Last Update : 01-Sept.-2010, Wednesday

રૂ. ૩૦૦ કરોડનો સસરો

બુધવારની બપોરે - અશોક દવે


છાપામાં સમાચાર છે કે, ફિલ્મ હીરો ધર્મેન્દ્રના દીકરા બૉબી દેવલનો સસરો હમણાં ગૂજરી ગયો અને જમાઇ-દીકરીના નામે રૂ. ૩૦૦/- કરોડની સંપત્તિ મૂકતો ગયો.. પોતાના સગા દીકરા વિક્રમને ડિક્કો ડમ્મ બતાવીને !
આવા સસરા મરતા પણ હશે ? આપણને કેવો આઘાત લાગે, આવો અડીખમ સસરો ગૂજરી જાય ત્યારે ? કે સારો જમાઇ ગોતતા ય ન આવડ્યો ? અમે મરી ગયા’તા... ?
મને મારા સસરા યાદ આવે છે, જે ગૂજરી ગયા ત્યારે મારા એક સાયકલ મૂકી ગયા હતા, એવું લખીને કે.. ‘વહાલાં અસોકકુમાર.. મારા શુપુત્ર ચિ. ભાઈ શ્રી ગુણવંતની શાયકલ મૂકતો જાઊં છું. તમારે તો સૅ’રમાં ઘણી ઓરખાણું છે. કોક હારા શાયકલ-રીપેરર પાસે આને લઇ જઇને પિંચર-બિંચર કરાઇવા પછી ગુણાને લંડન મોકલાવી દેસો. ઇ કિયે છે કે આંઇ દેસમા શાયકલું રીપેર કરાવવી શસ્તી પડે, અટલે જાણે શ્ટીમરમાં શાયકલ ઇન્ડિયા મોઇકલી’તી... અસોકકુમાર, ચારે જમાયુંમાં તમે શૌથી વઘુ કામમાં આઇવા છો. જાતા જાતા મારૂં આટલું કામ કરી દેસો.. બાપૂના આસિસ.’
સસુરજીના પત્રનો એક એક અક્ષર મને હેડકી ખવડાવતો હતો. કોણ જાણે કેમ પણ આજે એમના ગયાને પચ્ચી વરસ થયા પછી અડધી રાત્રે બારણું ખખડે છે, તો હું ફફડીને જાગી જાઊં છું કે, ઉપરથી સસુરજીએ મારા માટે કોક નવું કામ નથી મોકલ્યું ને ? પેલી સાયકલ તો રીપેર થઇ ગઇ હશે ને ? એ મને બાકાયદા કામવાળો વઘુ અને જમાઇ કમ સમજતા હતા. મારો દેખાવ અને મારા લખ્ખણે ય પાછા એવા ! શહેરમાં મારે ઘણી ઓળખાણોનો મતલબ એ કે, ફૂટપાથ પર બેઠેલો તડબૂચવાળો, ગૅસની સગડી રીપેર કરવાવાળો, તેલ-માલિશ ચંપીવાળો.. એ બધા મારા નજીકના સગા થતા હોય, એવી ઓળખાણો હશે. આપણે તો સાંભળ્યું હોય કે, લંડન-અમેરિકામાં સાયકલ-બાયકલ બગડે તો એ લોકો રીપેર ન કરાવે, આખી સાયકલ ફેંકી દે.. ! ઇન્ડિયા માટે એ લોકોએ એવું સાંભળ્યું હોય કે, ‘આંઇ દેસમાં જરૂર પડે, તો આખો જમાઇ ફેંકી દિયે... પણ દીકરીને રીપેર નો કરાવે !’
