Last Update : 01-Sept.-2010, Wednesday

‘યુદ્ધેશ્વર’ કૃષ્ણ ‘વીર વોરિયર !’

અનાવૃત - જય વસાવડા


ભારતનાં પલાયનવાદી સમાજે મલ્ટી ડાયમેન્શનલ કૃષ્ણના ત્રણ સ્વરૂપોને બરાબર યાદ રાખ્યા છે. ચિંતાતુર વદને ચિંતન કરવાનો કુટિરઉદ્યોગ ચલાવતા ફિલોસોફરો ડિનર આરોગીને તૃપ્ત થયેલા ઓડિયન્સના દિમાગને ખંજવાળવા, ભગવદ્ગીતાવાળા ‘યોગેશ્વર કૃષ્ણ’નો ઉપદેશ રિપીટ કર્યા કરે છે. ઘણા ભાગવત કથાકારો એમની લોયલ ઓડિયન્સ ગણાતી મહિલાઓને રીઝવવા સતત બાળકૃષ્ણની લીલાઓના વર્ણન મોહનથાળ ખાઈને લાલમલાલ થયેલા વદને કર્યા કરે છે. ગુજરાતી કવીશ્વરોથી લઈને કવિડાઓનો લિસ્સોલપટ, સુંવાળો, બિરંજની સેવ જેવો હોટફેવરિટ ટોપિક છે, રાધા અને કૃષ્ણ....મુરલીધર માધવને ગોપીઓનો કહાન...
કૃષ્ણના આવા આદર્શોને પૂજવા ભજવામાં કોઈ જોખમ નથી, કારણ કે કોઈ પરાક્રમ નથી. એકશન સ્ટંટ કરતા અક્ષયકુમારના હાડકા ભાંગવાની જેટલી શક્યતાઓ છે, એટલી ચોકલેટી રોમેન્ટિક બોય રણવીર કપૂરની ન હોય ને ! સામાન્ય જનમાનસમાં કૃષ્ણની એક છાપ પડી ગઈ છે, કે કૃષ્ણ તો બળ કરતાં બુદ્ધિનો ઉપયોગ કરવાવાળા....પ્રેક્ટિકલ ટ્રિકબાજી કરીને દુશ્મનને ઘૂળચાટતો કરવાવાળા....બાકી તો એ અર્જુનને ‘યુદ્ધસ્વ’નો ઉપદેશ આપે, ને જીતવાની ચાલબાજીઓ બતાવે...લડવામાં તો કન્હૈયાલાલ હંમેશા ‘રણછોડ’ હોય, એવી જ એક મસ્તીભરી છાપ લોકો અજમાવે છે. જરાસંધ સાથેના યુદ્ધમાં કૃષ્ણે પાંડવોની મદદ લીધી અને (ઇનફેકટ, સળી જ હલાવીને) એને ખતમ કર્યો, તથા ‘મહાભારત’માં તો લડવાને બદલે માત્ર સલાહકારની ભૂમિકામાં જ રહ્યા એ બે પોપ્યુલર પ્રસંગો જનમાનસમાં એવા જડબેસલાક ચોંટી ગયા છે કે સુદર્શનચક્રનો કૃષ્ણનો ડાન્સિંગ ‘પ્રોપ’ હશે, એવું જેન્નેકસ્ટ (જનરેશન નેકસ્ટ !) માનવા લાગી છે !
રિયલી ? અફ કોર્સ નોટ ! કહ્યું ને, આ ઉપદેશપ્રધાન દેશને સદીઓથી ‘યુદ્ધ’ નામના શબ્દની ભારે બીક લાગે છે. રક્તરંજીત તલવારવાળા ચક્રવર્તી અશોકને બદલે બુદ્ધના ચરણોમાં નમી પડતો અશોક આ પ્રજાનો નાયક છે. એ રામને પ્રખર સેનાપતિ તરીકે નહિ પણ સીતાયતિ તરીકે જ વખાણવામાં ધન્ય થઈ જાય છે. કારણ કે, અહીં ‘સેફટી’ છે. કોઈ જોશથી ત્રાસવાદીઓને ખુલ્લેઆમ પડકારે, તો મક્કમતાથી એના પડખે ઊભા રહેવાને બદલે આ ઢીલાશંકર પોચીદાસો ‘આમ થોડું કંઈ ત્રાસવાદીઓને આમંત્રણ અપાય ?’ કરી ગયાને ધડાકા...આના કરતાં મૂંગા રહ્યા હોત તો ?’ કહીને જશને માથે જૂતિયાં ફટકારે છે !
માટે, ધાર્મિક કહેવાતી પબ્લિક સગવડતાપૂર્વક જે ભૂલી ગઈ છે, એ કૃષ્ણનું ‘નર-વીર’ સ્વરૂપ યાદ કરવાનો સમય પાકી ગયો છે. ગામને ચોરે બેસીને નવી પેઢીએ શું કરવું જોઈએ એની શિખામણો આપતા ભાભાની જેમ કૃષ્ણ કંઈ માત્ર માયા-મોક્ષનું ચિંતન ડહોળનારા વડીલ નથી. એ એક યુદ્ધેશ્વર પણ હતા ! ભાગવત, મહાભારત અને ખાસ તો કૃષ્ણકથા કહેવા માટે જ રચાયેલા ‘હરિવંશ’માં પુખ્ત અને પરિપક્વ બન્યા પછી કૃષ્ણે રણસંગ્રામમાં કરેલા પરાક્રમોની એક્સાઈટિંગ, રોમહર્ષક ગાથાઓ છે ! જ્યાં કૃષ્ણ શબ્દોથી, શસ્ત્રોથી ત્રાટક્યા છે !...અને ના, આપણે શિશુપાલવધ જેવી એકલ-દોકલ ઘટનાઓની વાત નથી કરતા !
કૃષ્ણની સોળ હજાર એકસો ને આઠ રાણીઓનો ફિગર (આંકડો, યુ સી!) પબ્લિકને બિપાશા બાસુની ફિગર (કમનીય કાયા, યુ ઓલ્વેઝ સી !)ની જેમ દિમાગમાં કોતરાઈ ગયો છે. પણ આઠને બાદ કરતાં સોળ હજાર એકસો ક્યાંથી આવી ? કમ સે કમ, સ્ત્રીઓ પાછળ બરબાદ કરવાનો સમય તો કૃષ્ણ પાસે એવો નહોતો જ ! પણ એ સમય નરકાસુર પાસે હતો ! પ્રાગ્જ્યોતિષપુર (આજના આસામ)નો રાજવી નરકાસુર વર્ણનની રીતે કંસથી દુર્યોધન સુધીના કૃષ્ણના તમામ ખલનાયકોમાં સૌથી વઘુ ભયાનક અને શક્તિશાળી ગણી શકાય ! નરકાસુર પાસે જેટલો રત્નભંડાર હતો એની ત્રિભુવનમાં પણ કલ્પના ન થઈ શકે, એવું હરિવંશ નોંધે છે ! એટલે સ્તો એણે પૂર્વ ભારતમાં મણિપુર સ્થાપ્યું હોવાની દંતકથા છે ! ઇન્દ્રને થથરાવતા નરકાસુરે સહયોગી મૂરની મદદથી દેવતાઓ-ગંધર્વો-મનુષ્યોને લૂંટી અપરંપાર દોલત અને સોળ હજાર એકસો સ્વરૂપવાન યુવતીઓ પોતાના કબજામાં રાખી હતી.
‘વોર હીરો’ તરીકેની કૃષ્ણની પ્રચંડ સિદ્ધિ આ નરકાસુર સંગ્રામમાં પ્રગટ થાય છે ! એક તો દ્વારકાથી પ્રાગ્જ્યોતિષપુર (ગુજરાતથી આસામ !) સૈન્ય લઈને જવું, એ જ ઐતિહાસિક સેનાનીની ‘મેનેજમેન્ટ સ્કિલ’નો પુરાવો છે. (યાદ છે ને, પ્રવાસથી થાકીને ભાગ છૂટેલું ‘વિશ્વવિજેતા’ સિંકદરનું લશ્કર !) વળી નરકાસુર સાથેની લડાઈની વ્યૂહરચના ‘ટોમ્બ રેઈડર’ જેવી અફલાતૂન વિડિયો ગેઈમનો મસાલો પૂરો પાડે તેમ છે. નરકાસુરની રાજધાની ફરતે ચાર ‘લેયર્સ’ હતા, જે એને ‘અનબીટેબલ’ બનાવે ! ગિરિદુર્ગ (પર્વત), જલદુર્ગ (ફરતું પાણી અને એમાં તૈનાત રાક્ષસો), અગ્નિદુર્ગ (નગરની ફરતે ભભૂકતી અગન જ્વાળાઓ) અને શસ્ત્રદુર્ગ (આસપાસના સો જોજન વિસ્તારોમાં છૂપાવીને ગોઠવેલા ધારદાર પથ્થરોના ટ્રેપ-જેમાં ચાલનાર ફસાય તો જીવથી જાય !)
આ તમામ અગવડો દૂર કરીને નરકાસુરને પડકારવા પહોંચેલા કૃષ્ણ સાથે નરકાસુર સંગ્રામનું હરિવંશનું વર્ણન ‘૩૦૦’ જેવી ધમાકેદાર એકશન ફિલ્મને ટક્કર મારે તેવું છે ! આઠ લોખંડી પૈંડાવાળા, હજાર ઘોડા જોડેલા અને પોલાદી સાંકળોથી સુરક્ષિત-રથમાં નરકાસુર કૃષ્ણનો સામનો કરવા ધસમસતો હતો. બખ્તરબદ્ધ, મહાકાય, ઘૂમ્રવર્ણના, રાતીચોળ આંખોવાળા રાક્ષસો એની સાથે હતા. મુરતીના હીરા-સુવર્ણથી સુશોભિત શક્તિઅસ્ત્રના પ્રહારને કૃષ્ણે સોનાની પાંખવાળા એક તીરથી કાપી નાખ્યું હતું ! પર્જન્યાસ્ત્રથી નિસુંદ દાનવની સેનાને બાણવર્ષા કરી હંફાવી હતી.
સંઘ્યાકાળના સૂર્યની જેમ ચમકતો નરકાસુર મેઘગર્જના જેવા લલકાર સાથે અગ્નિની જેમ લડવા દોડ્યો હતો. પણ કૃષ્ણે એની સેનામાં કત્લેઆમ મચાવી હતી ! શત્રુઓના હાથ, પગ અને ડોકાં વેરવિખેર પડ્યા હતા. પોતાની ‘કૌમોદિકી’ ગદાના પ્રહારથી કૃષ્ણે કેટલાકની છાતીઓ ચીરી નાખી હતી ! ત્રિશૂલ લઈને લડતા નરકાસુરના અંતે કૃષ્ણે સુદર્શનચક્રથી બે ટૂકડા કર્યા હતા ! પાછળથી આ યુદ્ધની જ ‘બેકસ્ટોરી’ તરીકે પત્નીને ગમતું પારિજાતવૃક્ષ લઈ કૃષ્ણ રીતસર સ્વર્ગના અધિપતિ ઇન્દ્રની સામે યુદ્ધે ચડ્યા હતા !
એવો જ એક જંગ વ્રજના સામેનો છે, જેમાં ચાવીરૂપ ભૂમિકા કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ને ભજવી હતી ! વજ્રપુરનો આ શેતાનદિમાગ રાજા એની અભેદ રાજધાનીને લીધે સુરક્ષિત હતો. પણ શોખથી ભદ્રનામ નામના નટની અભિયન મંડળીમાં જોડાયેલો કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ન ત્યાં વેશ ભજવવા પહોંચી ગયો હતો. બાપ તેવા બેટા ! પ્રદ્યુમ્ને નાટકો ભજવતાં ભજવતાં વ્રજનાભની પુત્રી પ્રભાવતીને જ પ્રેમમાં પાડી દીધી ! પ્રભાવતીની જ અગાસીમાં બંનેનો ગુપચુપ સમાગમ થતા, અને પ્રભાવતી એવી તો લવ-સિક થઈ કે પિતાને મારવા માટે એણે જ પ્રદ્યુમ્નને તલવાર આપી અંતે વ્રજનાભ હણાયો. કૃષ્ણે આવીને રાજ્ય કબજે કર્યું. એનું વેર વાળવા માટે વ્રજનાભનો ભાઈ નિકુંભ ત્રાટક્યો. ભલભલી ‘ટ્રિપલ એક્સ’ ફિલ્મોને શીંગદાળિયા ઠેરવે, એવી કામોત્તેજક સાગરક્રીડાના ઉત્સવ વખતે નિકુંભે કૃષ્ણની દીકરી ભાનુમતીનું અપહરણ કર્યું. અર્જુન-પ્રદ્યુમ્ન-કૃષ્ણ દોડ્યા અને અંતે થાકેલા અર્જુન અને કેદ પકડાયેલા પ્રદ્યુમ્નને બચાવવા કૃષ્ણે તુમુલ યુદ્ધ લડી નિકુંભને મારી નાખ્યો ! (અને કૃષ્ણપુત્રી ભાનુમતિ પછી સહદેવને પરણી !)
આ ઘટનાઓ બની પછી સોણના રાજા શાલ્વે દ્વારકા પર આક્રમણ કર્યું. શાલ્વ શિશુપાલનો દિલોજાન દોસ્ત હતો, જરાસંધનો ટેકેદાર અને રૂકમણિહરણ વખતે કૃષ્ણપત્નીનો ઉમેદવાર હતો. રૂકમણીહરણ સમયે એણે જાહેર પ્રતિજ્ઞા લીધી હતી કે યદુવંશનો નાશ ન કરૂં, ત્યાં સુધી રોજ ભોજનમાં એક મૂઠ્ઠી ઘૂળ ખાઈશ ! એ માટે શિવ પાસેથી એણે બખ્તરબંધ રણગાડી જેવું ‘અનબ્રેકેબલ’ વાહન મેળવ્યું હતું !
શિશુપાલવધના સમાચાર પછી કૃષ્ણ જ્યારે ઇન્દ્રપ્રસ્થ હતા, ત્યારે શાલ્વ દ્વારકા ચડી આવ્યો. દ્વારકાની સુરક્ષા માટે વૃદ્ધ ઉગ્રસેને પગલાં લીધા, પણ શાલ્વની ઝંઝાવાતી ફોજ સામે બિનઅનુભવી યુવાનો ટકી શકે તેમ નહોતા. પરાક્રમી પ્રદ્યુમ્ન ઘવાતા સારથી રથ લઈને પાછો ભાગ્યો. શાલ્વે દ્વારકામાં કાળો કેર વર્તાવ્યો. ઉદ્યાનો વેરણછેરણ કરી નાખ્યા. જ્યાં જુઓ ત્યાં ભાંગેલા પથ્થરો અને ઉખડેલા ઝાડ ઘરેણાંઓ લૂંટ્યા, નગરને સ્તબ્ધ કરી દીઘું.
પાછા આવેલા કૃષ્ણે ‘આરપારની લડાઈ’ અને ‘યોગ્ય તપાસ’ના નિવેદનોને બદલે તાબડતોબ કાઉન્ટર એટેકની યોજના બનાવી. સીધા શાલ્વની રાજધાની માર્તિકાવતી પહોંચ્યા. યુદ્ધ સહેલું નહોતું. શાલ્વના પ્રહારથી કૃષ્ણનો ડાબો હાથ ભાંગ્યો. કૃષ્ણને હરાવવા ચાલાકીથી દેવકીના નામે સંદેશો પહોંચાડ્યો કે પિતા વસુદેવનું શાલ્વના સૈનિકોએ અપહરણ કરી, એમની હત્યા કરી છે !
ભાગવત-મહાભારત લખે છે કે આ સાંભળી કૃષ્ણ મૂંઝાયા. બળરામ હોવા છતાં પિતાની આવી અવદશા ? અને જો આવું બન્યું હોય તો દ્વારકાના સર્વે સ્વજનોનો ય નાશ થઈ ગયો હોય ! કૃષ્ણનું ‘માઈન્ડ’ સંપૂર્ણ વિનાશની કલ્પનાથી ‘બ્લૅન્ક’ થઈ ગયું. વિહ્વળ દશામાં પિતાના મૃત્યુની કલ્પનાથી ધનુષ્ય પડી ગયું અને એ રથમાં બેસી પડ્યા. આવી ભાંગેલી મનોદશામાં કૃષ્ણ મોતની નજીક પહોંચે એવી રીતે પરાજીત થતા હતા. પણ તરત એમણે જાત સંભાળી. ફરી યુદ્ધ કરી શાલ્વને અંતે ખતમ કર્યો !
રીડરબિરાદર, કુછ સમજે ? કુરૂક્ષેત્રના કૃષ્ણ પાસે આ ‘પર્સનલ એક્સપિરિયન્સ’ હતો ! માટે સ્વજનોના મૃત્યુની કલ્પનાથી વિષાદગ્રસ્ત અર્જુનને એમણે બઘું ભૂલીને લડવા માટે બેઠો કર્યો, એ શબ્દો ‘પોથીમાંના રીંગણા જેવા ઠાલાંપોલાં નહોતા ! જાત અનુભવમાંથી આવેલી નક્કર અને વાસ્તવિક વાત હતી ! અને કદાચ ‘નરો વા કુંજરો વા’ વાળી દ્રોણવધની કપટયુક્તિ પણ પોતાના પર અજમાવેલી ચાલાકી પરથી જ સૂઝી હશે !’
કૃષ્ણના જીવનના ઉત્તરાર્ધમાં આવેલો શોણિતપુરના બાણાસુર સાથેનો રણસંગ્રામ જગજાહેર છે. અનિરૂદ્ધ-ઉષાની લવસ્ટોરી (ઓખાહરણ)ને લીધે એની વાર્તા હજુ કેટલાય ભારતીયો માટે સાવ અજાણી નથી. વાત ફક્ત ‘વોર’ની જ કરીએ તો કૃષ્ણનો પૌત્ર અનિરૂદ્ધ જેની પુત્રી ઉષાને ભગાડી લઈ આવ્યો, એ બાણાસુર વિખ્યાત બલિરાજાનો જ્યેષ્ઠ પુત્ર ! પોતે પણ ગુણવાન, નિષ્ઠાવાન, શંકરનો એવો સાચો ભક્ત કે એની રાજધાનીના સંરક્ષણનું કાર્ય સ્વયમ્ મહાદેવે સંભાળેલું ! અને શિવપુત્ર કાર્તિકેય તો ત્યાં જ રહેતો, અને પોતાનો ઘ્વજ (મયૂર ઘ્વજ) એણે બાણાસુરને આપી દીધેલો !
બાણાસુર એટલો તો પરાક્રમી હતો કે ‘હજાર હાથવાળો’ યોદ્ધો કહેવાતો. એની સામે કોઈ લડતું નહિ એટલે કંટાળીને એણે વરદાનમાં યુદ્ધ માંગ્યું હતું ! અંતે અનિરૂદ્ધ-ઉષાના મામલે ‘મોહબ્બત કે દુશ્મન’ બાણાસુર કૃષ્ણની સામે યુદ્ધે ચડ્યો. એના પક્ષે વચન મુજબ શંકર પોતે લડ્યા, અને કૃષ્ણ-શંકર વચ્ચે એવું ધમાસણ યુદ્ધ થયું કે બ્રહ્માએ વચ્ચે પડી સમાધાન કરાવવું પડ્યું ! કૃષ્ણની એનામાં શરીર ભૂરૂં થાય અને બળતરા થાય એવી બીમારી આવી પડી. પણ કૃષ્ણે ધૈર્ય ટકાવી, સંગ્રામ ચાલુ રાખ્યો. અંતે બાણાસુર અને શિવપુત્ર કાર્તિકેયને બચાવવા બાણાસુરની માતા કોટરા સંપૂર્ણ નિર્વસ્ત્ર થઇ આડે આવી. પરસ્ત્રીને નિર્વસ્ત્ર ન જોવાની આમન્યાથી કૃષ્ણે માથું અવળી દિશામાં ફેરવ્યું અને બાણાસુર-કાર્તિકેય ભાગ્યા. બાણાસુર શિવભક્તિમાં સંન્યાસી થઈ ગયો !
કૃરૂષના રાજા પૌંડ્રક માટે તો ખુદ કૃષ્ણ એ પરાક્રમમાં બીજો પરશુરામ છે, કહીને એની પ્રશંસા કરતા પોતાને કૃષ્ણથી ચડિયાતો સિદ્ધ કરવા પૌંડ્રક પોતાને જ ‘વાસુદેવ’ કહેવડાવતો ! કૃષ્ણની ગેરહાજરીમાં એમનું સ્થાન લેવા પહોંચેલા પૌંડ્રક્ે દ્વારકા જીતી એને ખતમ કરવાનો આદેશ આપ્યો. અચાનક કૃષ્ણની એન્ટ્રી થઈ ! કૃષ્ણે પૌંડ્રક ને સમજાવ્યો કે ચક્ર તારી પાસે પણ હોય, અને મારી પાસે પણ હોય...પણ બંનેની શક્તિમાં ભેદ હોય. હું તો ગાયોનો ગોવાળ છું, તને શોખ હોય તો તું ચક્ર, ગદા રાખતો થા ! પૌંડ્રકે ગુસ્સે ભરાઈને ચક્ર ફેંક્યુ, અને એ ઘા ચૂકવી કૃષ્ણે એને મારી નાખ્યો !
એ જ રીતે જરાસધના ચતુર મંત્રીઓ હકસ-ડિંભક બદલો લેવા પુષ્કરના બ્રહ્મદત્ત રાજાની ઓથે ચડેલા અને કૃષ્ણ પાસેથી મીઠાં નો ટેક્સ માંગવામાં આવ્યો ! ગાંધીજીની અહિંસાવાદી દાંડીકૂચને બદલે કૃષ્ણનો રિસ્પોન્સ જુદો હતો ! એમણે કહ્યું ‘જરૂર હું કર ચૂકવીશ, પણ નાણા કે નમકમાં નહિ ! બાણ અને તલવારથી !’ અને અંતે કૃષ્ણથી ભાગેલા હંસ-ડિંભક અકસ્માત અને આપઘાતથી મરણશરણ થયા !
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સુપર વોરિયર ક્રિષ્નાએ દરેક યુદ્ધમાંથી મળેલું રાજ્ય કે સંપત્તિ ભોગવવાને બદલે એનું દાન કરી દીધું હતું ! વેલ, કૃષ્ણનાં મહાસંગ્રામો ‘ધર્મસંસ્થાપનાય’ હતા...પર્સનલ ગેઈન માટે નહિ ! હેપ્પી જન્માષ્ટમી !
ઝિંગથિંગ !
ગ્રોઅન અપ્સ ઃ રજાને દિવસે મિત્રો સાથે બેસીને જોવા જેવી મજેદાર ફેલોશિપ ફ્રેન્ડશિપ ફિલ્મ !

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

twitter facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved