Last Update : 01-Sept.-2010, Wednesday

ઇકોલોજીકલ ડિઝાસ્ટર

ડિસ્કવરી - ડૉ. વિહારી છાયા

તાજેતરની આફતોથી કેવી કેવી પારિસ્થિતિકી સર્જાશે ?
ટૂંકા ગાળે અને લાંબા ગાળે કેવી કેવી હાનિ થશે ?


દરિયાઈ વન્યજીવન અને વનસ્પતિનો સોથ વળી જાય છે
સમુદ્રોમાં ખનિજ તેલ ઠલવાતા લાંબા ગાળાની આપત્તિ સર્જાય છે
તાજેતરમાં અમેરિકામાં મેક્સિકોના અખાતમાં ખનિજનું શારકામ કરતી તોતિંગ શારડી તૂટી પડતા અને મુંબઈના દરિયા કિનારે બે જહાજ અથડાતા સમુદ્રોમાં ખનીજ તેલ ઠલવાયેલ છે. તેનાથી પ્રકૃતિને કેવી હાનિ થઈ છે તે જાણવું જરૂરી છે

સમુદ્રમાં ખનીજ તેલ ઢોળાય ત્યારે સમુદ્રની પારિસ્થિતિકી (ઇકોલોજી)ને ગંભીર ક્ષતિ પહોંચતી હોય છે. તાજેતરમાં બે આવી ઘટના બની છે. તેમાં એક તો અમેરિકાના લુઇસિઆના સમુદ્રકાંઠે મેક્સિકોના અખાતમાં આવી ઘટના બની છે. સમુદ્રના તળમાં શારકામ કરી ખનિજ તેલ મેળવવા ખોજ કરતી બ્રિટીશ પેટ્રોલિયમની મહાકાય શારડી ચોવીસમી એપ્રિલ, ૨૦૧૦ના રોજ વિસ્ફોટ થતાં ખનીજ તેલ ઉભરાવા માંડ્યું. આ ખનીજ તેલ સમુદ્રમાં ઢોળાવાની મોટી ઘટના છે. પરંતુ આપણને સીધી અસર કરે તેવી એક ઘટના મુંબઈના કિનારે અરબી સમુદ્રમાં બે વિદેશી માલવાહક જહાજો અથડાતા આ દુર્ઘટના સર્જાયેલ છે. તેમાં બે પનામા માલવાહક જહાજો એએસસી ચિત્રા અને વ્યાપારી જહાજ ખાલિજા છઠ્ઠી ઑગસ્ટ, ૨૦૧૦ના રોજ અથડાતા ચિત્રા જહાજમાં ૮૦૦ ટન ખનિજ તેલ દરિયામાં ઢોળાયું હતું. આ જહાજમાં ૨૬૦૦ ટન ખનિજ તેલ હતું તેના ૧૨૦૦ ટીપડામાંથી ૩૦૦ ટીપડાં દરિયામાં પડ્યા હતા અને તેનો કદડો ફેલાવા લાગ્યો હતો. અત્રે એ યાદ રહે કે તેલનું ઘટત્વ પાણી કરતાં ઓછું હોય છે પરંતુ દેખાવમાં તે પાણી કરતા પણ ઘટ્ટ લાગે છે. તેનું ઘટત્વ ઓછું હોવાથી તે પાણીના ઉપરના ભાગમાં તરતું તરતું ફેલાવા લાગે છે.