પત્રના અંતે એમણે, ‘જાતા જાતાં’ શબ્દો વાપર્યા, ત્યારે મને ગળામાં મોટો ઘચરકો આવ્યો હતો. મારૂં આખું ઘર સમજી નહોતું શકયું કે, આ ‘જાતા જાતાં’ એટલે એ એમના પોતાના જવાની વાત કરે છે કે મારા જવાની વાત કરે છે ? આખા વર્લ્ડમાં પત્રો અમને ફકત ચાર જમાઇઓને જ લખે, કારણ કે, નીચે સહિ કરતી વખત મહાત્મા ગાંધીની જેમ, ‘બાપુના આસિસ’ લખી શકાય.. એમને અભરખો પૂરો કે, એમના ગયા પછી અમે ચારે જમાઇઓ એમના (આવા ‘બાપુના આસિસ’વાળા) પત્રો સાચવી રાખીશું, એનું સંકલન કરીશું અને ‘જમાઇ-મહર્ષિ સ્વ. શ્રી ડાહ્યાલાલભાઇની જીવન-ઝરમર’ પ્રગટ કરીશું, ત્યારે બાકીના સમાજના એમના પત્રોનું મૂલ્ય સમજાશે.. ! (અમને ચારે જમાઇઓને ‘ડાહ્યાબેટીઝ’ થયો હતો.. અમે ડાહ્યાભાઈની બેટીઓને પરણ્યા હતા તે !)
પણ મારા સસુરજીની વાત મૂકો. બોબી દેવલ પાસે આવો સસરો પડ્યો હતો, એની સાલી આપણને કોઇ જાણ જ નહિ ! અમારા બ્રાહ્મણોમાં કેવું હોય કે, ટૉટલ ૮૪-બ્રાન્ડના બ્રાહ્મણો હોય. સાલા દેખાવમાં બધા હીરો જેવા અને બુઘ્ધિમાં બેમિસાલ... ! પણ દુનિયાભરના ૩૩-કરોડ બ્રાહ્મણ જમાઇઓ સસરાના મુદ્દે એકસામટો માર ખાઇ ગયા છે... ! અમારામાંથી એકેયનો સસરો ખમતીધર ન હોય. બધો કાઢી નાંખવાનો માલ જ હોય. જરૂર પડે દર શનીવારે ચા-પાણી પીવા આપણા ઘરે આઇ જાય. સમગ્ર વિશ્વમાં એક માત્ર બ્રાહ્મણ- પ્રજા એવી છે, જે એક રૂપિયાનું દહેજ પણ લેતી-દેતી નથી.. (.... ખિસ્સામાં રૂપિયાથી વધારે કાંઇ પડયું હોય તો દહેજ આપે ને ?... મસ્ત વાત કરી ને ?)
ખુદ મારે કોક સજડબંબ પટેલ, જૈન કે લોહાણો સસરો ગોતવો હતો.. ! અમારો ટીલવો કહેતો હતો કે, ભલે ને એની દીકરી પગે લંગડાતી હોય કે બેમાંથી એક આંખે ફૂલું પડયું હોય.. ! પણ કામમાં આવો સસરો આવે. દીકરીને નામે ૫૦-૬૦ કરોડ મૂકયા હોય તો આપણે આખી જીંદગી હાઈડ-હાઈડ તો નહિ ! હું તો કહું છું, કોઇ ના જોતું હોય ત્યારે ઘરના બારી-બારણાં બંધ કરીને, આપણે ભોંય પર બેસીને એને હિંચકે ઝૂલાવવાની ને મેહમાનો આવે ત્યારે બહાર નહિ કાઢવાની.... ચંદુભ’ઇનું શું જાય છે ? (માર્ગદર્શન ઃ શ્રી ચંદુભ’ઇ એટલે મારા ફાધર.)
દહેજ પર મુસ્તાક મોટા ભાગની જ્ઞાતિના જમાઇઓ ભલે આજે કહેવાય ભિખારીઓ, પણ લહેર તો કરે છે ને ? બ્રાહ્મણ જાતમહેનતથી વાઇફો જ ન લાવે, જાતમેહનતના પગારો પણ લાવે અને પછી વરસાદમાં સ્કૂટર બગડયું હોય ત્યારે અધમૂવો થઇને વાંકો વળેલો સ્કૂટર ખેંચીખેંચીને ઘેર લઇ જાય... શું આજે આવા સસરાઓની દેશને જરૂર છે ?
કમનસીબે, હિંદુઓમાં લગ્ન કરતા પહેલા જન્માક્ષર કન્યાના જોવાય છે. ઇડિયટો છે.... જન્માક્ષરો સસરાના મેળવવા જોઇએ. (હું ખોટો પડતો હોઊં તો મને રોકવો.. બાકી મને ટેકો આપવો !) કૂંડળીમાં રાહુ-કેતુ, મંગળ-ફંગળ કોઇ નડતા ન હોય ને કૅસ સાફ હોય, પણ સસરો લુખ્ખો હોય તો શું કમાવવાનું ? આ બૉબીડાનો કૅસ જુઓ. એ ફિલ્મોમાં આવ્યો ત્યારથી મને યાદ નથી, એની એકે ય ફિલ્મ હિટ ગઇ હોય. અત્યારે ય વરસે-દહાડે એની એક ફિલ્મ આવે અને એય ફલોપ જાય છે. હોય એની પાસે કરોડો રૂપીયા.. ? પણ પરણ્યો રૂ. ૩૦૦-કરોડ મૂકી જનારની છોકરી સાથે. નસીબનો બળીયો તે કેવો કે એકનો એક સાળો આપ્યો હતો, એનું પત્તું ખુદ ડોહા જ ઉકલી જતા પહેલા કાપતા ગયા. ૩૦૦-કરોડમાંથી એને તો દસના છુટાં ય ના મળ્યા. પરમેશ્વર આવા સાળા સહુને આલે.
પણ કાળક્રમે જોવામાં આવ્યું છે કે, પરણ્યા તે દિવસથી આપણે સાળાઓનો કારભાર કરવાનો આવે છે. એ લોકોની બો’ન પૈણી નાંખવાની સજા આપણે જીંદગીભર ભોગવીએ છીએ. આપણે પરણીએ ત્યારે એ લોકો નાના હોય એટલે એમને માટે મકાઇના ડોડા લઇ આવવા (લિંબુ ચોપડીને) સસુરજી આપણને મોકલે. જરા મોટા થાય એટલે એમને માટે વાઇફો શોધવા આપણે દોડવાનું.. (આપણને આવડતી હોત તો આજે આ દશા ભોગવતા હોત.. ? સુઊં કિયો છો ?) છોકરાં-છૈયાં એમને થાય, એ રમવા આપણા ઘરે મોકલે. આપણાંથી પાછું એમને આપણાં સમજીને રમાડાય પણ નહિ. એના ડોહા-ડોહી વન-પીસ હોય ત્યાં સુધી બરોબર છે, પણ હેડકીઓ શરૂ થાય, એટલે હૉસ્પિટલમાં રાત રોકાવા આપણે જવાનું. ત્યાં ય છણકા કરતી કાળીભઠ્ઠ નર્સો જુઓ, એટલે બહાર નીકળ્યા પછી ત્રણ સપ્તાહ સુધી બહારના લાલ-લીલાં લૂગડાં ય તમને કાળાભઠ્ઠ લાગે. ખોટી વાત છે મારી ? આપણે હૉસ્પિટલની કાળરાત્રિઓ દવાઓની ગંધમાં ગૂજારતા હોઇએ અને સાળાઓ ‘બિઝનૅસ-ટૂર’માં ગોવા-મહાબળેશ્વર ગયા હોય. આ તબક્કે, રદબાતલ થવાને પાત્ર એવા આપણાં સાસુ-સસરા હજી ૪૦-૫૦ વર્ષ ખેંચી કાઢે, એવા સાજાંનરવા થઇ જાય છે, એટલે આપણી રહીસહી આશાઓ ઉપરે પાણી કે ઠંડી છાશ રેડઇ જાય છે. (શું રેડઇ જાય છે ? જવાબ ઃ સૉરી, છાશની અમને ખબર નહોતી. જવાબ પૂરો)
