’ તમારું ઘ્યાન દોરું છું. મારું નામ દીધા વગર તપાસ કરશો તો હકીકત સમજાઇ જશે. મારી જરૂર પડે તો આ મારું કાર્ડ છે. ફ્લેટ છોડી વરસોવા દરિયાકિનારે બંગલામાં રહેવા જતો રહ્યો છું. બાય...’
પછી તો વિપ્લવ વિશે માહિતી મેળવવા હું બપોરે તરંગને મળવા લાગી. તરંગ માહિતી આપતો, ‘વિપ્લવને ચોપાટી પર જોયો, હોટલમાં જોયો, યુવતીના ફ્લેટ પર જોયો. તમારા હિત માટે મેં વિપ્લવની ચોકી કરવા માંડી છે.’
હું તરંગની નજીક આવવા લાગી. તરંગ પણ સંબંધો આત્મીય બનતાં ‘સાક્ષીભાભી’ પરથી ‘સાક્ષી’ સંબોધન પર આવી ગયો. મને અજુગતું લાગતું નહોતું. જોકે, હું ‘તરંગભાઈ’ જ કહેતી હતી.
એક દિવસ બપોરે હું તરંગના વરસોવાના બંગલાના ભવ્ય-કલાત્મક ‘ડ્રોઇંગરૂમ’માં બેઠી હતી. તરંગે ગંભીર વાત કહેવા મને બોલાવી હતી.
‘સાક્ષી, તને આઘાત પહોંચાડવો પડશે, પણ આઈ એમ સોરી ટુ સે, વિપ્લવ તમારી સાથે ડિવૉર્સ લઇ, એ યુવતીને પરણવાનો છે.’
‘શું?’ હું ઘૂ્રજી ઊઠી- રડી પડી.
તરંગે મારી પીઠ પસરાવતાં કહ્યું, ‘સાક્ષી; એક બેવફા માટે જીવન શા માટે વેડફે છે? શું ખામી છે તારામાં? આટલી સુંદર પત્નીને છોડી ઑફિસગર્લ સાથે રઝળે છે?’
‘તો શું કરું?’ હું રડું રડું બની ગઇ.
‘હિંમત હોય તો છોડી દે વિપ્લવને. હું તને મારા બિઝનેસમાં ટોપ પોઝિશન પર મારી પી.એ. તરીકે સ્થાન આપીશ.’
‘પણ હું વિપ્લવના સંતાનની મા બનનાર છું. ત્રણ મહિનાનું પેટ લઇને ફરું છું એનું શું? માતૃત્વ સ્ત્રીની મોટામાં મોટી મજબૂરી છે.’
‘સાક્ષી, યાદ છે હું તને ચાહતો હતો, તું વિપ્લવને ચાહતી હતી. હજુ પણ હું તને એટલી જ ઉત્કટતાથી ચાહું છું એટલે જ તો કોઇ યુવતી જચતી જ નથી. સાક્ષી, તું મારો સ્વીકાર કરવા તૈયાર હોય તો હું તારો આવનાર સંતાન સાથે સ્વીકાર કરવા તૈયાર છું. વિપ્લવ તને ડિવૉર્સ આપે તો મારી તૈયારી છે.’
‘વિપ્લવ, મને શું ડિવૉર્સ આપવાનો છે? હું જ એને ડિવૉર્સ આપી બતાવી દઇશ કે, સ્વતંત્રતા માત્ર પુરુષોનો જ ઈજારો નથી.’ સ્ત્રીત્વ ઘવાતાં મને ઝનૂન ચડ્યું હતું.
‘તો હું શું સમજું?’ તરંગે મારો હાથ લઇ પંપાળ્યો.
‘કાલે બપોરે હું જવાબ લઇને તારે બંગલે હાજર થઇ જઇશ.’
‘તો પછી કાલે તું આવે એટલે કારમાં આપણે માથેરાન જતાં રહીને ભવિષ્યનું આયોજન કરીશું. બરાબર?’
‘બરાબર.’
હું ઘેર આવી. બરાબર સાત વાગ્યે ડોરબેલની સ્વિચ દબાઇ. મારા આશ્ચર્ય વચ્ચે વિપ્લવ હતો. ચહેરો સ્મિતથી ઝળહળતો હતો. તેને જોઇ મને લાગ્યું, પહેલાંનો વિપ્લવ પાછો ફર્યો છે.
હું કાંઇ પૂછું તે પહેલાં વિપ્લવ મારો હાથ પકડી બાલ્કનીમાં દોરી ગયો, ‘સાક્ષી, મારા હાથે એક પુણ્યકાર્ય થયું છે. એની યશભાગી તું પણ છે.’
‘એટલે?’ મને વિપ્લવનું વર્તન સમજાતું નહોતું.