આજથી ૨૦ વર્ષ કરતાં પણ પહેલા ૧૯૮૯માં અમેરિકામાં અલાસ્કાના સમુદ્રકિનારે ‘એક્સોન વાલ્ડેઝ’ના અકસ્માત પછી હજુ પણ ‘ઑટર’ નામની માછલી ખાનારા રૂંવાટીવાળા પ્રાણી જેને જળબિલાડી કહે છે તે ક્લેમ નામની છીપવાળી માછલીનો શિકાર કરવા જ્યારે જ્યારે ખોદે છે ત્યારે તેમાંથી ખનિજ તેલ મળે છે. આ ખનિજ તેલ ૨૦ વર્ષ કરતા પણ પહેલા સમુદ્રમાં ત્યાં ઢોળાયેલ હતું. પનામાના બહિયા લાસમિનાસના પરવાળાના ધારવાળા ખડકો અને મેન્ગ્રેવના પાણીથી તરબોળ કાદવ પાસે આશરે ૨૫ વર્ષ પહેલાં એક ખનિજ તેલની વિશાળ ટાંકી ફાટી હતી. ત્યાં હજુ પણ પાણીમાં ખનિજ તેલની સુંવાળપ જોવા મળે છે. તેથી પણ પહેલા ૪૦ વર્ષ અગાઉ એક ઘટના બની હતી. ફ્લોરિડા નામની ઈંધણના તેલનું વહાણ કેપકોડના કિનારે લાધી ગયેલું આજે પણ ભેજવાળી જમીનમાં ઉગેલા ઘાસ નીચેની ગંદકીના લીધે તે વિસ્તાર ગેસ સ્ટેશન હોય તેવી વાસ મારે છે.
આવું જ મોટું નુકસાન જેને કુદરતી પારિસ્થિતિકી (ઇકોલોજી) માટે હોનારત કહી શકાય, લુઇસિઆનાના સમુદ્ર કાંઠે મેક્સિકોના અખાતમાં થવા જઈ રહ્યું છે. બ્રિટીશ પેટ્રોલિયમની મહાકાય સારડી લુઇસિઆનાના સમુદ્રકાંઠેથી ૬૫ કિલોમીટર દૂર સમુદ્રમાં ખનિજ તેલ મેળવવા શારકામ કરતી હતી તે ૧૫૦૦ ઊંડાઈએ તૂટી પડી. પરિણામે લાખો ને લાખો ગેલન ક્રૂડ તેલ તેમાંથી ઓકાતું હોયતેમ ઉભરાવા માંડ્યું હતું. એપ્રિલની વીસમી થયેલા આ અકસ્માત પછીના અઠવાડિયાઓમાં તો એક દિવસનું ૨૦૦,૦૦૦થી કેટલાક દશ લાખ ગેલન ઉભરાતું હતું. તેને ઢાંકણ લગાવવી અટકાવવાના પ્રયાસોમાં ઘણી પીછેહઠ થઈ અને ઘણા વિલંબ થયા. આ રીતે જે ખનિજ તેલ ઉભરાયું છે તે એકસોન વાલ્ડેઝના ૨૦ વર્ષથી પણ વધારે વર્ષ પહેલાના અકસ્માત કરતા કેટલાક ગણું વધારે ફેલાશે. તેનાથી વન્યજીવન અને સ્થાનિક આજીવિકાને વર્ષો સુધી સહન કરવું પડશે. રોજના હજારો બેરલ ખનિજ તેલ આ રીતે સમુદ્રમાં ઠલવાતા તે ફેલાતું ફેલાતું અખાતના કાંઠા તરફ કાદવ કીચડમાં ઉગેલા ઘાસ તરફ આગળ વધી રહ્યું છે. ત્યાંના પક્ષીઓ અને માછલીઓની ૯૦ ટકા માટે જીવનનું જોખમ ઉભું થયું છે. ઇકોલોજી અને પર્યાવરણને થનારી હાનિ ચિંતા પ્રેરે છે. ૧૬૧ કિલોમીટરના દરિયા કાંઠાને અસર પહોંચી છે.
