પ્રેરણા અને પરિતોષના લગ્નજીવનની આ ઘટના છે. જ્યારે તેઓ સેક્સ થેરાપિસ્ટને મળવા આવ્યા ત્યારે ખૂબ અસ્વસ્થ હતાં. છેલ્લા છ મહિનાથી તેઓ સેક્સ માણી શકતાં નહોતા અથવા કહો કે માણતાં નહોતા.
વાતની શરૂઆત કંઈક આ રીતે થઈ હતી. પરિતોષ કૅમિકલ ઇન્ડસ્ટ્રિઝની એક મોટી ફર્મનો માર્કેટિંગ મેનેજર હતો. ઝડપથી એક્સપાન્ડ થઈ રહેલી તેમની કંપનીમાં નવાસવા જોડાયા હોવાને લીધે પરિતોષને ખૂબ કામ રહેતું હતું. તેના બૅંગ્લોર તથા દિલ્હીના આંટાફેરા વધી ગયા હતા. એકનો એક પુત્ર પંચગીનીમાં ભણતો હોવાથી વર્ષમાં બે’ક વાર જ તેમની સાથે રહેવા આવતો. બિઝનેસની દોડધામ-ધમાલને લીધે પરિતોષ મહિને બે-ત્રણ વાર જ પ્રેરણાની નજીક આવતો. થાક, ઉજાગરા, ટૅન્શનવાળું તેનું જીવન પ્રેરણાને સહેજે નહોતું ગમતું. તે પરિતોષને કહેતી પણ ખરી પણ પરિતોષ લાચાર હતો. તે સારા દિવસો આવશે એવું આશ્વાસન આપીને ચલાવ્યા કરતો હતો.
વરસેક પહેલાંનો પ્રસંગ હશે. પ્રેરણાની વર્ષગાંઠ હતી. આમ તે બન્ને પ્રત્યેક વર્ષગાંઠે હરવા-ફરવા જવાની પ્રણાલી તેઓએ પાડી હતી. પરંતુ આ વર્ષગાંઠે તે પહેલીવાર તૂટી ગઈ. પ્રેરણાએ ઘણી રાહ જોઈ પણ મોડી સાંજે પરિતોષનો ફોન આવ્યો કે તે આવી શકે તેમ નથી. તે રાત્રે પરિતોષ ખૂબ મોડો આવ્યો. પ્રેરણાની વર્ષગાંઠનો પ્રસંગ હોવાને લીધે તેણે રોમાન્સની ચેષ્ટા કરી જોઈ. પરંતુ પ્રેરણા તરફથી તદ્દન ઠંડો આવકાર મળવાને લીધે તે ડઘાઈ ગયો. એટલું જ નહીં પરિતોષ જ્યારે શરીરસુખ માણવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રેરણા રીતસરની છેડાઈ પડી અને પરિતોષથી અલગ થઈ ગઈ.
આવા જ બે બનાવો કમનસીબે ત્યાર પછીના મહિનામાં રીપીટ થયા. દર વખતે એવું જ બનતું કે પરિતોષ સેક્સનો પ્રયાસ કરવા જતો અને અકળાયેલી પ્રેરણા છેડાઈને, અલગ થઈને એને નિષ્ફળ બનાવી દેતી. શરૂ શરૂમાં તો પ્રેરણા રીસમણાનું કારણ પણ કહેતી. પરંતુ છેલ્લા પ્રસંગ વખતે તો કંઇ ખાસ કારણ જણાવ્યું પણ નહીં અને પ્રેરણાએ કોઈ કારણ જણાવ્યું પણ નહીં. અલબત્ત, તેમનો બાકીનો જીવનવ્યવહાર બરાબર ચાલતો હોવાથી પરિતોષે આ બાબત પર ઝાઝું ઘ્યાન પણ ન આપ્યું.
