| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
|
 |
|
તમે શ્રાવણ મહિનામાં મંદિરે જાવ છો ? |
જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ
|
|
‘આ શ્રાવણ મહિનો ચાલે છે...’
‘એમ ? મારા મનમાં કે ઑગસ્ટ ચાલે છે.’
‘આપણા દેશી મહિનાની વાત કરૂં છું...તમને મંદિરે આવવાનું ફાવશે ?’
‘તું એવા અઘરા અઘરા સવાલ ના પૂછ.’ મેં પત્નીને કહ્યું.
‘ત્યારે સહેલો સવાલ પૂછું ? મહાદેવને આપણે ઘેર બોલાવીએ તો ? તમારે કશી તકલીફ જ નહિ !’ પત્નીએ કટાક્ષમાં કહ્યું.
શ્રાવણ મહિનામાં અમારે રોજ આવી ચડભડ ચાલ્યા કરતી. એક તો હું અંગ્રેજી માઘ્યમવાળો માણસ. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના મહિના કડકડાટ બોલી જઊં, પણ ગુજરાતી મહિના ? તોબા તોબા ? અને પછી એમાં તિથિઓની ગરબડ, તિથિઓને ક્ષય રોગ લાગુ પડી જાય. કોઈવાર બે અગિયારસ કે બે બારસ હોય. વરસમાં ક્યારેક તેર મહિનાય થાય. મારા અંગ્રેજી ડિસિપ્લીનવાળા મગજમાં ગરબડ ગોટાળા જ થાય.
પત્ની કટાક્ષમાં કહે ઃ ‘અને અંગ્રેજી મહિનાના ગોટાળા કેમ ગળે ઊતરી જાય છે ?’
એક મહિનો ત્રીસનો તો બીજો એકત્રીસનો. એમાં વળી ફેબુ્રઆરી ફુલફશકિયો કોઇ મહિનાને ગાંઠે નહિ. ધડામાં અઠાવીસ દિવસ, વળી ક્યારેક ઓગણત્રીસ. એ ગરબડ તમને યાદ રહે છે. તમારા જેવાએ તો ઈંગ્લેન્ડ-અમેરિકામાં જન્મ લેવા જેવો હતો !
પત્નીએ મને સૂપડામાં ઘઊં ઝાટકે તેમ ઝાટકવા માંડ્યો એટલે મેં વાત બદલી.
‘‘અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. એમ ને ? એટલે મહિલાઓની પુણ્ય કમાઈ લેવાની દોડધામ.’’
‘સારૂ. હવે વાત ઉડાડવાને બદલે મુદ્દાની વાત કરો. શ્રાવણ મહિનો એટલે મહાદેવનો મહિમા રોજ મંદિરે જવું જોઈએ...’
‘રોજ ? મંદિરે ? ના, હોં મને નહિ ફાવે.’
‘સારૂં ત્યારે ઘેર બેસી રહો. હું મંદિરે જઈ આવું. ઓફિસનો ટાઇમ થઈ જાય, મારે મોડું થઈ જાય તો ભાખરી શેકી રાખી છે શાક પણ છે ખાઈ લેજો.’
અને પત્નીને હું સોસાયટીની બીજી બહેનપણીઓ સાથે જાત્રાએ જતી હોય તેમ જતી જોઈ રહ્યો.
એક દિવસ એક ભાઈને ત્યાં હું ગયો હતો. એમને મેં વાતવાતમાં પૂછ્યું, ‘‘તમે શ્રાવણ મહિનામાં શું કરો છો ?’’
‘ભૂખે મરૂં છું.’
‘કેમ ?’
‘ત્યારે શું ? વાઈફ સવાર સવારની મંદિરે જવા નીકળી પડે...બાર વાગી જાય...સાથે મારા પણ જે કાંઇ રાંધી મૂક્યું હોય તે લુસલુસ ખાઈ લેવાનું....શ્રાવણ મહિનો મહિલાઓ માટે માસ હિસ્ટિરિયાનો મહિનો છે. ભક્તિનું ય, નદીમાં જેમ ઘોડા પૂર આવે તેવું પૂર આવે છે.’
એકવાર રસ્તામાં એક અપટુડેટ યુવાન મળી ગયા. મારો તેમના પપ્પા સાથે જૂનો સંબંધ. મેં એમને કારમાં લિફટ આપી એ ખુશ થઈ ગયા.
મને કહે ઃ ‘પપ્પા ય સાવ માથે પડ્યા છે. હું અમેરિકાથી આવ્યો છું. પણ એક કાર પણ વસાવી રાખી નથી. પૈસા તો અવારનવાર મોકલું છું.’
‘હશે હવે. બધા પપ્પાઓ એવા જ હોય છે. પણ તમે આમ ક્યાં મંદિર તરફ જતા હતા ? મહાદેવના દર્શન કરવા ?’
‘કેમ ? દર્શન ? શેને માટે ?’
‘આ શ્રાવણ મહિનો ચાલે છે ને ! મને થયું કે તમે કદાચ...’
મારૂં વાક્ય પૂરૂં થાય તે પહેલાં જ તે તતડી ઊઠ્યા ઃ ‘અહીં હું છોકરી શોધવા આવ્યો છું. ચાર પાંચ તો જોઇ નાખી. ભગવાનનાં દર્શન કરવાનો ટાઇમ જ ક્યાં છે ? છોકરી પસંદગીની મળશે, તો અમે સાથે મહાદેવનાં દર્શન કરી આવીશું. પણ તમને પૂછું આ શ્રાવણ મહિનો ચાલે છે ?’
‘હાજી.’ મેં હસતા હસતા કહ્યું.
‘અમેરિકા ગયા પછી ગુજરાતી મહિના ય તે ભૂલી ગયા હતાં.’
અગિયારસને દિવસે એક મિત્રને ઘેર જવાનું થયું. એ અને હું એકવાર સાથે નોકરીમાં હતા. તેમણે મને ફોન કર્યો હતો. ‘યાર, નવરો છું. આવજે. જરા ગપ્પાં મારીશું.’
મારા મનમાં શ્રાવણ મહિનો ઘુમરાયા કરતો હતો. એટલે મેં તક મળતાં જ તેને પૂછ્યું ઃ ‘‘અલ્યા રસિક ! શ્રાવણ મહિનામાં મંદિરે જાય છે ખરો કે ?’’
‘ના. મારી પત્ની જાય છે ને એ મારી વતી ભગવાનને ભજી લે છે.’
‘તું ય કમાલ છે ! દર્શન કરવામાં ‘પ્રોક્ષી’ ચાલતી હશે ?’
‘બઘું ય ચાલે. આપણા મહારાજો, પુરોહિતો આપણી વતી જ ભગવાનની પૂજા કરે છે. જાપ કરે છે, કથા કરે છે. એ પ્રોક્ષી નહિ તો બીજાું શું ?’
મને થયું, રસિકડો ય જબરો નીકળ્યો. દર્શન કરવામાં ય પ્રોક્ષી ? મને કહે ઃ ‘પત્ની અર્ધાંગના જ કહેવાય છે ને ! એટલે એના પુણ્યમાં મને ય અર્ધો ભાગ મળેને !’
‘ખરો મફતિયો ! મેં ટીકા કરી ઃ ‘પત્નીના પુણ્યમાં ભાગ પડાવનારો તું ય ખરો.’’
મારી ઓફિસમાં એક ભાઈ દાઢી વધારીને આવતા હતા. મને થયું કે એ નક્કી શ્રાવણ મહિનો કરતા હશે. મહાદેવનાં દર્શને જતા હશે. મેં એમને પૂછ્યું ઃ ‘ત્રિવેદી’ તમે તો શ્રાવણ મહિનામાં રોજ દર્શન કરવા જતા હશો. ખાસી દાઢી વધારી છે ને !
‘ના એવું નથી. મારી વાઇફને મંદિરનો બહુ ક્રેઝ છે. મને બહુ દબાણ કરે. શ્રાવણ મહિનો છે. મંદિરે રોજ આવો અગિયારસ આઠમે ઉપવાસ કરો...’
મેં કહ્યું...‘‘જો એવું અધરૂં અધરૂં મને નહિ ફાવે. મંદિરમાં એકવાર મારા જોડા ગયા હતા. બીજી વાર છત્રી ગઈ હતી. ત્રીજીવાર ભૂલમાં કોઈ ના બૂટ પહેરી આવ્યો હતો. પત્નીએ તરત ફેંકાવી દીધા ઃ ‘પારકી પનોતી ક્યાં લઈ આવ્યા ?’’
પત્નીએ આગ્રહ કર્યો ઃ ‘શ્રાવણ મહિનામાં કંઇક તો કરો !’
મેં સહેલામાં સહેલો રસ્તો પસંદ કર્યો. મેં કહ્યું ઃ ‘હું દાઢી વધારીશ, બસ ?’
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
| |