આ અકસ્માતની નાની પણ ખતરનાક આવૃત્તિ મુંબઈના દરિયાકાંઠાથી થોડે દૂર બે જહાજ અથડાતા ઉપર જણાવ્યા પ્રમાણેની બની ગઈ. તેમાંથી જે ૮૦૦ ટન ખનિજ તેલ ઢોળાયું તે મુંબઈ અને તેની આસપાસના દરિયાકાંઠા તરફ ફેલાઈ રહ્યું છે. તેનાથી તો કુદરતી પારિસ્થિતિકીને હાનિ થઈ છે પણ દુઃખની વાત એ છે કે ભારત સરકારના પર્યાવરણ ખાતાના મંત્રી શ્રી જયરામ ગણેશના કહેવા પ્રમાણે આ રીતે સમુદ્રમાં ફેલાતા ખનિજતેલને ભારતને કદિ અનુભવ થયો નથી. ટૂંકમાં આ આફતને પહોંચી વળવાની ટેકનોલોજી અને સાધન સરંજામ ભારત પાસે નથી. અલબત્ત, આ કામ માટે વિદેશી કંપની તેના તજજ્ઞો અને સાધન સરંજામ સાથે આવી રહી છે. આ બન્ને જહાજો પૈકી એક જહાજ ચિત્રા તો ગુજરાતના મુંદ્રા બંદર તરફ જઈ રહ્યું હતું તેનો મોટા ભાગનો કાર્ગો જોખમી રસાયણોનો હતો. તેમાં ફોસ્ફેટિક પેસ્ટિસાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેવા રસાયણો હતા. તે ગુજરાતના પ્રકાશ કેમિકલ્સ માટે લઈ જવાતા હતા. આ રસાયણોમાં પાયરોથોઇડ જેવા હાનિકારક રસાયણો ઉપરાંત ઝેરી જંતુનાશક દવાઓ હતી. આનું એક પાત્ર લાખો માછલાનો સંહાર કરી શકે જે માછલાઓના આ દવા પેટમાં ગયા પછી પણ બચી જાય તેઓ સ્વયં ઝેરી બની જશે. મહિનાઓ પછી પણ આ માછલાઓને ખોરાકમાં લેનારા પર પણ ઝેરી અસર થઈ શકે છે.
અત્યારે દરિયાઈ જીવોની પ્રજોત્પતિની ઋતુ ચાલી રહી છે. ખનિજ તેલના દરિયામાં ફેલાવાને કારણે અસંખ્ય દરિયાઈ જીવો, તેમના બચ્ચા અન ઈંડા પણ ખતમ થઈ જશે.
મુંબઈના દરિયા કિનારે અને મુંબઈના બારાને જેટલી બને તેટલી હાનિથી બચાવવા સરકાર અને પર્યાવરણવિદો અને સંસ્થાઓ પગલા લઈ રહી છે.
અમેરિકામાં લુઇસાઇનાના દરિયા કિનારા નજીક જે દુર્ઘટના બની છે તેમાં પણ દરિયાઈ જીવો અને દરિયાઈ સંપત્તિને ભારે ક્ષતિ પ્હોંચી છે અને હજુ વઘુ પ્હોંચવાની છે. તેમાં ફેલાયેલ ક્રુડ ઓઇલમાં ઘણા ઝેરી રસાયણો છે. પરંતુ સૌથી ચિંતા ઉપજાવે તેવું રસાયણ પોલીસાઇક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બનો (પીએએચ)ની હાજરી છે તેમાં નેપ્થેલીન (ડામરની ગોળી બને છે), બેન્ઝીન ટોલ્યુઇન અને ઝાયલીન હોય છે. આ બધા રસાયણો એવા છે જેનાથી માણસો, પ્રાણીઓ કે છોડવાઓ બીમાર પડે છે. આ રસાયણો આંચળવાળા પ્રાણીઓ જેને મેમબ્સ કહે છે અને જેમાં આપણે આવીએ છીએ તેમાં પક્ષીઓ જેવા સજીવો શ્વાસમાં લે કે સૂંઘીને લે ત્યાં સુધી વાંધો નથી પરંતુ આ એરોમેટિક હાઇડ્રોકાર્બન રસાયણો તેમના શરીરમાં વધારે ઝેરી નીપજમાં રૂપાંતર પામે છે. તે આપણે આનુવાંશિક લક્ષણો જેમાં છુપાયેલા છે તેવા આપણા કોષની નાભિમાં રહેલા ડીએનએને અસર કરી શકે છે. આ ડીએનએમાં આપણા આનુવાંશિક લક્ષણોના ધારકો એવા જનીનો હોય છે. આ જનીનોમાં વિકૃતિ સર્જાય તો તેનાથી પ્રજનન ક્ષમતા ઘટે છે, કેન્સર લાગુ પડે કે અન્ય શારીરિક ખામી સર્જાય છે.