‘સાક્ષી, એક યુવતી પ્રેમમાં હતાશ થઇ, બરબાદ થઇ અમારી ઑફિસમાં જોડાઇ હતી. તેની વાત જાણી મેં તેનામાં જીવન પ્રત્યેનો ઉત્સાહ જન્માવ્યો. એનું નામ અસ્તિ છે. મારા એક મિત્ર સંકેત સાથે એનાં લગ્ન નક્કી કરી નાખ્યા છે. બે દિવસ પછી ભાઇ-ભાભી તરીકે આપણે કન્યાદાન કરવાનું છે. ભર યૌવનમાં કન્યાદાનનો લહાવો ભાગ્યે જ મળે છે. થોડો સમય તારાથી દૂર રહ્યો તે બદલ દિલગીર છું. મને તારા પર ગર્વ છે કે તેં મારા પર શ્રદ્ધા રાખી. બીજી કોઇ હોત તો મને શંકાની નજરે જોવા પ્રેરાત. આ પુણ્ય કાર્યનો યશ તારી ધીરજને અને શ્રદ્ધાને જાય છે. અને સાક્ષી, જાણે છે, અસ્તિનું જીવન બરબાદ કરનાર તરંગ છે. લગ્નની આશા આપી, એનું શોષણ કરી, એને તરછોડી દીધી હતી. મેં યોગ્ય કર્યું ને?’ વિપ્લવ ઉત્સાહથી સડસડાટ બોલી ગયો.
‘વિપ્લવ ખુલાસો કરવામાં એક દિવસ મોડો પડ્યો હોત તો? જીવનમાં હું કેટલી મોડી પડત. અસ્તિનું જીવન બરબાદ કરનાર તરંગ મારું જીવન પણ બરબાદ કરી નાખત. હું ક્યાંયની ય ન રહેત.’ મને તરંગ પર, વિશેષ તો મારી જાત પર ગુસ્સો ચડ્યો.
મારી આંખો ભીની બની.
‘સાક્ષી, આ શું? હજુ કન્યાવિદાયને વાર છે.’ વિપ્લવ મારી સામે ટગર ટગર જોઇ હળવાશથી બોલ્યો, ‘અત્યારથી અશ્રુઓ નીચોવી નાખીશ તો પ્રસંગે શું કરીશ? અશ્રુઓ વેચાતાં નથી મળતંા.’
મેં નજર ઝૂકાવી દીધી.
‘સાક્ષી, તને આનંદ ન થયો મારી વાત સાંભળીને?’
‘ખૂબ આનંદ થયો, પણ....’
‘શી વાત છે?’
મેં વિપ્લવને નનામા ફોન- પત્રો, શંકાશીલ માનસ, તરંગની લીધેલી સહાયની રજેરજ વાત કરી દીધી, ‘વિપ્લવ, હું તમારી શ્રદ્ધાને લાયક નથી. એક દિવસ મોડું થયું હોત તો?’
મારી આંખો ભીની બની.
‘તારી લાયકાત મને નક્કી કરવા દે. નનામા પત્રો- ફોન અને તારા મનમાં પૂર્વગ્રહ ઊભો કરવાનું તરંગનું કાવતરું સમજી શકું છું. જે નથી બન્યું એની કલ્પના કરી દુઃખી થઇ, મને દુઃખી કરીશ નહીં. ચાલ, હસીને વાત કર. મને રોતલ સાક્ષી પસંદ નથી.’
‘તો તમે મને માફ કરી?’
‘હા, એક શરતે.’
‘કઇ શરત?’
‘તું તરંગને ફોન કરી દે કે, કાલે બપોરે હું અને વિપ્લવ માથેરાન આવીએ છીએ. મઝા આવશે.’
હું હસી પડી. મેં તરંગને ફોન જોડ્યો, ‘તરંગ, તારા અસલ સ્વરૂપનો ખ્યાલ આવી ગયો છે. અસ્તિનું જીવન તેં બરબાદ કર્યું છે. મારું જીવન બરબાદ કરવાની અણી પર હતો. વિપ્લવે મને સમયસર બચાવી લીધી છે. વિપ્લવે તો અસ્તિનું બરબાદ જીવન આબાદ કર્યું છે. હવે તું કહે તો હું અને વિપ્લવ નક્કી કર્યા મુજબ કાલે બપોરે માથેરાન જવા તારા બંગલે આવી જઇએ? કેમ ચૂપ છે? હવે મળવાનો પ્રયત્ન કર્યો છે તો તારો ગાલ અને મારો સેન્ડલ હશે.’
સાક્ષીએ ફોન મૂકી દીધો.
‘શું કહ્યું?’ વિપ્લવે પૂછ્યું.
‘ફોન કાપી નાખ્યો.’ સાક્ષીએ કહ્યું.
‘કપાયેલા સંબંધોનું ફોન તો પ્રતીક માત્ર છે.’ વિપ્લવે કહ્યું.
સાક્ષી હસી પડી. સાક્ષીના હાસ્યમાં વિપ્લવે હાસ્ય પરોવ્યું.
|