|
શરદ ઋતુમાં રોગો વધવાનું મુખ્ય કારણ એના પહેલા આવતી વર્ષાઋતુ છે. વર્ષામાં મોટા ભાગના લોકોને મંદાગ્નિ થાય છે. ખાધેલું બરાબર પચતું નથી. ચારેબાજુ ભેજવાળું અને વાદળિયું હવામાન હોય છે. જમીન પર પાણી ભરેલા રહેવાથી કોહવાટ થાય છે. ગંદકી અને એના કારણે મચ્છર, માંકડ જેવા જીવજંતુ વધે છે. સૂર્યપ્રકાશ જોઇતા પ્રમાણમાં મળતો નથી. પાણીની અંદર ક્ષારો અને અશુદ્ધિનું પ્રમાણ વધે છે. નવા, પાણી ભરેલા કે કોહવાયેલા શાકભાજી વાપરવાથી પણ વ્યક્તિના શરીરમાં રોગને નિમંત્રણ આપવા જેવી સ્થિતિ પેદા થાય છે. વળી ચોમાસામાં લીંબુ, મરચાં, કાકડી જેવા શાક ભાજીનો પાક વઘુ થતો હોવાથી આ દરમિયાન એનો વપરાશ વધે છે. દહીં-છાશનો ઉપયોગ પણ દુઝાણાની વૃદ્ધિ સાથે ચોમાસામાં વધતો હોય છે. આથી એક સ્થિતિ એવી આવે છે કે, આ બધા આહાર વિહારના કારણે શરીરમાં પિત્તનો સંચય થાય છે. એજ રીતે વાદળા હટી જવાથી ભાદરવા માસથી સૂર્ય પ્રખર રીતે તપવા લાગે છે. જેમ તાપનું પ્રમાણ વધે છે તેમ પિત્તનું પ્રમાણ પણ વધે છે. આમ, શરદ ઋતુ આવતાં જ પિત્તના રોગો કુદરતી રીતે વધી પડે છે.
ગળ્યો, તૂરો અને કડવો આ ત્રણે રસ પિત્તનું શમન કરે છે. આથી શરદ ઋતુ દરમિયાન ઘી, દૂધ, ખાંડ, સાકર, દૂધપાક, બાસુદી, સુખડી જેવા મઘુર અને કારેલા, ગળો, અને હળદર જેવા કડવા-તૂરા રસયુક્ત દ્રવ્યોનું સેવન વધારવું જોઇએ. બપોરના સમયે તાપમાં ફરવાનું બંધ કરી બને તેટલા ઠંડા હવામાન વચ્ચે રહેવાનું ગોઠવવું જોઇએ. રોજિંદા આહારમાં દહીં, છાશ, લીંબુ, આમલી તથા ખમણ, ઢોકળા, ઈડલી, ઢોંસા, હાંડવો, ઉત્તપમ જેવા આથો આવેલા પદાર્થો પણ ઓછા લેવા જોઇએ અથવા તો બંધ કરવા જોઇએ.
બને તો શરદ ઋતુમાં દરેક વ્યક્તિએ કોઇને કોઇ કડવા રસનું પણ સેવન કરવું જોઇએ. ગળો લાવીને તેના ટૂકડા કરી, બરાબર છૂંદી, એક કપ પાણીમાં રાત્રે પલાળી રાખવી. સવારે ચોળીને સ્વચ્છ કપડાથી અથવા તો ગરણીથી રસ ગાળી લેવો. (રાતની પલાળેલી ગળોનો રસ સવારે જો ખટાશયુક્ત લાગે તો શરદ ઋતુમાં ત્રણેક કલાક પલાળ્યા બાદ ગાળીને પી લેવો હિતાવહ છે.) પંદર વીસ દિવસ આ પ્રમાણે ગળો પીવાતી મલેરિયા કે એવો કોઇ તાવ આવતો નથી. શરીરમાંથી ગરમી અને દાહ ઘટે છે. ત્રણ દોષનું શમન થવાથી આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. એજ રીતે કડુ- કરિયાતું પણ પીવું જોઇએ. જૈનોમાં આ દિવસો દરમિયાન મોટેભાગે પર્યૂષણ આવે છે અને ત્યારે કડુ-કરિયાતુંનો ઉકાળો બનાવીને પીવાની એમનામાં ખાસ પ્રથા છે. આ પ્રથા પણ આરોગ્યની દ્રષ્ટિએ હિતકર છે.
જેમને અમ્લપિત્ત (એસીડીટી) કે એવો કોઇ પિત્તજન્ય રોગ હોય તેમણે શતાવરી કે આમળાનું ચૂર્ણ, પ્રવાલ પંચામૃત, સૂતશેખર રસ, કામદૂધા રસ, ધાત્રી રસાયણ, શત પત્ર્યાદિ ચૂર્ણ, અવિપત્તિકર ચૂર્ણ કે ભૂનિમ્બાદિ કવાથ જેવા પિત્તશામક ઔષધો લેવા જોઇએ. પેટ સાફ આવે અને પિત્તનું વિરેચન થાય એ માટે રોજ રાત્રે ત્રિફલા, નસોત્તર કે કલ્યાણ વટક જેવું કોઇ રેચક દ્રવ્ય પણ લેવું જોઇએ.
શરદ ઋતુમાં દહીં, છાશ, શિખંડ, હાંડવો, ઢોકળા, દહીંવડા, ખાંડવી, ઈડલી, ઢોંસા, ખમણ જેવા ખાટાં, આથો આવીને તૈયાર થતાં કે દહીંમાંથી બનતાં પદાર્થો ઓછા લેવા જોઇએ અને પિત્તજન્ય રોગો થયા હોય તેવી વ્યક્તિએ તો તદ્દન બંધ કરવા જોઇએ.
શરદ ઋતુમાં સ્વાભાવિક રીતે જ પિત્તનો પ્રકોપ થાય છે. આથી આ દિવસોમાં પિત્તશામક આહારવિહાર કરવા જોઇએ.
દૂધ, સાકર, ચોખા, ખીર, ઘી, કેળાં, આમળા, શિંગોડા વગેરે પિત્તનું શમન કરે છે. શરદ પૂર્ણિમાના દિવસે દૂધપૌંઆ ખાવાની અને ચાંદની રાતે ખુલ્લા આકાશ નીચે વિહાર કરવાની જે પ્રથા છે તે એકદમ આયુર્વેદિક અને આરોગ્યની દ્રષ્ટિએ હિતકર છે. શરદ ઋતુમાં બપોરના તાપમાં ફરવાનું ટાળવું જોઇએ. શક્ય હોય તેમણે એરકંડિશન્ડ વાતાવરણમાં રહેવું જોઇએ. રાત્રે આકાશ નીચે અગાસીમાં સૂવું જોઇએ. ફુવારા ચાલતા હોય, ઝરણાં પડતાં હોય કે ધીમું ધીમું પાણી ઉડતું હોય તેવા ઠંડા અને સુખદ સ્થળો પર બેસવું જોઇએ. સૂતી વખતે હરડે કે ત્રિફલા જેવા એકાદ કોઇ વિરેચક દ્રવ્યનું સેવન કરવું જોઇએ, જેથી સવારે સ્વાભાવિક રીતે જ પિત્તનું વિરેચન થઇ જાય.
આહારમાં ખાટાં, તીખા અને ખારા દ્રવ્યોનું પ્રમાણ ઘટાડવું જોઇએ. બીનજરૂરી રીતે ભૂખ્યા ન રહેવું એ પણ શરદમાં એક અનિવાર્ય બાબત બની જાય છે.
વત્સલ વસાણી
|