આપણું શહેર મહાનગરને મહાત કરે એવી ઝડપે વિકસી રહ્યું છે. વાતચીત, વર્તનથી માંડીને વસ્ત્રો સુધી દરેકમાં પરિવર્તન ડોકાઈ છે પરંતુ આપણી મેન્ટાલીટી હજુ એની એજ અકબંધ છે. ગાંધીજી દરિયા પાર ગયા ત્યારે તેમને નાત બહાર કરાયેલા એ સમયે અફવાનું બજાર કેવું રહ્યું હશે ? એની કલ્પના કરવી આજની તારીખે પણ જરા પણ મુશ્કેલ નથી. આજે પણ કોઠારીયા નાકાથી માંડીને સદર અને કાલાવડ રોડથી માંડીને જામનગર રોડ પર આવેલા જકાત નાકા પાસે નાનકડી એવી ઘટના બને તો તે અફવાના સ્વરૂપે ઘડીના છઠ્ઠા ભાગમાં શહેરમાં ફરતી થઈ જાય છે. નાની મોટી ઘટના હોય અને તેનાથી કોઈને નુકશાન ન થતું હોય ત્યાં સુધી તો બધું સહ્ય બને પરંતુ ફલાણો વેપારી ઉઠી ગયો ને ઢીકળાએ દેવાળુ ફુંકયુંની અફવા ફેલાય છે ત્યારે વાત છેક ઉઠમણાં સુધી પહોંચી જાય તેટલી હદે માણસ હેરાન થાય છે. શેરબજારમાં તેજી હતી અને સેન્સેક્ષ ૨૦,૦૦૦ના આંકડાને વટાવી ગયો. ચારે બાજુથી શેરબજારમાં પૈસા ઠલવાતા હતા. એક પછી એક શેર બ્રોકર્સની પેઢી ખુલતી હતી. આર્થિક વિકાસની ઉજવણી વચ્ચે શહેરમાં ઢગલાબંધ શોપીંગ મોલ્સ પણ ખુલ્યા. આજે મંદીએ સમગ્ર વિશ્વને ઝપટમાં લીધું છે. આપણે પણ વિશ્વના અર્થતંત્રનો એક હિસ્સો છીએ તેથી મંદીની અસર થવાની જ. પરંતુ મંદીના કારણે રાજકોટમાં જેટલી અફવાઓ ઉઠી છે એટલી બીજે કયાંય નહીં ફેલાય. સેન્સેક્ષ ૨૦,૦૦૦થી ૧૫,૦૦૦એ આવ્યો એટલે અનેક પેઢીઓ ઉઠી ગયાની અફવાનું પડીકું તરતુ મુકાયું. ૧૫ માંથી ૧૦ અને હવે ૯૦૦૦ આસપાસ સેન્સેક્ષ પહોંચ્યો છે ત્યારે રાજકોટ અફવાની આંધીમાં એવું અટવાયું છે કે, સાજી-સારી પેઢીઓ પણ માત્ર ને માત્ર અફવાના કારણે બિમારી પડી જાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એકાદ પેઢી ઉઠી ગઈ હોય પરંતુ તેનાથી મોટાભાગની પેઢીઓ ઉઠી જશે એવી અફવાએ એક ખરાબ વાતાવરણ સજર્યું જેના કારણે ટકી જવા મથતી અને થોડો સમય મળે તો તરી જવા સક્ષમ એવી પેઢીઓનું આવી બન્યું. એક જાણીતી મોબાઈલ પેઢીએ ઉઠમણું કર્યાની ચર્ચા દિવાળી પહેલાથી ચાલુ છે. આ પેઢી ખૂબ સારી ચાલે છે અને તેના સંચાલક તેવા સજજન ખુલાસા કરી કરીને થાકી ગયા છે કે, બધું સમુસુતરૂ છે પરંતુ અફવા જેનું નામ, હજુ પણ દિવસમાં મોબાઈલના નવા મોડલ માટે આવે એના કરતાં વધુ ઈન્કવાયરી પેઢીની ઉઠમણાની વાત અંગે આવે છે. એક વિદેશી કંપનીને હસ્તગત કરીને આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજકોટનું નામ ચમકાવતા એક ઉદ્યોગ સાહસીકને ગમે તેવું નવું સાહસ કે મોટુ જોખમ લેતા પરસેવો નહીં વળ્યો હોય પરંતુ તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ થવાની અફવાએ કદાચ તેમને હેરાન પરેશાન કરી મુકયા હશે. આવું જ કંઈક રાજકોટના નામાંકીત કાર ડીલર સાથે બન્યું છે. આટલું જ નહીં વર્ષો જુની આ પેઢી જેના નામના સિકકા પડતા હતા તેમાં હવે કસ નથી એવી વાત બજારમાં વહેતી થતાં તેમની હાલત પણ ખરાબ થઈ ગઈ છે. રાજકોટની એક શેરબજારની બ્રોકર પેઢીને પણ દિવાળી પહેલા અફવાઓની આંધી વચ્ચે સલવાઈ હતી. એકદમ મિલનસાર સ્વભાવના આ પેઢીના સંચાલકે સૌ કોઈને હાથ જોડીને અફવા પાછળ નહીં દોહરાવવા અપીલ કરી હતી. આપણા શહેરમાં હરીફાઈ એટલી ગળાકાપ છે કે નાની મોટી ઘટનામાં એક બીજા હરીફો એક બીજાની એટલી હદે અફવા ફેલાવે છે કે ઉઠમણું થતું ન હોય તો પણ ધરાર પેઢી આગળ તાળા લટકી જાય છે અને ખરેખર આ શરમજનક ઘટના છે. કોઈતો એવું કહે છે કે રાજકોટમાં જેટલું કે તો તો... કે તી..તી.. ચાલે છે એટલું એક પણ શહેરમાં ચાલતું નથી અને આજ બાબત અફવાને ઉછાળવા માટે જવાબદાર છે. લાગતા વળગતા તત્વો કે પછી હિતશત્રુઓ અફવા રૂપે કોઈ વાત ચાર ચોવટીયાઓની વચ્ચે રમતી મુકી દે જે ખરેખર કેટલી નુકશાનકારક સાબીત થાય છે તે તો જેના વિષે અફવા ફેલાવવામાં આવી હોય તેનાથી વધુ સારી રીતે કોણ જાણી શકે ?