છેલ્લા પ્રસંગ પછી પરિતોષને લાગ્યું કે પ્રેરણાને સેક્સમાંથી રસ જ ઉઠી ગયો છે, કેમ કે એ પહેલાના બધા જ બનાવોમાં પ્રેરણાએ સેક્સ અંગે રીતસરનો નન્નો જ ભણ્યો હતો. પરિતોષે પહેલાં તો પ્રેરણાના નકારને બહુ ગંભીરતાથી લીધો નહોતો પણ પાછળથી તેને પણ રીતસરનું માઠું લાગ્યું. પોતાના કોઈ વાંકગુના વગર પ્રેરણા આ રીતે સેક્સ ભોગવવાનો ઇન્કાર કરતી હોવાથી પરિતોષ પણ અકળાઈ ઉઠ્યો હતો. તેને લાગ્યું કે, પ્રેરણાને પોતાનામાં રસ નથી રહ્યો.
જો પ્રેરણાને ઇચ્છા ન હોય તો તો પોતે શા માટે સામે ચાલીને વારંવાર સેક્સની માંગણી કરીને ભોંઠા પડવું જોઈએ? શા માટે અપમાનિત થવું જોઈએ? આમ વિચારી પરિતોષે શારીરિક નિકટતાના તમામ પ્રસંગો ઓછા કરી નાખ્યા.
તેને આમ પણ વઘુ પડતું કામ તો રહેતું જ હતું. આથી હવે તો ઘણીવાર તે એવું કરવા માંડ્યો કે પ્રેરણા સાડા સાતે જાગે તે પહેલાં જ જાતે એકલો એકલો ઉઠીને, નાહી ધોઈને, ચાહ-નાસ્તો પતાવીને બહાર નીકળી જતો અને મોડી રાત્રે પ્રેરણા ઉંઘી જાય પછી પાછો ફરતો. છેલ્લા છ મહિના લગભગ આમ જ વીતી ગયા હતા. હવે પ્રેરણા જ નહીં, પરિતોષ પોતે પણ નિકટતાના તમામ પ્રસંગો ટાળવા માંડ્યો હતો.
જો બેક દિવસ પહેલા તેઓ વચ્ચે ઉગ્ર ઝઘડો ન થયો હોત તો તેઓની સમસ્યા ક્યારેય ડૉક્ટર સુધી પહોંચી જ નહોત. બન્યું એવું કે એક દિવસ વળી પરિતોષ વહેલો આવી ચડ્યો. ખાઈને તેઓ ડ્રોઈંગરૂમમાં ટી.વી. જોતાં બેઠા હતાં. ટી.વી. સીરીયલમાં પતિ-પત્નીના ઝઘડા વિષે એકાદ ડાયલોગ બોલાયો. તેના અનુસંધાનમાં પ્રેરણાએ કટાક્ષ કર્યો.
પરિતોષ હવે બદલાઈ ગયો છે તેવી ટકોર કરી અને પરિતોષ છેડાઈ પડ્યો. તેણે તેઓ વચ્ચે સર્જાયેલી ખાઈ માટે પ્રેરણા પર માછલાં ધોયાં અને પ્રેરણાએ પ્રતિ-આક્ષેપોનો મારો ચલાવ્યો. બરાબર બે કલાક સુધી બંને ઉંચે અવાજે, ઉગ્ર શબ્દોમાં ટપાટપી કરતાં રહ્યાં. બે કલાક જ નહી, કદાચ આ ઝઘડો બે-ચાર દિવસ સુધી ચાલ્યો હોત, જો સુશીલભાઈ, તેમના ફૅમિલી ફ્રૅન્ડ અચાનક ત્યાં ન ટપકી પડ્યા હોત.
સુશીલભાઈ આવ્યા ત્યારે બન્ને છાવણીઓમાંથી ઘુમાડા હતા. તેઓએ જેમતેમ બંનેને શાંત પાડ્યા અને બીજે જ દિવસે ડૉક્ટરની ઍપોઈન્ટમેન્ લેવડાવી દીધી. પ્રેરણા-પરિતોષ બન્નેએ, કમને ડૉક્ટરને મળવા આવવું પડ્યું હતું.