તેમ છતાં આપણે ય સમજીએ કે, કાળને કોણ રોકી શકયું છે ? એક દિવસ કે એક અડધી રાતે સહુને મોડું-વહેલું જવાનું તો છે જ. બસ. આપણા ફાધર ઉપડી જાય છે.. કોઇ ૧૨-૧૫ લાખના ભરવાપાત્ર બાકી હપ્તાઓ આપણા ઉપર છોડીને.. !
સસુરજી સાસુ સંગ હેમખેમ બેઠા હોય છે અને હજી કોઇ ૬૦૦-૭૦૦ વર્ષો પછી પણ એ લોકો અગમનિગમના માર્ગે હાલી નીકળી અરિહંતશરણ થઇ જશે, એ આશા ઠગારી નિવડે છે. એ તો વસીયતનામું વંચાય ત્યારે ખબર પડે કે, મરતા મરતા સસુરજી આપણાં માંટે પીળું કવર મૂકતા ગયા છે, જેમાં શુકનના રૂ. ૧૧/- પ્લસ આશિર્વાદ પ્લસ સલાહ લખી હોય, ‘ધીરેનકુમાર.. મારી વહાલસોયી ચીકુ એટલે કે મનિષાને સાચવજો. એના સ્વભાવનું માઠું ન લગાડશો. ખર્ચા કરવામાં એનો હાથ છુટ્ટો છે.. તમે સંભાળી લેજો. એજ લિ. બાપુના આશિષ.’
તારી ભલી થાય હાળા ચમના... અગીયાર રૂપીયામાં તારી ચીકુડીનો હાથ શું, હાડકે હાડકું છુટું થાય તો ય હું શું તોડી લેવાનો છું.. ? લહેર તારા બંને છોકરા કરે છે, જેના નામે આંબાવાડી અને બોપલવાળા બંગલા લખી આલ્યા છે, રૂ. ૨૬-કરોડ રોકડા અને ઘરેણાં... અને મારા માટે તારી ચીકુનો લોખંડ જેવો હાથ... ! ધરતી પર આ સદીમાં પાછો ના આવતો, નટીયા... (માર્ગદર્શન ઃ નટીયો એટલે માનનીય શ્રી નટુભાઈ-ધીરિયાનો આખેઆખો સસરો)
માટે જ ભારતભરના ભાવિ જમાઇઓ ને મારી સલાહ છે.. સસરો ગોતવામાં બૉબીવાળી કરજો, ૩૦૦-નહિ તો ૩૦-કરોડવાળો શોધજો, પણ જાતમેહનતનું, સ્વમાનભર્યું કે વગર દહેજનું લિંબનું પાણી ય ના પીશો. ઇશ્વર સહુનો છે.
.. અને એવો સસરો ના મળે તો કોઇ સંસદસભ્યની છોકરી પૈણી નાંખજો... દહેજવાળા ગોરધનો કમ-સે-કમ વાઇફને રાખે તો છે... મહિને રૂ. ૮૦,૦૦૦/- માં કડદો કરનાર સંસદ સભ્યો દેશને રાખવાના ય નથી.

સિક્સર
જસજ થી રોજ બૉર કરતા નવરાઓ પરનો તમારો લેખ સૉલ્લિડ હતો.. અમે અમારા બસ્સો ફ્રૅન્ડોને જસજ કરીને એ લેખ વાંચવાનું કહી દીઘું’તું.... !

 

સિક્સર
- મરતા પહેલા કોઇ આખરી ખ્વાહિશ...?
- હા, સરકાર... મોબાઇલ પર રોજ જસજ મોકલતા નવરાઓને ફૂંકી મારવા છે.
- ઓ.કે. એના જસજ એ બધાને મોકલી દો.

 

સિક્સર

- રાજેશ ખન્ના અને પ્રીતિ ઝિન્ટા 'રાઝ પિછલે જનમ કા'માં સાથે ચમકશે...!
- ઉફ...દિવસો ખરાબ આવે છે, ત્યારે કેવા ખરાબ આવે છે...? પ્રીતિ ઝીન્ટાના...!

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved