પંડિતજી, મારી વાત કદાચ હળવી લાગશે પણ મારા માટે અતિ ગંભીર છે. અમે ગામડાનાં છીએ. મારી ઊંમર ઓગણત્રીસ વરસની છે. મારી પત્ની અને એક પુત્રી સાથે હું શહેરમાં મકાન ભારે રાખીને રહું છું. હું અહીંની એક કંપનીમાં સારા પગારની નોકરી કરૂં છું. હું ગૌરવર્ણ, દેખાવડો અને સ્માર્ટ છું. નવું મકાન ખરીદી શકાય એટલી આર્થિક શક્તિ નથી એટલે ભાડાના મકાનમાં પ્રથમ માળે રહીએ છીએ. નીચે અમારા મકાન માલિક અને તેમનાં પત્ની રહે છે. મકાન માલિક સતીશભાઈ છત્રીસ વર્ષના છે ને તેમનાં પત્ની નીલાબહેન બત્રીસેક વર્ષનાં છે. એક દીકરો છે, જે બેંગ્લોર ખાતે ભણે છે. અહીં એ બે જણાં જ રહે છે. સતીશભાઈને સાડીઓનો બિઝનેસ છે. એટલે મોટા ભાગે તો તેઓ પોતાની દુકાને જ હોય છે.
મારી પત્ની અહીંની એક પ્રાઈવેટ સ્કૂલમાં બાંઘ્યા પગારથી નોકરી કરે છે. દીકરી ઈંગ્લીશ મિડિયમમાં ભણે છે. સતીશભાઈનો સ્વભાવ સારો છે તો નીલાબહેન પણ મળતાવડા સ્વભાવનાં છે. કોક દિવસ સારી વાનગી બની હોય તો વાડકી જરૂર અમારે ત્યાં આવે.
એક દિવસે એવું બન્યું કે હું સહેજ બેચેનીના કારણે અડધી રજાએ ઘેર આવ્યો. હું પગથિયાં ચઢવા જતો હતો ત્યાં જ નીલાબહેનના સાદ સંભળાયા ઃ ‘અરે મૃદંગભાઈ, કેમ આજે આટલા વહેલા ? આવો, આવો, આજે તો સરસ મજાના મેથીના ગોટા બનાવ્યા છે મને ખબર છે, તમને મેથીના ગોટા બહુ ભાવે છે !’
છુટકો નહોતો.
હું અંદર ગયો.
તો ગોટાની ડીશ મારી સામે મૂકીને એય ખુરશી ખેંચીને નજીક બેસી ગયાં ઃ કહે ઃ ‘આજે તો થયું કે મૃદંગભાઈને મારા હાથે જ ચટણીમાં બોળીને ગોટા ખવડાવું.’
‘હું જાતે ખાઈ લઈશ.’
‘ના હોં ! પ્રેમ કોને કહેવાય ?’
‘પ્રેમ ? આ શું બોલો છો, નીલાબહેન ?’
‘બહેન, બહેન ના કરો. આંખની ભાષા તમને પુરૂષોને ક્યારે ઉકેલતાં આવડશે ? સાવ બુઘ્ઘુ છો. તમે છેલ્લાં એક વર્ષથી મારી નજરમાં છો. લો, ખાવ ભજીયું.’ ને એમણે મારો હાથ પકડી લીધો ને ભજીયું મારા મોઢામાં ઘાલી દીઘું. પછી બોલ્યાં ઃ ‘કેવું લાગ્યું ?’ મેં કહ્યું ઃ ‘‘નીલા બહેન, આપણે બંને પરિણીત છીએ ને આવું આપણને ન શોભે !’’
‘ના કેમ શોભે ? હું સ્ત્રી છું ને તમે પુરૂષ છો. પરણેલાં સ્ત્રી કે પુરૂષને દિલ નથી હોતું શું ? બોલો, શો જવાબ છે તમારો ?’
‘શાનો ?’
‘આપણો સંબંધ બાંધવાનો !’
‘વિચારીને કહીશ.’ને તરત જ હું ઊભો થઈને ઉપર જતો રહ્યો હતો. પણ નીલાબહેન છાલ છોડે એવો નથી. બત્રીસ વરસેય એમણે શરીરને સાચવી જાણ્યું છે. માંડ પચીસનાં લાગે બીજે જ દિવસે હું બહાર નીકળ્યો ત્યાં જ બહાર રસ્તામાં એમને મળ્યાં ઃ ‘બોલો, કર્યો વિચાર ? સાંભળી લો, વિચાર ન હોય તો કંઇ નહિ. ઘર ખાલી કરવાની તૈયારી રાખજો !’
હું તો નીલાબહેનની વાતથી સ્તબ્ધ બની ગયો. એક પરિણીત સ્ત્રી આવી પણ હોઈ શકે ? હું જાણું છું કે જો હું ના પાડીશ, તો ઘર બદલી નાખવું પડશે. કાં તો એમને તાબે થઈને રંગરેલિયા મનાવો, કાં તો મકાન ખાલી કરી નાંખો. પંડિતજી, એક વાત કહી દઊં કે હું મારી પત્ની પ્રત્યે સંપૂર્ણ વફાદાર છું. એના સિવાય હું કોઇ અન્ય સ્ત્રીનો વિચાર જ ન કરી શકું. એનો વિશ્વાસઘાત હું કરી શકું તેમ નથી, તો બીજી બાજુ એક રઘવાયી થયેલી ઓરત છે. શહેરમાં ભાડે મકાન જલદી મળતાં નથી ને મળે તો ય ડિપોઝીટ સહિત અનેક શરતો મૂકે છે ! હું મૂંઝાઈ ગયો છું- હું શું કરૂં પંડિતજી ? નીલાબહેનની વાત સ્વીકારી લઈને મારી પત્ની અને તેમના પતિનો વિશ્વાસ ભંગ કરૂં ? મને કોઇ ઉપાય બતાવો પંડિતજી !
- મૃદંગ
મૃદંગ, તું કપરી પરિસ્થિતિમાં મૂકાઈ ગયો છે ને તારી દ્વિધા હું સમજી શકું છું પણ હું બીજી વાત કરૂં એ પહેલાં તારા સંયમી અને અડગ મન માટે હું તને ધન્યવાદ આપું છું તારી ઘટના એક એવી ઘટના છે કે તારી જગ્યાએ બીજો કોઈ હોત તો નીલાબહેનની ઓફરને ફૂલડે વધાવી લીધી હોત. પણ તું એવો નથી, તારા જેવા અછિદ્રાળું આચારવાળા યુવાનો બહુ ઓછા હોય છે.
નીલાબહેન એક અસંતુષ્ટ સ્ત્રી છે. કારણ ગમે તે હોય, તારે એમના અંગત જીવનમાં ઉતરવાની જરૂર નથી. બાકી એક બાળકની માતા આ રીતે ભાડુઆત સામે ઓફરો ન મૂકે ! એનો અર્થ એ થયો કે નીલા બહેનને મન ચારિત્ર્યની કોઇ કિંમત નથી. માત્ર કોઈ દેખાવડો પુરૂષ જોઈએ. તારી જગ્યાએ બીજો કોઇ હોત તો પણ એમણે આવી જ માગણી મૂકી હોત.
મૃદંગ, એક વાત તું તારી છાતી વચ્ચે લખી રાખ કે જે સ્ત્રી ચારિત્ર્યની બાબતમાં ઢીલી હોય એનામાં બીજા પણ અનેક અવગુણો રહેલા હોય છે. નબળા મનના પુરૂષને પલાળી નાખીને એનો ઉપયોગ કરી લેતી હોય છે ! તારે ન જાણવું જોઈએ છતાં સમજી લે કે નીલા બહેન આ પહેલાં પણ પોતાના અસ્મતના ઘરેણાંને વેચી મૂક્યા હશે ! આવી સ્ત્રીઓ ક્યારેક તો પુરૂષને રોગની ભેટ પણ ધરી દેતી હોય છે ! તું મક્કમ છે એટલે મારે તને વિશેષ કહેવું નથી પણ એટલું જરૂર કહીશ. ગટર પાસે મહેલ બાંધવો, એના કરતાં બગીચા પાસે ઝૂંપડી બાંધવી વધારે સારી ! ઘર બદલવાની તૈયારી તું આજથી જ શરૂ કરી દે. શોધ ચલાવીશ તો સારૂં મકાન તને જરૂર મળી રહેશે. નીલાબહેનની ચિંતા ન કરીશ નીલાબહેનને નીલા બહેનના ભાગ્ય પર છોડી દે. એમનાં કર્મો એમને મુબારક ! એના પતિને વાત કરવાની પણ જરૂર નથી. મનોમન સમજીને પ્રયાસ કર, તને સારા પાડોશવાળું સરસ મકાન જલદીથી મળી જાય એ જ અભિલાષા.
|