અલબત્ત, બધા જ પોલીસાઇક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન પર્યાવરણ માટે જોખમ ઊભું કરતા નથી જે ખનિજ તેલનો જથ્થો સપાટી સુધી પહોંચે છે તેના ૨૦થી ૪૦ ટકા અપીલ હાઇડ્રોકાર્બન બાસ્પીભવનથી ઉડી જાય છે. જે રસાયણો પાણીમાં ન રહેવા જોઈએ તેમ આપણે ઇચ્છતા હોઈએ તે પસંદગીના રસાયણો બાષ્પીભવનથી ઉડી જાય તો તે સારી વાત છે. ખનિજ તેલ પોતે પણ પાણી સાથે મિશ્રણ પામી પાયસીકરણ પામે છે. (દાખલા તરીકે દૂધ પણ પાયસ છે.) અને તેમાંથી ફીણયુક્ત હાઇડ્રોકાર્બન અને પાણીનું ‘માઉસ’ નામથી ઓળખાતું મિશ્રણ બને છે અથવા તો ડામરના દડાઓ બને છે.
વૈજ્ઞાનિકોને આશ્ચર્ય એ વાતનું છે કે, ક્રુડતેલના પીંછાઓ કેટલાય કિલોમીટર સુધી તરતા માલુમ પડ્યા છે અને તે પણ અંદાજે સપાટીથી ૧૦૦૦ મીટર નીચે તરતા હોય છે. કાળા લોંદામાં ચારે બાજુ રૂંછડા હોય તેવા લાગે છે. આ ઊંડાઈએ ઝેરી રસાયણો પાણીને દૂષિત કરે છે. આ ઘટકો ખારી ભેજવાળી જમીનમાં ધૂસવાનો રસ્તો શોધી કાઢે છે અને તેથી તે બધે પ્રસરે છે. તેથી તે દરિયાઈ વન્યજીવનને ઘાત પહોંચાડે છે મેકિસકોના અખાતમાં વનસ્પતિ અને પ્રાણીઓની ૧૬૦૦૦ જાતિઓ વસે છે તેને ઘાત પહોંચાડી શકે છે એટલ કે તેના પર હાનિ પહોંચાડવાનો પ્રહાર થાય છે. તે માન્ય મોટા ભાગની કુદરતી નિવાસો ઉપર હાનિકારક અસર થવાનું જોખમ વધે છે. જે ક્ષેત્રમાં ખનિજ તેલ (ક્રુડ ઓઇલ) ઉભરાય છે ત્યાં પાણીના સ્તંભના ઉપરના ભાગમાં જે ખનિજ તેલના રસાયણો હોય છે તેનાથી પ્રભાવિત થાય છે. આ લાખો- કરોડો ઝૂપ્લાન્ક્ટન જેમના સજીવો માટે ખરાબ સમાચાર છે. આ પાણીના દૂષણની અંતે ખોરાકની સાંકળ પર સોપાની અસર થાય તેમ છે. (આપણે જાણીએ છીએ કે ઝુપ્લાન્ક્ટન દરિયાન ઉપરના ભાગમાં પથરાતા અતિ સૂક્ષ્મજીવો છે. તે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી પૃથ્વીનું કાર્બન બજેટ જાળવે છે.) આ ઝુપ્લાન્ક્ટન દૂર થાય તો પર્યાવરણને મોટી હાનિ થાય તેમ છે અને દરિયાઈ જીવોની ખોરાકની આંકડી તૂટી પડે તેમ છે.
લાંબા ગાળાનું નુકસાન થાય તેમાં સંશોધકોને ચિંતા છે કે ઊંચી ભરતી કે અત્યંત વધારે પવનોના કારણે તેલ જો કિનારાની જમીનમાં ધસી જાય તો તે કાંપમાં સપડાય જાય છે. તે પછી દાયકાઓ સુધી તેમાંથી તેલ નીકળતું જોયા કરે છે. તે ખાસ તો ભેજવાળી કળણભૂમિ માટે જોખમથી ભરેલું છે. કારણ કે તે જગ્યા માછલીથી માંડી પક્ષીઓ સુધીના વન્યજીવોની ઉછેરભૂમિ છે. ત્યાં એ દૂષણ ફેલાય તો તેનાથી ગર્ભને હાનિ પહોંચે છે અને જાતિઓની પેઢીઓ સુધી અસર થાય છે.
આ ભેજવાળી ભૂમિ જેને આર્દ્રભૂમિ પણ કહેવાય છે તેનાથી ખનિજ તેલને દૂર રાખી શકાય ? તેનો એક જ ઉત્તર છે હવામાન. તોફાની સમુદ્રો ખનિજ તેલને કાંઠાથી દૂર રાખતી કાઠીની આડશ પાણીથી તરબોળ થઈ જાય હરિકેન આવે કે ઉષ્ણકટિબંધમાં હળવું દબાણ સર્જાય તો તેનાથી ખનિજ તેલ એવી જગ્યાઓમાં ધકેલાય જ્યાંથી તેની સફાઈ કરવી ઘણી અઘરી થઈ જાય.
અલબત્ત બધા આશા રાખી રહ્યા છે કે એવું થાય તે પહેલાં ખનિજ તેલને દૂર કરી શકાશે કે વેરવિખેર થઈ જશે. ચોક્કસપણે મેક્સિકોના અખાતની વધારે હુંફાળી સ્થિતિમાં બેક્ટેરિયા અને બીજી કુદરતી પરિબળો ખનિજ તેલનું ઝડપથી વિઘટન કરવામાં મદદરૂપ થશે. તેનાથી તેનું નિશ્નીકરણ થશે તેની અસર ઘટી જશે પરંતુ વિઘટન કરવા સેંકડો હજારો ગેલન રસાયણો છાંટવાના અનેક જોખમો છે.
૧૯૯૧માં ઇરાનના અખાતના યુદ્ધમાં ૨૫ કરોડ ગેલન ખનિજતેલ ફેલાયું હતું કુલ એક અબજ ખનિજ તેલ ઢોળાયેલ તેપૈકી ઓછામાં ઓછું ૨૫ કરોડ ગેલન અખાતમાં ફેલાયેલ.
૧૯૭૯માં ૧૪ કરોડ ગેલન ખનિજ તેલ સમુદ્રમાં ફેલાયેલ.
૧૯૮૯માં એક્સોન વર્લ્ડઝના અકસ્માતમાં એક કરોડ દશ લાખ ગેલન સમુદ્રમાં ઠલવાયેલ. ૨૦૧૦માં મેક્સિકોના અખાતમાં એપ્રિલની ૨૦મીથી મેની ૧૩મી સુધીમાં ૪ કરોડ ૬૦ લાખ ગેલન ઠલવાયાનું બ્રિટીશ પેટ્રોલિયમ કંપનીએ જણાવેલ છે કે જ્યારે વૈજ્ઞાનિકો અંદાજ ૯ કરોડ સિત્તેર લાખનો છે.
સામાન્યતઃ વિવિધ કારણોસર અને માનવીની પ્રવૃત્તિઓ થકી દુનિયાભરમાં મળીને ૩૮ કરોડ ગેલન ખનિજ તેલ સમુદ્રોમાં જાય છે. એકલા અમેરિકામાં પાણીની સાત કરોડ આઠ લાખ ગેલન સમુદ્રોમાં જાય છે.
આમ, દુનિયાના સમુદ્રોમાં ખનિજ તેલ ભળતું હોય છે પરંતુ અમુક ચોક્કસ ક્ષેત્રફળમાં ખનિજ તેલ ઠલવાય તો તે ક્ષેત્રમાં પારિસ્થિતિકી (ઇકોલોજી)ને ભારે હાનિ પ્હોંચે છે એટલું જ નહીં આ આપત્તિ લાંબો સમય ચાલે છે.

 

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved