|
ભાઈ દુઃખી છે.
સાથે હતા, સાથી હતા તે છૂટા પડ્યા છે.
છૂટા પડવામાં દુઃખ તો હોય. વર્ષનો સાથ હોય. સંગાથ હોય. અનેક ખટમઘુરાં સ્મરણ હોય. એટલે દુઃખ તો થાય. સ્વાભાવિક જ છે.
પણ, છૂટા પડ્યા ને છૂટા કર્યામાં ફેર છે. છૂટા પડવા કે છૂટા થવામાં બંનેની સંમતિ છે. સ્થિતિનો સ્વીકાર છે. છૂટા કર્યામાં એકની ઇચ્છા-અનિચ્છાની અવગણના છે. એકની ઈચ્છા-અનિચ્છા જ આદેશ બની છે. ક્યારેક અકસ્માતે તો ક્યારેક સ્વેચ્છાએ છૂટા પડવું પડે. સ્થિતિ-સંજોગ જ એવા નિર્માણ થાય કે છૂટા થવું પડે. પણ, અહીં કટૂતાનું પ્રમાણ એટલું તીવ્ર નથી હોતું, જેટલું છૂટા કરવામાં અનુભવાય છે. અહીં છૂટા કરનારનો વિજય અને છૂટા કર્યા હોય એની હાર સ્પષ્ટ થાય છે. સકારણ હોય કે અકારણ, વાંકસર હોય કે વગર વાંકે, છૂટા કર્યા હોવાનો રંજ જતો નથી. પોતાની વાત કહેવાની તક ન મળ્યાનો ય વસવસો હોય છે. પોતાની તરફથી સ્પષ્ટતા કરવાની તક ન મળ્યાનો રંજ હોય છે ને આ વસવસો કે રંજ દુઃખમાં પરિણમે છે.
ભાઈ હાલ દુઃખી છે અને પૂરી સંભાવના છે કે કાલ ક્રોધમાં હશે. દુઃખ પછીની માનસિકતા પશ્ચાતાપની નથી, ક્રોધની છે. ક્રોધ સ્વબચાવ કરે છે, બનેલી ઘટનામાં નિર્દોષ જાહેર કરતો ચૂકાદો આપે છે. સામેનાને સજા આપે છે. ક્રોધ કરે તો સ્પષ્ટતા કરવાની રહેતી નથી. પોતાનો કોઈ વાંક ગૂનો હતો કે કેમ એવી ચર્ચા કરવાની રહેતી નથી. સીધો ચૂકાદો જ અપાય છે. ક્રોધીને ક્રોધનું કારણ કોઇ નથી પૂછતું. શાંત પાડવા થોડાક જણ પ્રયાસ કરે છે. પણ ક્રોધ કરનાર જાણે છે કે ક્રોધ જ અત્યારે બચાવે એમ છે, એટલે એ શાંત પડવા માંગતા નથી. હવે આક્રમણ જ આત્મરક્ષણની રીત બને છે.
ભાઈને જ્યાંથી છૂટા કર્યાનું દુઃખ છે એ સ્થાન, એ સંસ્થા, એ સાથીઓ સાથે વર્ષોનું અનુસંધાન છે. એમાં એમનું યોગદાન છે. એ સ્થાનની રૂએ જે અહંકાર એ અનુભવતા હતા એ સાધિકાર હતો. અહીં એમને પોતે વપરાયાનું, છેતરાયાનું, વિશ્વાસઘાતનું દુઃખ વિશેષ હતું. એમનો પ્રતિભા કૈં એક જ સ્થાન કે સાથીઓ પૂરતી સીમિત રહે તેવી નથી. એ તો બીજા સ્થળે ને નવા સંગાથીઓને પણ આ પ્રતિભાના બળે ઝળકાવી શકે એવા છે. અને ઝળકાવશે જ. હવે તો બમણા વેગે ઝળકાવશે પણ તો ય, મનમાં એક ખટક તો રહેશે જ, છૂટા કર્યાની છેતરાયાની, વપરાયાની વિશ્વાસઘાતની.
દુઃખને ક્રોધમાં પરિણામે એવું એક અન્ય કારણ પણ એમની જાણમાં આવ્યું હતું. ભાઈને જેમનો વિરોધ હતો, જે વિરોધમાં એ સહુ સાથી સંગાથી હતા, એમની જ સાથે હવે એ સહુ બેસી ગયા હતા - ને ભાઈ એકલા પડી ગયા હતાં.
ભાઈની ચિંતા સાવ અસ્થાને પણ નહોતી. એ સહુ હવે જે કૈં થયું તે ખોટું થયું હતું ને એ માટે એ જવાબદાર નહોતા, માત્ર પેલા ભાઈ જ જવાબદાર હતા એવું સ્પષ્ટ કહેતા હતા. એ કહેનારા પણ ખોટા તો નહોતા જ. જ્યારે સાથે હતા ત્યારે આ ભાઈને જ કેટલાય એવા નિર્ણયો લીધેલા ને લેવડાવેલા, સ્વીકારાવેલા કે જેમાં એમનો વ્યક્તિગત લાભ હતો. જે વાતે એમને અંગત વિરોધ હતો એનો આ નિમિત્તે ફેંસલો પાડી દીધેલો ! ત્યારે ચૂપ રહેનારા પણ જવાબદાર તો ખરા જ, પણ, પોતાની ભૂલ સમજાતાં સુધારી લેવાની તત્પરતા બતાવવા બદલ ક્ષમા પાત્ર પણ ખરા.
હવે ભાઈ એકલા પડી ગયા ને સઘળા દોષનો ટોપલો એમને માથે આવ્યો. ઘરકા ભેદી લંકા ઢાયે. આ કહેવતનો સંદર્ભ લંકાના પતન સાથે છે. વિભિષણ લંકા અને લંકાપતિ વિષે ઘણું ઘણું એવું જાણતા હતા કે જેને લીધે લંકા વિજય સહેલો બને. ભલે ને એણે રાજારામને મદદ કરી, ભગવતી સીતાના હિતમાં મદદ કરી, સદ્ભાવને કારણે, ધર્મનો પક્ષ લીધો - સમાજમાં આ કહેવત આવી ! સમાજની સમજણ જૂદી છે. એના તારણો અનુભવોના આધારે ઉચિત બને છે. ભલે ને જે જીત્યો તે ધર્મ હતો ને જે હાર્યો તે અધર્મ હતો, પણ, એ હારને માટે જવાબદાર કારણમાં, ઘર ફૂટેય ઘર જાય એ ન્યાય જોવાયો.
સાથે કામ કરનારા જ્યારે છૂટા પડે ત્યારે સંગાથના દિવસોનું ગૌરવ જાળવતા નથી. ભાગીદારી પેઢી છૂટી પડે ત્યારે એની સૌથી મોટી કસોટી જ એમાં હોય છે કે એ સાથે વીતાવેલા સમયની ગરિમા કેવી જ જાળવે છે. છૂટા છેડા લેનાર દંપતીએ પોતાના અંગતનો આદર જાળવવો જ રહ્યો. નહીં તો જે કાદવ ઉંડે એના છાંટાં સહુનાં કપડાં બગાડે.
ભાઈએ જે જે ખોટું કરેલું, સારૂં કરવાની આડમાં જે જે અયોગ્ય કરેલું તે બઘું હવે બહાર આવી રહ્યું હતું. એકાદ બે મોં ખૂલવાની જ વાર હોય છે. સફળ વ્યક્તિની નિષ્ફળતા સાબિત કરવા તત્પર હજાર મોં ખૂલી જાય છે. માત્ર વાટ જ જોવાતી હોય છે કે શરૂ કોણ કરે. અને આવા સમયે સૂકાં ભેગું લીલું ય બળે. સાચી વાતો સાથે ખોટાં આળ પણ ચડે. જવાબદારીઓ પણ ઢોળાય. અને સાચા-ખોટાની પરીક્ષા કરવાની કોઈને જરૂર નથી જણાતી ત્યાં તો આક્ષેપોની ઝડી વરસી જાય. સારૂં બઘું વિસરાઈ જાય. ખોટું બઘું એ નામે ચડી જાય. લોકપ્રિયતા આનંદનાર વ્યક્તિને પોતાને નવાઈ લાગે કે પોતે આટલો અપ્રિય હતો ? તો પેલો તાળીઓનો ગડગડાટ સાચો કે આ આક્ષેપોનો ખળભળાટ ? પડે છે ત્યારે સઘળું પડે છે ! વિવેક ભ્રષ્ટોનો શતમુખે વિનિપાત નિર્મેલો !
ઉઠવામાં અને ઉખાડવામાં ફેર છે. ઉઠવામાં જાણે લીધેલો નિર્ણય છે. કદાચ, કોઈના સૂચનથી, ઈશારાથી કે આજ્ઞાથી ય લીધો હોય, પણ ઉઠવામાં અનિચ્છાનું પ્રમાણ કાબૂમાં રાખી શકાય છે. ઉખડવામાં તો કોઈ ઇચ્છા પૂછતું જ નથી. ઉઠવામાં એક તક રહે છે. ફરીથી બેસવાની, બીજી વાર સ્થાન પામવાની. આસાન જમાવવાની પણ, ઉખડવામાં તો મૂળ સમેત વિદાય હોય છે. જ્યાં મૂળ નાખ્યા હતા ત્યાંની માટીમાંથી જ વિદાય. જડમૂળમાંથી દૂર. ઉપડ્યા, પછી ફરી ત્યાં જ વવાવું મુશ્કેલ છે. પુનઃપલ્લવિત થવું એથી ય વઘુ મુશ્કેલ છે. એનાં સ્વીકાર સામે જ સવાલ હોય છે. માટી જ અસ્વીકાર કરે છે મૂળનો, ત્યારે ઉખડી જવાય છે. ને પછી કદાચ માટી તૈયાર થાય તો ય મૂળ ને મનોમન અસ્વીકાર હોય છે. માટીનો એ પુનઃ રોપવામાં ખચકાટ અનુભવે છે. સમાધાનમાં સંકોચ થાય છે. કદાચ પરાણે વવાય તો ય એ ફૂલ હવે એ માટીમાં મ્હોરી નથી ઉઠતા, મૂળ દ્વારા મળતો કસ જ સંકોચપૂર્વકનો અને અપર્યાપ્ત હોય છે. ભાઈને લાગતું હતું કે એ ઉઠ્યા નથી, એમને ઉખાડ્યા છે. ઉઠવાનો ઇશારો કર્યો હોત, સૂચન કહ્યું હોત તો ઉઠી જાત. કદાચ જાતે જ સ્થાન ખાલી કરી આપત. પણ, આ શક્યતામાં ‘કદાચ’ બહુ જ મહત્ત્વનો શબ્દ છે. આવો ઈશારો ઓળખવાની તૈયારી નહોતી, સૂચન સ્વીકારવાનો સવાલ જ નહોતો એટલે જ આદેશનો અમલ એક માત્ર વિકલ્પ હતો. વાર્યા નહીં રહે એવું લાગ્યું એટલે જ હાર્યા ! હરાવ્યા !
હજી ઉકળાટના આરંભના દિવસો છે. હજી દુઃખ, અપમાન અને અહંકાર ટકરાયા કરીને આફટરશોક સર્જ્યા કરે છે. વાતને ભૂલવા દેતા નથી. કેટલાક મિત્રો પણ એ વિષે પૃછા કરીને ઘા ને તાજો કરે છે. કેટલાંક ઘાને તાજો રાખવા જ માંગે છે. કેટલાકને એના પર મીઠું ય ભભરાવું છે. ઘા લીલો રહે, દૂઝતો રહે, સુઝાય જ નહિ એવી એમની ઇચ્છાના કારણો ય એમના આગવાં છે. એમાં કેટલાકને પોતાનો લાભ દેખાય છે. ભાઈના સામર્થ્યનો, ભવિષ્યમાં, એમના પક્ષે ફાયદો થાય તેવી ગણત્રીથી આજે એમની પડખે રહેવું છે. પણ, ઘા ભૂલાવા દેવો નથી. તો જે વેરવૃત્તિ સતેજ રહે. બદલાનો મિજાજ જસતો રહે. તક મળે ઘા કરવાનું એ ચૂકે નહિ. કોઇના ખભે બંદૂક મૂકીને લડનારા ય હોય છે. પણ, ભાઈને આજે એ લોકો વ્હાલા લાગે છે. એ જ એમના પોતાના લાગે છે. પડતીના સમયે પડખે ઉભા રહેનારા પૈકીના કેટલાક એ ખાત્રી કરવા ઉભા હોય છે કે તમે ખરેખર પડો...ખા...સ્સા નીચે ગબડો. ને પાછા ઉભા ન થાવ. એની ચોકસાઈ કરવા પાછળ એમનું ય કોઈ ગણિત હોય છે. અગાઉના કોઇ અન્યયા કે અપમાનનો બદલો લેવાનો ય ભાવ હોય છે.
પડવાનો સમય જે વિચારવામાં પસાર કરે, પોતાની ભૂલ શોધવા, સમજવા ને સ્વીકારવામાં વીતાવે, એ જરૂર પડ્યા પછી ય ઉપડે છે. ઉડી ય શકે છે. સામર્થ્ય તો છે જ. માત્ર એને સજ્જ કરવાનું છે. પાંખ હલાવ્યા વિના ઉડતા ગરૂડે પણ અમુક સમયે તો પુનઃ પાંખ હલાવવી જ પડે. હવા પર રાજ કરવાનું આ જ સત્ય છે. સતત પાંખ હલાવતા કાગડા પર હસવામાં પોતે પાંખ હલાવવાનું જ ભૂલી જનાર ગરૂડરાજ પણ ગડથોલા ખાઈ જાય છે.
વ્યક્તિ પોતાની ભૂલ સમજતી જ હોય છે. એ કરે છે ત્યારે જ એ જાણતી હોય છે, ને અન્યથા, કરી લીધા પછી તો અવશ્ય જાણી જતી હોય છે. પણ, ફળ ઊગે ત્યારે જ વૃક્ષનો પરિચય થાય એટલી સમજ હોય એણે આવા અનુભવમાં મૂકાવું જ પડે. બાવળ ઉગે ત્યારે આંબાની ગોટલી વિશે સંશોધનની જરૂર જ નહિ. શું વાવ્યું, ‘તું એનો ખૂંચ તો પૂરાવો જે કહે એ ય ન સમજાય તો એક બે ને સાડાત્રણ.’
|