|
* સાચો ધર્મ કોને કહેવાય ? અન્યાય સામે લડવાનું શીખવે તે કે સહન કરવાનું શીખવે તે ?
પ્રશ્નકર્તા ઃ ભાવસાર કનૈયાલાલ હરિભાઈ, અંબાજી માતાનું ચાચરૂ, ભાવસાર ઓળ, મુ. વડનગર
ધર્મનું એક પાયાનું તત્વ તે નિર્ભયતા. ધર્મનિષ્ઠ વ્યક્તિ કાયર ન હોઈ શકે. ધર્મની બીજી લાક્ષણિકતા એ પણ ખરી કે સાચી ધર્મભાવનાને વરેલી વ્યક્તિ અન્યાય કરશે પણ નહીં અને અન્યાય સાંખશે પણ નહીં. જો વ્યક્તિને અન્યાય સામે ઝુકવું જ ન હોય તો અન્યાયના વિરોધ માટે લડવું અનિવાર્ય છે. લડવાનો અર્થ તાત્કાલિક તલવાર કે બંદૂક લઈને દુરાચારી પર તૂટી પડવું - એવો સીમિત અર્થ ન જ ઘટાવી શકાય. આત્મબળ દ્વારા અણનમ સામેની વ્યક્તિના અન્યાયપૂર્ણ વર્તનનો વિરોધ સત્યને વળગી રહીને કરવાનું મનોબળ ટકાવી રાખવું એ પણ લડવાનો એક માર્ગ છે, જેને આપણે ‘ગાંધીમાર્ગ’ તરીકે નવાજીએ છીએ. એમાંથી ઉચિત સહનશીલતાની બાદબાકી ન જ થઈ શકે !
મહાવીર સ્વામી જેવા અહિંસાની ચરમસીમાને મહત્ત્વ આપનાર સહનશીલતા મહત્ત્વ આપતા રહ્યા પણ ‘મહાવીર’ બનીને. કાયર બનીને નહીં. વીરત્વ દ્વારા સહનશીલતાને પ્રયોજીને દુરાચારીને સન્માર્ગે લાવવામાં શ્રઘ્ધાશીલ રહેવું એ પણ ધર્મનું ઉદાત્ત સ્વરૂપ જ છે.
પણ અન્યાયી અન્યાય દ્વારા વ્યાપક સમાજહિતને, દેશ-દુનિયાને, માનવજાતને નુકસાન પહોંચાડવામાં લેશમાત્ર કચાશ ન દાખવે એ અન્યાયોની પરંપરા ચાલુ રાખે ત્યારે અન્યાય સહન કરવાનું બંધકરી એવા ‘અતતાયી’ને પાઠ ભણાવવો, એ પણ ધર્મકાર્ય છે. એમ ન થાય તો રાવણ, દુર્યોધનો, શકુનીઓ, જરાસંઘો, કંસોની સંખ્યા વધતી જાય અને શેતાનિયતને પ્રોત્સાહન મળે અને સજ્જનો અકારણ દંડાતા રહે. એવા સંજોગોમાં દુષ્ટોના દલન માટે લડવું-યુદ્ધ કરવું એ પણ ધર્મનું અનિવાર્ય-આવકાર્ય તત્ત્વ છે.
એટલે ધર્મના સિઘ્ધાંતને જડતાપૂર્વક વળગી ન રહેવાય, સમય-સંજોગો અને અનિવાર્ય આવશ્યકતા ઘ્યાનમાં લઈ શુદ્ધ હૃદયથી ઉચિત વર્તન કરવું એ ધર્મ છે. એટલે જ ધર્મમાં ‘વિવેક’નું મહત્ત્વ છે. ક્યારે શું કરવું અને ક્યારે શું નથીકરવા જેવું એનો ઉંડો વિચાર કરી જે સમયે જે કર્તવ્ય દેખાય તેનો પ્રયોગ કરવો જોઈએ. ક્યારેક અહિંસાથી શુભ પરિણામ પ્રાપ્ત થાય તો ક્યારેક હિંસાનો સહારો લઈને પણ માનવતાને જિવાડવાની પરિસ્થિતિ સામે આવીને ઊભી રહે. મહાવીર સ્વામીએ કહ્યું છે તેમ ધર્મના બે રૂપો છે. તત્ત્વજ્ઞાન અને નૈતિક આચરણ. નૈતિક આચરણ વગરનું તત્ત્વજ્ઞાન પાંગળું જ મનાય, કારણ કે તત્ત્વજ્ઞાન આત્મજાગૃતિ અને આત્મબળની વૃદ્ધિ માટે છે, નિષ્ક્રિય બનવા માટે નહીં.
મહાત્મા ગાંધીજીએ ધર્મનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે તેમ જે વસ્તુથી વિકાર દૂર કરી શકાય, રાગ-દ્વેષ ઘટાડીશકાય, જે વસ્તુના ઉપયોગથી શૂળી પર ચઢવાની ઘટના વખતે જ મન સત્યનેે વળગી રહે, એ જ ધર્મનો બોધ છે. કોઈપણ ધર્મ , ધર્મોપદેશક, સંત કે મહાપુરૂષે અન્યાય અને અત્યાચારને સહન કરી લેવાની વાતને મહત્ત્વ આપ્યું જ નથી. અન્યાય સહેવો એ કેવળ વ્યક્તિગત પ્રશ્ન નથી, પણ સામાજિક પ્રશ્ન પણ છે. જેમ-જેમ અન્યાયનો ચૂપચાપ સ્વીકાર કરવાની નામર્દાનગી સમાજના - દેશના લોકોમાં વધતી જાય, તેમ તેમ અન્યાય કરનારાઓ, અત્યાચાર આચરનારાઓ, જુલ્મીઓ, શોષકો અને શેતાનોની સંખ્યા વધતી જાય. પરિણામે અસામાજિક તત્ત્વોને પ્રોત્સાહન મળે અને અરાજકતા વધતી જાય. સરવાળે ન્યાય, વ્યવસ્થા, શાન્તિના પાયા ધરમૂળથી ડગી જાય.
એટલે જે જ્યાં ઊભો છે, ત્યાં તેણે અટગ-અડગ-અમલ રહી અન્યાયનો પ્રબળ વિરોધ કરવો જ જોઈએ. અન્યાય સહન કરવો એ પ્રકારાન્તરે જાતને અન્યાય કરવા સમાન છે, કારણ કે તમે તમારા હક અને હિતને નુકસાન પહોંચાડવાનો માર્ગ અન્યાયી-અત્યાચારીને મોકળો કરી આપો છો પરિણામે એનામાં વઘુ બહેકવાની ચળ ઉપડે છે.
માણસે મનુષ્યદેહની મરણશીલતા સ્મરણમાં રાખીને સદ્વર્તનમાંથી ક્યારેય વિચલિત ન થવું જોઈએ. પણ એનો અર્થ એ પણ નથી કે મોતના ભયથી ચૂપચાપ અન્યાય સહન કરતા રહેવું. જેઓ સત્યને કાજે શત્રુ સામે ઝુક્યા નથી, જેઓ મોત સામે દેખાતું હોય છતાં અન્યાયનો વિરોધ કરવાનું ચૂક્યા નથી, જેમણે પોતે એકલા છે માટે પામર છે, એવું વિચારી અન્યાયકર્તા કે જૂલ્મીની શરણાગતિ સ્વીકારી નથી, જેમણે સ્વાર્થ ખાતર સત્યનો વધ કરવાનું જધન્ય કૃત્ય કરવામાં ક્યારેય રસ કે ઉત્સુકતા દાખવી નથી, તેઓ ગમે તેવું પરિણામ ભોગવવા તૈયાર રહે છે અને અન્યાયીને વશ થતા નથી !
ધર્મનું તત્વ ગૂઢ છે પણ અંતરાત્માનો અવાજ માણસ માટે માર્ગદર્શક છે. એક અવાજ સાંભળો તો તમને ઉચિત માર્ગદર્શન પ્રાપ્ત થવાનું જ છે. મતલબ કે ક્યારે સત્ય ખાતર લડવું અને ક્યારેક સત્યના બળથી પ્રેરિત થઈ સહનશીલતા દાખવવી એ માટેનું કુદરતી માર્ગદર્શન તમને મળવાનું જ છે. સિવાય કે તમે મોહગ્રસ્ત બનો, કાયર બનો, અને યોગ્ય ક્ષણે યોગ્ય નિર્ણય કરવામાં બોદા પૂરવાર થાઓ.
હા, અહીં વિમલ મિત્રે ‘ગવાહ’માં કહેલી વાત પણ વિચારણીય છે. ક્યારેય માણસે અત્યંત લાચાર સ્થિતિમાં અન્યાય આગળ નમતું જોખવું પડે છે. જેમ કે અભાવમાં, ગરીબીમાં, દુઃખમાં, પરેશાનીમાં, માણસ જે કાંઈ કરે છે તેને ઘ્યાનમાં લઈ તે માણસનું મૂલ્યાંકન ન કરવું જોઈએ, તે રીતે તેનું મૂલ્યાંકન કરીએ તો તે માણસ પ્રત્યે આપણો અન્યાય છે.
નીતિવાક્યામૃતે એક માર્મિક ટકોર કરી છે. જો થાળી જ ભોજનને ઝાપટી જાય તો ખાનાર શું ખાશે ?
ધર્મ જરૂર પડે લડવાનું અને જરૂર પડે કાયરતા દેખાડ્યા સિવાય સહન કરવાનું - બન્ને શીખવે છે. વિવેક માણસે દાખવવાનો છે ! મહાકવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો ઉચિત સમયે આરંભેલી નીતિ અવશ્ય ફળદાયક હોય છે. પરંતુ શ્યામનારાયણ પાંડેની એ વાત પણ ઘ્યાનમાં લેવી જ રહી કે -
‘‘જો હૈં અધર્મી નીચ ઉનકો,
દંડ દેના ધર્મ હૈ,
દુષ્કર્મ-નિરતોં કો ક્ષમા,
કરના મહા દુષ્કર્મ હૈ.’’
|