તો વાત આમ હતી. ડૉક્ટરે જ્યારે માંડીને બેઉની વાત સાંભળી ત્યારે તેનો સાર કંઇક આવો જણાયો. પરિતોષની ફરિયાદ એ હતી કે પ્રેરણાને સેક્સમાંથી સમૂળગો જ રસ ઊઠી ગયો હતો. સેક્સની વાત આવતાં જ એ છંછેડાઈ જતી હતી. અને પ્રેરણાની ફરિયાદ એ હતી કે પરિતોષને હવે કેવળ સેક્સમાં રસ રહ્યો છે. તેનો પોતાના પ્રત્યે જરાય પ્રેમ, લાગણી કે ઉષ્મા જેવું કંઈ બચ્યું નથી. માત્ર શરીરની ભૂખ સંતોષવા માટે પરિતોષ ક્યારેક તેની નજીક આવવાનો ડૉળ કરે છે પરંતુ હવે તો તે પણ નથી કરતો.
પ્રેરણા-પરિતોષ વચ્ચે એક તીવ્ર વિચારભેદ, એક જબરદસ્ત મડાગાંઠ સર્જાઈ હતી. એક ડેડલૉક સર્જાયું હતું. બેઉ પ્રવર્તમાન અલિપ્તાની સ્થિતિ માટે એકબીજાને દોષિત ઠરાવતાં હતાં અને સહેજે ય નમતું જોખવા તૈયાર નહોતા.
મૂળ વાત એ હતી કે તેઓ આકસ્મિક રીતે એક વિષચક્રનો ભોગ બન્યાં હતાં. સ્ત્રીની અને પુરૂષની જાતીયતામાં જે એક પ્રાકૃતિક ભેદ પ્રવર્તે છે તેની આંટીધૂંટીનો તેઓ ભોગ બન્યાં હતાં અને આવો ભોગ પ્રેરણા-પરિતોષ જ નહીં, ઘણાં યુગલો બનતાં હોય છે.
સ્ત્રીના જીવનમાં પ્રણય પહેલો હોય છે અને સેક્સ પછી. ઘણીખરી સ્ત્રીઓ સેક્સની સામે પ્રેમને પ્રાયોરીટી આપતી હોય છે. પતિ શરીરસંબંધ ન બાંધે તો ચાલે પણ તે જો લાડ ન કરે, ઈન્ટીમસી ન દર્શાવે, પ્રેમાળ વાક્યો ન બોલે તો તેમને ચાલતું હોતું નથી. એટલે કે લાગણીના સૂક્ષ્મ વ્યવહારો એ સ્ત્રીઓ માટે ઘણા સેક્સની પૂર્વશરત હોય છે. જેની સામે ઘણા પુરૂષો તદ્દન સામે છેડાનો એટિટ્યુડ ધરાવતા જોવા મળે છે. આવા પુરૂષોના જીવનમાં સેક્સ પ્રથમ હોય છે અને પ્રેમ ત્યાર પછી આવે છે. તેઓને લાડ, પ્યાર કે લાગણીશીલતા કરતાં શરીર સંબંધમાં વધારે રસ પડે છે.
એટલે કે આવાં પરસ્પર વિરોધી વલણો ધરાવતા દંપતીમાં સ્ત્રીનું કહેવું હોય છે કે ‘જો તમે પ્રેમ ન કરશો તો હું સેક્સ માણવામાં રસ ધરાવતી નથી.’ અને એની સામે પુરુષનું કહેવું હોય છે કે ‘જો તું મને સેક્સ ન કરવા દેશે તો હું પ્રેમ કરવામાં કશો આનંદ અનુભવતો નથી.’ સ્ત્રી કહે છે નો લવ, નો સેક્સ. જ્યારે પુરૂષ કહે છે, નો સેક્સ નો લવ.
આ મતભેદ સ્ત્રી-પુરૂષમાં રહેલો અનિવાર્ય ભેદ તો દર્શાવે છે પણ સાથોસાથ તે દૂર કરવાની ચાવી ય દર્શાવે છે. ‘લવ એન્ડ સેક્સ શુડ ઓલવેઝ ગો ટુગેધર.’
|